ઈન્સ્ટાગ્રામ-ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ થવાનો કર્યો આક્ષેપ
નૉર્વેની પત્રકાર Helle Lyng ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. ભારતના વડાપ્રધાન Narendra Modiની નૉર્વે મુલાકાત દરમિયાન પૂછાયેલા એક સવાલ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ ઊભો થયો હતો અને હવે હેલા લેંગે દાવો કર્યો છે કે તેમના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
હેલા લેંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ તેમને ઈન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય તો તેને જાણ હોવી જોઈએ કે તેમના બંને એકાઉન્ટ હાલ સસ્પેન્ડ છે. તેમણે લખ્યું કે તેઓ વધુમાં વધુ ભારતીય યુઝર્સને જવાબ આપવા ઈચ્છતા હતા, પરંતુ હવે એકાઉન્ટ બંધ થવાને કારણે જવાબ આપવામાં વિલંબ થઈ રહ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં તેમના એકાઉન્ટ્સ ફરી શરૂ થઈ જશે. હેલા લેંગે વધુ એક પોસ્ટમાં લખ્યું કે આખો દિવસ તેઓ ઈન્સ્ટાગ્રામમાં લોગ-ઇન કરવાનો પ્રયાસ કરતી રહી હતી. તેમણે આ સમગ્ર ઘટનાને “પ્રેસ ફ્રીડમ માટે ચૂકવેલી નાની કિંમત” ગણાવી અને કહ્યું કે તેમના જીવનમાં આવો અનુભવ પહેલીવાર થયો છે.
શું હતો આખો વિવાદ?
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે નૉર્વેની રાજધાની ઓસ્લોમાં ભારત અને નૉર્વે વચ્ચે સંયુક્ત પ્રેસ બ્રિફિંગ યોજાઈ હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્યારે વડાપ્રધાન મોદી હોલમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે હેલા લેંગે પાછળથી ઉંચા અવાજે સવાલ કર્યો કે, “તમે દુનિયાની સૌથી સ્વતંત્ર પ્રેસમાંથી સવાલો કેમ નથી લેતા?” આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. જોકે સ્પષ્ટ નથી કે વડાપ્રધાન મોદીએ આ સવાલ સાંભળ્યો હતો કે નહીં, પરંતુ બાદમાં આ મુદ્દો સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો. સંયુક્ત પ્રેસ બ્રિફિંગ દરમિયાન ભારતના માનવાધિકાર અને પ્રેસ ફ્રીડમને લઈને પણ પ્રશ્નો પૂછાયા હતા, જેના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયના અધિકારી Sibi Georgeએ પ્રતિસાદ આપ્યો હતો. પરંતુ જવાબ દરમિયાન હેલા લેંગ વચ્ચે બોલવા લાગી હતી, જેના પર સિબી જ્યોર્જે કહ્યું હતું કે, “તમે સવાલ પૂછો, પરંતુ મને કેવી રીતે જવાબ આપવો તે ન કહો.”
સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ
આ ઘટનાના બાદ ભારતીય સોશિયલ મીડિયા પર હેલા લેંગને લઈને ભારે પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. અનેક યુઝર્સે તેમના જૂના લેખો અને ચીન સંબંધિત અભિપ્રાયોનો ઉલ્લેખ કરીને તેમને “ચાઇનીઝ પ્રોક્સી”, “વિદેશી પ્લાન્ટ” અને “જાસૂસ” જેવા શબ્દોથી ટાર્ગેટ કર્યા હતા. કેટલાક યુઝર્સે આ દલીલ પણ કરી હતી કે તે કોઈ ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ નહોતી, પરંતુ માત્ર સંયુક્ત બ્રિફિંગ હતી. બીજી તરફ કેટલાક લોકોએ હેલા લેંગના સવાલને પત્રકારિતાનો ભાગ ગણાવ્યો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ચર્ચા શરૂ કરી.
“હું કોઈ જાસૂસ નથી”: હેલા લેંગની સ્પષ્ટતા
વિવાદ વધતા હેલા લેંગે સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈ વિદેશી જાસૂસ નથી પરંતુ એક સ્વતંત્ર પત્રકાર છે. તેમણે કહ્યું હતું કે કોઈપણ લોકશાહી દેશમાં વડાપ્રધાનને સવાલ પૂછવો ગુનો ગણાવી શકાય નહીં. તેમણે એ પણ જણાવ્યું કે પ્રેસ ફ્રીડમ અને માનવાધિકાર જેવા મુદ્દાઓ પર સવાલ પૂછવું પત્રકાર તરીકે તેમની ફરજનો ભાગ છે. તેમના આ નિવેદન બાદ ભારત અને વિદેશમાં પ્રેસ ફ્રીડમ, મીડિયા સ્વતંત્રતા અને લોકશાહી મૂલ્યો અંગે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
લોકપ્રિયતામાં થયો જબરદસ્ત વધારો
આ સમગ્ર વિવાદ વચ્ચે હેલા લેંગની સોશિયલ મીડિયા લોકપ્રિયતામાં અચાનક ભારે વધારો જોવા મળ્યો છે. અહેવાલો મુજબ, ‘X’ પ્લેટફોર્મ પર અગાઉ તેમના ફોલોઅર્સની સંખ્યા આશરે 400 જેટલી હતી, જે હવે વધીને 45 હજારથી વધુ થઈ ગઈ છે અને સતત વધી રહી છે. વિવાદ દરમિયાન તેમના ‘X’ એકાઉન્ટને થોડા દિવસ પહેલાં જ બ્લૂ ટિક મળ્યું હોવાની પણ ચર્ચા થઈ હતી. તેના જવાબમાં હેલા લેંગે કહ્યું હતું કે તેમણે માત્ર એક ટાઈપોની ભૂલ સુધારવા માટે પેઇડ વેરિફિકેશન લીધું હતું અને તેઓ સામાન્ય રીતે ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર વધુ સક્રિય રહે છે.