National

અગ્નિપથની હિંસાની આગ 12 રાજ્યોમાં પહોંચી: યુવાનોએ 12 ટ્રેનો સળગાવી, 2નાં મોત, 13 ઘાયલ

બિહાર: અગ્નિપથને લઈને દેશભરમાં ગુસ્સો વધી રહ્યો છે. હિંસાની આગ 12 રાજ્યોમાં પહોંચી ગઈ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન અત્યાર સુધીમાં 2નાં મોત થયાં છે અને 13 ઘાયલ થયા છે. રેલવેએ 164 ટ્રેનો રદ કરવી પડી છે, જ્યારે 238 ટ્રેનો અસરગ્રસ્ત થઈ છે.

લખીસરાયમાં એકનું મોત
બિહારના લખીસરાઈમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. સ્થાનિક મીડિયા અનુસાર, વિક્રમશિલા એક્સપ્રેસમાં આગ લગાવી રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતક ટ્રેનમાં હાજર હતો. તે આગની લપેટમાં આવી જતા તેનું મૃત્યુ થયું.

સિકંદરાબાદમાં પ્રદર્શનમાં એકનું મોત
તેલંગાણામાં હિંસક વિરોધ પ્રદર્શનમાં એકનું મોત થયું છે. પ્રદર્શનકારીઓએ સિકંદરાબાદ રેલવે સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન એકનું મોત થયું હતું.

બિહારમાં હિંસક વિરોધ, યુવાનોએ 6 ટ્રેન સળગાવી
બિહારમાં પટના સહિત 22 જિલ્લામાં હિંસક પ્રદર્શન કરાઈ રહ્યું છે. યુવાનોએ 6 ટ્રેન સળગાવી દીધી હતી. તેમજ ડેપ્યુટી CM- ભાજપ પ્રદેશ અધ્યક્ષના ઘર પર હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ સમસ્તીપુરમાં બે પેસેન્જર ટ્રેન, લખીસરાઈમાં બે, આરા અને સુપૌલમાં એક-એક ટ્રેનને આગ ચાંપી હતી. જ્યારે, બક્સર અને નાલંદા સહિત અનેક જિલ્લાઓમાં રેલવે ટ્રેક પર આગચંપી કરવામાં આવી છે. આગચંપી બાદ આરામાં રસ્તા પર ટ્રાફિકજામ કરવામાં આવ્યો હતો.

બેતિયામાં ભાજપના પ્રદેશ પ્રમુખના ઘર પર હુમલો
બિહારના ઉપમુખ્યમંત્રી રેણુ દેવીના બેતિયામાં આવેલા ઘર પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલના બેતિયામાં આવેલા ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો.

દિલ્હીમાં યુમુના એક્સપ્રેસ વે પર યુવાનોએ બસ સળગાવી
આ યોજનાનો હવે દિલ્હીમાં વિરોધ શરુ થઇ ગયો છે. અગ્નિપથ યોજનાનાં વિરોધમાં પ્રદર્શનકારીઓએ યમુના એક્સપ્રેસ વેને બંને બાજુથી બ્લોક કરી દીધો છે. અનેક યુવાનોએ ગ્રેટર નોઈડાના જેવર ખાતે યમુના એક્સપ્રેસ વેને બંને બાજુથી બ્લોક કરી દીધો હતો. ત્યાં એક બસને આગ ચાંપી દેવામાં આવી છે. અલીગઢથી નોઈડા અને નોઈડાથી અલીગઢ બંને તરફ વાહનો અટવાઈ પડ્યા છે. યમુના એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ પોલીસ પ્રશાસનના લોકો બદમાશોને સમજાવવામાં વ્યસ્ત છે.

