Columns

ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા આપણી સરકાર કેમ આતુર છે?

બિટકોઈનના વધતા જતા ભાવોથી માત્ર આપણી સરકાર જ નહીં પણ દુનિયાભરની સરકારો ચિંતિત છે. ભારત સરકારે સંસદમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો ખરડો રજૂ કર્યો છે.

ખાનગી ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધિત કર્યા પછી ભારતની રિઝર્વ બેન્ક પોતાની આગવી ક્રિપ્ટોકરન્સી લાવવા માગે છે. બેન્કમાં ખાતાં ધરાવતાં ભારતનાં નાગરિકોને તેમની પેપર કરન્સીનું રૂપાંતર પહેલાં ક્રિપ્ટોકરન્સીમાં કરવાની સગવડ આપવામાં આવશે. પછી જીવનનાં તમામ ક્ષેત્રોમાં ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપવામાં આવશે.

પ્રજાનો મોટો વર્ગ ક્રિપ્ટોકરન્સી વાપરતો થઈ જાય તે પછી પેપર કરન્સી ચલણમાંથી રદ કરી નાખવામાં આવશે. ત્યાર બાદ પ્રજાના તમામ આર્થિક વ્યવહારો પર સરકારનું નિયંત્રણ રહેશે. જો કોઈ નાગરિક સરકારની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં કે સામાન્ય મીડિયામાં પ્રચાર કરતો જણાશે તો તેનું બેન્ક અકાઉન્ટ સ્થગિત કરી દેવામાં આવશે. તે નાગરિકને ભીખ માગવાનો વારો આવતા તેને સરકાર સમક્ષ ઝૂકી જવાની ફરજ પડશે.

તાજેતરમાં એલન મસ્કની ટેસ્લા કંપનીએ દોઢ અબજ ડોલરના બિટકોઈન રોકાણ તરીકે ખરીદ્યા તેને કારણે બિટકોઈન ફરીથી સમાચારોમાં ચમકી રહ્યા છે. જો કે બિલ ગેટ્સે બિટકોઈન બાબતમાં સાવચેતીનો સૂર કાઢતાં કહ્યું છે કે જો તમારી પાસે એલન મસ્ક કરતાં ઓછાં નાણાં હોય તો તમારે બિટકોઈન ખરીદતાં પહેલાં સાવધાન રહેવું જોઈએ.

બિલ ગેટ્સનો ઇરાદો બિટકોઈનના ભાવોમાં જોવા મળતી આસમાની સુલતાની પ્રત્યે રોકાણકારોને સાવધાન કરવાનો હતો. બિટકોઈનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો પુરવઠો મર્યાદિત છે અને તેનો કન્ટ્રોલ દુનિયાની કોઈ સરકારના હાથમાં નથી.

દુનિયાની સેન્ટ્રલ બેન્કો જોઈએ તેટલી કરન્સી હવામાંથી પેદા કરીને જનતાને ઉલ્લુ બનાવી શકે છે, પણ તેઓ બિટકોઈન પેદા કરી શકતી નથી. આ કારણે જેઓ બેન્કરોની ટોળીની ગુલામી ન કરવા માગતા હોય તેમનામાં બિટકોઈન બહુ લોકપ્રિય છે.

બિટકોઈનની શોધ ૨૦૦૯ માં બ્લોકચેઇન ટેકનોલોજીને આધારે કરવામાં આવી હતી. તેના શોધક તરીકે સતોશી નાકામોટો નામના ઇસમનું નામ આપવામાં આવે છે, પણ તે નામનો કોઈ માણસ દુનિયામાં વસતો નથી. સતોશી નાકામોટો કોઈ માણસનું અથવા માણસોના સમૂહનું ઉપનામ છે. તેમની ઓળખ આજ દિન સુધી બહાર આવી નથી.

બિટકોઈનની જ્યારે શોધ થઈ ત્યારે તેનો ભાવ એક ડોલર જેટલો હતો. આજની તારીખમાં એક બિટકોઈન ૪૭,૩૨૧ ડોલરમાં વેચાઈ રહ્યો છે. છેલ્લા લગભગ ૬ મહિનામાં બિટકોઈનના ભાવોમાં ૩૫૦ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. જાણકારો કહે છે કે બિટકોઈનના ભાવો પાંચ લાખ ડોલર સુધી પણ પહોંચી શકે છે.

