Trending

ઓડિશામાં યુવકે સળગતી મશાલ હાથીની પીઠ પર ફેંકી, હેરાન કરી દેનારી તસવીરો આવી સામે

ઓડિશા: ઓડિશામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં કેટલાંક લોકો હાથી પર સળગતું લાકડું ફેંકી તેની પૂંછ સળગાવતા હોવાનું વીડિયોમાં જોઈ શકાય છે. આ વીડિયો બહાર આવતા જ ફોરેસ્ટ વિભાગ સહિત સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. લોકો હાથીને કેમ હેરાન કરતા હતા તે જાણવાનો સૌ કોઈ પ્રયાસ કરી રહ્યાં છે.

આ વીડિયો ઓડિશાના મયુરભંજ જિલ્લાના કરંજિયા બાંખંડ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક રહેવાસીઓએ એક હાથીને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો છે. વાત એમ છે કે અહીં છેલ્લાં 26 દિવસથી 100 હાથીઓના ટોળાએ આતંક મચાવ્યો છે. તોફાની હાથીઓએ આ વિસ્તારમાં 35 જેટલાં મકાનો તોડી નાંખ્યા છે. અવારનવાર હાથી રહેણાંક વિસ્તારમાં ધસી આવી ઉત્પાત મચાવી રહ્યાં છે, તેથી સ્થાનિક રહીશો હેરાન થઈ ગયા છે. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ બદલો લેવાના ઈરાદે હાથી પર હુમલો કર્યો હોવાની વિગતો જાણવા મળી છે.

હાથીના ટોળાઓ પર આગથી હુમલો કર્યો
આ ઘટના ગઈ તા. 21 જુલાઈની હોવાની માહિતી મળી છે. ગઈ તા. 21મીએ હાથીઓનું ટોળું બાખંડ ગામમાં ધસી આવ્યું હતં ત્યારે એક સ્થાનિક યુવકે હાથીઓના ટોળાને ભગાડવા માટે તેમની પીઠ પર સળગતી મશાલ ફેંકી હતી. ત્યારે હાથીની પીઠ પર આગ લાગી ઘઈ હતી. આગ લાગ્યા બાદ હાથી દોડતો જોવા મળે છે. વીડિયોના આધારે વનવિભાગે તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે કરંજિયા રેન્જ હેઠળના શુક્રેલી બ્લોકમાં અલગ-અલગ જગ્યાએ 22 હાથી છે.

વનવિભાગે તપાસ શરૂ કરી
કરંજિયા ડીએફઓએ જણાવ્યું કે અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. જો અમારા વિસ્તારમાં મળી આવશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડશે તો આગ લગાવનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવશે. વાયરલ વીડિયો પર તેણે કહ્યું કે તે કયા વિસ્તારનો છે, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. અમે તપાસ શરૂ કરી છે, પરંતુ તે ઝારખંડ અથવા ઓડિશાનો હોઈ શકે છે.

હાથીઓ પર હુમલાનો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ લોકો આગથી હાથીઓ પર હુમલો કરતા રહ્યા પરંતુ ત્યાં હાજર અન્ય લોકો જોતા જ રહ્યા. જો કે કેન્દ્ર અને રાજ્ય સરકારના કડક નિયમો હોવા છતાં અહીં હાથીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. આગના હુમલા બાદ ઘાયલ હાથીની સ્થિતિ શું છે તે જાણી શકાયું નથી.

Most Popular

To Top