Madhya Gujarat

આણંદમાં 3ના જીવ જોખમમાં મુકનારા દુકાનદારને નોટીસ

આણંદ : આણંદ શહેરમાં ફાયર બ્રિગેડ પાસે આવેલા કોમ્પ્લેક્સમાં સોમવારના રોજ ખાળકુવો સાફ કરવા મજુર ઉતર્યો હતો. જોકે, ગુંગળામણ થતાં મજુરની તબિયત લથડી હતી. આ ઘટનાની ગંભીરતાના પગલે આણંદ પાલિકાએ મહાકાળી સેવ ઉસળના સંચાલક સામે ગુનો નોંધ્યો હતો. આણંદ શહેરમાં આવેલા બળીયાદેવ મંદિર પાસે મહાકાળી સેવ ઉસળના સંચાલકો દ્વારા સોમવાર સાંજના સમયે ખાળકુવામાં કામ અર્થે સફાઇ કામદારને ઉતાર્યો હતો. પરંતુ ગેસ ગળતરના કારણે તે ફસડાયો હતો. બીજી તરફ તેને બચાવવા ઉતરેલા વેપારી સહિત બે વ્યક્તિ પણ ગેસગળતરનો ભોગ બન્યાં હતાં. આ ત્રણેય કમલેશ કાંતિભાઈ પટેલ (ઉ.વ.58), મનુભાઈ કિશનભાઈ (ઉ.વ.54) અને સંજય અરવિંદ સોલંકી (ઉ.વ.30)ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ મામલાને આણંદ પાલિકાએ ગંભીરતાથી લઇ મહાકાળી સેવ ઉસળના સંચાલકને નોટીસ આપી જણાવ્યું હતું કે, સફાઇ કામદારો મારફત ગટરની સફાઇની કામગીરી કરાવવા પર પ્રતિબંધ મુકવા અને સફાઇ કામદારોના અપમૃત્યુ અકસ્માત રોકવા અંગે જરૂરી માર્ગદર્શક અને સુચનાઓ આપવામાં આવી છે. તો તે મુજબ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. કોઇ પણ કર્મચારીને ગટરમાં ઉતારી સફાઇ કરાવવી નહીં. ગટર સફાઇ કરવા માટે સફાઇ કામના સાધનો તથા મશીન દ્વારા જ તેની સફાઇ કરવાની હોય છે. સફાઇ કામદારોના સેફ્ટીના દરેક સાધનો રાખવાના હોય છે. આ બાબતે સરકાર દ્વારા નિયમો-2013 બનાવવામાં આવ્યો છે. આણંદ નગરપાલિકાએ આ બાબતે જાગૃત કરેલા હોવા છતાં આપના દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે, જે યોગ્ય નથી. આથી, ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેલેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એક્ટ તથા તે હેઠળ બનેલા નિયમો-2013 અન્વયે કાર્યવાહી કેમ ન કરવી ? તેનો ખુલાસો આપવો.

Most Popular

To Top