દુનિયાની સરકારો બિટકોઈનને પ્રતિબંધિત કરવા આતુર છે, કારણ કે તેઓ બિટકોઈનના વધતા ચલણથી ગભરાય છે. બિટકોઈન દ્વારા દુનિયામાં સમાંતર અર્થતંત્ર પેદા થયું છે, જેના પર સરકારનો અને બેન્કરોનો કોઈ કન્ટ્રોલ નથી. સરકારો પોતાની મરજી મુજબ બિટકોઈન પેદા નથી કરી શકતી અને પેપર કરન્સીની જેમ તેનું ડિમોનેટાઈઝેશન પણ કરી શકતી નથી.

દુનિયામાં બિટકોઈનની સંખ્યા ક્યારેય ૨.૧ કરોડથી વધવાની નથી. તેને કારણે બિટકોઈનમાં ક્યારેય ફુગાવો થવાનો ભય રહેતો નથી. ઇ.સ. ૨૦૦૮ માં જગતમાં મંદી આવી હતી. તેમાંથી બહાર આવવા વિશ્વની સેન્ટ્રલ બેન્કો દ્વારા બેફામ કરન્સી છાપીને ચલણમાં મૂકવામાં આવી હતી.

તેને કારણે ફુગાવો વધ્યો હતો. તેનો મુકાબલો કરવા બિટકોઈન બહાર પાડવામાં આવ્યા હતા. વર્તમાનમાં પણ કોરોનાને કારણે સેન્ટ્રલ બેન્કો દ્વારા ચિક્કાર ચલણી નોટો છાપવામાં આવી રહી છે.

પહેલાં વિશ્વયુદ્ધ પહેલાં દુનિયાનો આર્થિક વ્યવહાર સોના અને ચાંદીમાં ચાલતો હતો. જે પેપર કરન્સી છાપવામાં આવતી હતી તે પણ સોના કે ચાંદીનો ટેકો ધરાવતી હતી. કોઈ પણ વ્યક્તિ સેન્ટ્રલ બેન્કને પેપર કરન્સી આપીને તેના બદલામાં તેટલી રકમનું સોનું કે ચાંદી મેળવી શકતી હતી. આ કારણે સરકાર પાસે જેટલું સોનું કે ચાંદી હોય તેટલા પ્રમાણમાં જ તે પેપર કરન્સી છાપી શકતી હતી, જેને કારણે મોંઘવારી નિયંત્રણમાં રહેતી હતી.

ઇ.સ. ૧૯૧૭ અને ૧૯૭૧ વચ્ચે દુનિયાના દેશોની સરકારો દ્વારા ધીમે ધીમે ગોલ્ડ સ્ટાન્ડર્ડનો ત્યાગ કરવામાં આવ્યો. હવે તેમને મન ફાવે તેટલી પેપર કરન્સી છાપવાની સ્વતંત્રતા મળી ગઈ. સેન્ટ્રલ બેન્કો હવામાંથી ચલણી નોટો છાપીને સરકારોને આપવા લાગી. આ કારણે ચલણી નોટોની કિંમતમાં સતત ઘટાડો થતો રહ્યો. હકીકતમાં સેન્ટ્રલ બેન્કો લોકોના હાથમાં જે બચત હતી તેની કિંમતમાં છળ વડે સતત ઘટાડો કર્યા કરતી હતી.

બિટકોઈનની શોધ કરનાર સતોશી નાકામોટોને હવામાંથી કરન્સી નોટો પેદા કરતી સેન્ટ્રલ બેન્કો માટે તીવ્ર નફરત હતી. તેમ કરીને સેન્ટ્રલ બેન્કો સતત કરન્સીનું અવમૂલ્યન કર્યા કરતી હતી. તેણે ૨૦૦૯ ના ફેબ્રુઆરીમાં પોતાના બ્લોગમાં લખ્યું હતું કે ‘‘લોકોનો ભરોસો સેન્ટ્રલ બેન્ક પર છે. તેણે કરન્સીનું અવમૂલ્યન કરીને તે ભરોસો તોડવો જોઈએ નહીં.