દિલ્હીમાં ITO મેટ્રો સ્ટેશનના તમામ દરવાજા બંધ
દિલ્હીમાં બગડતા વાતાવરણને જોતા સાવચેતીના પગલા તરીકે દિલ્હી ગેટ, જામા મસ્જિદ અને ITO મેટ્રો સ્ટેશનના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને આ માહિતી આપી છે. વિદ્યાર્થી-યુવા સંઘર્ષ સમિતિ અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહી છે. વિરોધીઓએ માંગ કરી હતી કે આ યોજના પાછી ખેંચી લેવામાં આવે.

વારાણસીમાં બસ પર પથ્થરમારો, બિહારમાં ટ્રેન સળગાવી
બિહારના લખીસરાય-આરા અને સુપૌલમાં યુવાનોએ ટ્રેન સળગાવી હતી. જ્યારે વારાણસીમાં બસ પર પથ્થરમારો કર્યો હતો. અગાઉ બલિયામાં ટ્રેન સળગાવવામાં આવી હતી. સ્ટેશનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. બક્સરમાં શુક્રવારે યુવકોએ ડુમરાવ રેલવે સ્ટેશન પર હંગામો મચાવ્યો હતો. તેમણે રેલવે ટ્રેક પર ટાયરો સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન યુવાનોએ કહ્યું કે કેન્દ્ર સરકારે આ યોજના પાછી લેવી જોઈએ. બીજી તરફ યુવાનોના વિરોધને જોતા ડુમરાવ સ્ટેશનના આગળના અને છેલ્લા રેલવે સ્ટેશન પર ઘણી ટ્રેનોને રોકી દેવામાં આવી છે.

વારાણસીમાં બસ પર પથ્થરમારો
અગ્નિપથ યોજનાના વિરોધમાં વારાણસીમાં બસ પર પથ્થરમારો થયો હતો. અગાઉ બલિયામાં ટ્રેન સળગાવવામાં આવી હતી. સ્ટેશનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તેલંગાણામાં પણ અગ્નિપથ યોજના સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અહીં વિરોધ કરી રહેલા લોકોએ સિકંદરાબાદ રેલવે સ્ટેશનમાં તોડફોડ કરી છે. અહીં એક ટ્રેનને પણ આગ લગાવવામાં આવી છે. તો ઉત્તરાખંડમાં પણ અગ્નિપથ યોજનાનો વિરોધ ચાલી રહ્યો છે. હલ્દવાનીમાં પ્રદર્શનકારીઓ દ્વારા નેશનલ હાઈવે જામ કરી દેવાયો છે. દેખાવકારોની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

અગ્નિપથ યોજનાને લઈને ભાજપ અને જેડીયુ વચ્ચે ઝપાઝપી
બિહાર સરકારના મુખ્ય ઘટક ભાજપ અને જનતા દળ યુનાઈટેડ સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથ યોજનાને લઈને સામસામે આવી ગયા છે. જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહે કેન્દ્ર સરકાર પાસે અગ્નિપથ યોજનાઓ પર પુનર્વિચાર કરવાની માંગ ઉઠાવી છે. બીજી તરફ, ભાજપના રાજ્યસભા સાંસદ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ નીતિશ કુમાર સરકાર પાસે માંગ કરી છે કે તેઓ બિહાર પોલીસમાં અગ્નિવીરોની ભરતીમાં પ્રાથમિકતા જાહેર કરે.

લખીસરાય રેલવે સ્ટેશન પર વિક્રમશિલા એક્સપ્રેસમાં તોડફોડ
લખીસરાય સ્ટેશન પર પણ યુવાનોએ અગ્નિપથ યોજનાનો વિરોધ કર્યો હતો. યુવકોએ વિક્રમશિલા એક્સપ્રેસને સ્ટેશન પર રોકી હતી. આ પછી તેઓએ ટ્રેનમાં તોડફોડ કરી અને એસી બોગીને આગ ચાંપી દીધી. આ સાથે રેલવે સ્ટેશનમાં તોડફોડ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ યોજના પાછી ખેંચી લેવી જોઈએ.

Most Popular

To Top