ફિયાટ કરન્સીનો ઇતિહાસ વિશ્વાસઘાતથી ભરેલો છે. આપણે બેન્કો પર ભરોસો મૂકીને આપણાં નાણાં બેન્કોમાં મૂક્યા. તેમણે તેનો ઉપયોગ લોકોને લોન આપવા માટે કર્યો. આ રીતે ધિરાણનો ફુગ્ગો ફૂલતો ગયો છે. આપણાં જેટલાં નાણાં બેન્કમાં હોય છે તેનો નાનકડો હિસ્સો જ તેમની પાસે અમાનતના રૂપમાં હોય છે.’’

નાકામોટોને લાગ્યું કે લોકોએ સરકારમાં અને સેન્ટ્રલ બેન્કોમાં જે વિશ્વાસ મૂક્યો છે તેનો ભંગ બેફામ પેપર કરન્સી છાપીને બેન્કો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમાંથી બચવાના ઉપાય તરીકે તેણે બિટકોઈન શોધી કાઢ્યા. આ કરન્સી એવી છે કે તેનું મર્યાદિત જ ઉત્પાદન કરી શકાય છે. વળી તેની ટેકનોલોજી પર કોઈ સરકારનો કે સેન્ટ્રલ બેન્કનો કાબૂ હોતો નથી. વર્તમાનમાં દુનિયામાં ૧.૮૬ કરોડ બિટકોઈન છે.

આ ટેકનોલોજી વડે વધુમાં વધુ ૨.૧ કરોડ બિટકોઈન જ પેદા થઈ શકે છે. બિટકોઈનની ટેકનોલોજી વિકેન્દ્રિત હોવાથી તેનો કોઈ માલિક નથી. સોફ્ટવેરના નિષ્ણાત ઘણા બધા માણસો  ઘણી બધી જહેમતના અંતે એક નવો બિટકોઈન પેદા કરી શકે છે. દુનિયામાં બિટકોઈનનો પુરવઠો મર્યાદિત જ રહેવાનો હોવાથી તેના ભાવો વધ્યા કરે છે. સેન્ટ્રલ બેન્કો જેમ જેમ પેપર કરન્સી છાપીને ચલણમાં મૂક્યા કરે છે, તેમ તેમ બિટકોઈનના ભાવોમાં ઉછાળો જોવા મળે છે.

વર્તમાનમાં એક બિટકોઈનની કિંમત લગભગ ૪૮,૦૦૦ ડોલર અથવા ૩૬ લાખ રૂપિયા જેવી હોવાથી તેનો ઉપયોગ દૈનંદિનના ચલણ તરીકે કરી શકાય તેમ નથી; કારણ કે તેના ટુકડા કરીને વિનિમય કરી શકાતો નથી. વળી બિટકોઈનની માલિકી મર્યાદિત હાથોમાં જ રહી શકે તેમ હોવાથી તેનો ઉપયોગ નિયમિત ચલણ તરીકે ક્યારેય કરી શકાય તેમ નથી. તેમ છતાં જેમ સોના કે ચાંદીનો સંગ્રહ ફુગાવા સામેના સંરક્ષણ તરીકે કરવામાં આવી રહ્યો છે.

તેમ બિટકોઈનનો ઉપયોગ પણ ફુગાવાથી મૂડીનું સંરક્ષણ કરવા સલામત રોકાણ તરીકે કરવામાં આવી રહ્યો છે.  વિશ્વમાં બિટકોઈનનો મર્યાદિત પુરવઠો છે અને માગ સતત વધતી હોવાથી તેના ભાવો વધ્યા કરે છે. સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવે તો પણ શ્રીમંતો તેનો સંગ્રહ કરવાના રસ્તા શોધી કાઢશે. જેમ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવો શક્ય નથી તેમ બિટકોઈન પર પ્રતિબંધ મૂકવો વ્યવહારમાં શક્ય જ નથી.

લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top