Charchapatra

નિજ ઝલક

આજકાલ ફોટોગ્રાફીમાં સેલ્ફી ખેંચવાનો શોખ જોવાય છે. બે હજાર બેની સાલમાં ઓસ્ટ્રેલિયાના તેથન હોપે પોતે ખેંચેલી પોતાની છબિ માટે સેલ્ફી શબ્દપ્રયોગ કરેલો. હવે લોકો કોઇ પણ સ્થળે અને સમયે તેવી છબિ સામાજિક નેટવર્કીંગનાં માધ્યમો પર મૂકી દેશે. પોતાની અંગત અને વ્યકિતગત ક્ષણોની ઝલક જાહેર કરે છે. જેમાં વિવેકભાન પણ રહેતું નથી, ઘણી વાર જાનના જોખમે સેલ્ફી લે છે. કેટલાક એ રીતે મોતને પણ ભેટે છે. સેલ્ફી શબ્દનો આપણી ભાષામાં જાતઝલક શબ્દપ્રયોગ કરી શકાય. પોતે અન્યોથી કાંઇ વિશેષ છે એવી માનસિકતા પણ તેમાં જાણે અજાણે આવી જાય છે.

જો કે ખરેખરી ભાવના તો અંગત યાદગીરીની હોઇ શકે. જાત ઝલક કહો કે સેલ્ફી કહો, તેનો ગૂઢાર્થ પણ સમજવા જેવો છે, જે આત્મનિરીક્ષણના સંદર્ભમાં છે.પોતે કેવા છે, સમાજ અને વિશ્વમાં પોતાની ઓળખ, માન્યતા કેવી છે તે વિશે નિરાંતે વિચારી લેવું જરૂરી છે. કહો કે પોતાનાં મન અને વ્યકિતત્વ, જાહેર ભૂમિકા, જીવન દરમિયાનની કામગીરી અંગેની સેલ્ફી તો ખરેખર ખેંચાયેલી જ હોય છે, આવશ્યકતા છે પ્રામાણિકપણે, તટસ્થતાથી આત્મનિરીક્ષણ કરવાની. ગાંધી બાપુ આવું આત્મનિરીક્ષણ અને સત્યાનુભૂતિ કરી શકતા હતા અને ભૂલ દેખાતાં ક્ષમાયાચના અને પ્રાયશ્ચિત્ત કરવાનું ચૂકતા નહીં અને તે પછી ભૂલ સુધારી લેતા. આ અર્થમાં સૌથી સાચી અને સૌથી સારી સેલ્ફી લેનાર તો ગાંધી બાપુ જ ગણાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

લિગ્નાઈટના ઉત્પાદન વિશે માહિતી આપો
તંત્રની આડોડાઈને કારણે કોલસાના વપરાશકર્તાઓ અન્ય વસ્તુઓ Boiler’sમાં બળતણ તરીકે વાપરે છે. ખાસ તો લાકડા શા માટે બાળે છે? વન્ય વસ્તુઓનો નાશ થઇ રહ્યો છે! વાતાવરણને નુકસાન થઇ રહ્યું છે! GPCB આંખ આડા કાન કરે છે. સરકારે આ બાબતોમાં ચોક્કસ ધ્યાન રાખવું રહ્યું. સમયાંતરે તપાસ કરવી રહી અને GMDV Ltd.ના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવાનું કે ગુજરાતમાં લિગ્નાઈટનું જે ખાણો આવેલ છે તેનું ઉત્પાદન સમયાંતરે (ભવિષ્ય) કેટલું રહેશે? તેની માહિતી સમાચાર પત્રોમાં આપવી રહી. સાથે ભાવમાં ઘટાડો તરત જ કરવો. ખાણો ઝડપથી શરૂ કરવી.
સુરત     – જવાહર પટેલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

તેલના ભાવ ઘટયા, ફરસાણના ભાવ કયારે ઘટશે
હાલમાં નવી મગફળીની આવક સારી હોવાથી મારકેટ યાર્ડમાં કાચી મગફળીના ભાવ ઘટયા તેની સામે તેલના ભાવ પણ તાબડતોડ ઘટયા. હવે વાત છે મૂળ સુરતીઓની કે તેમની જીવાદોરી સમાન ભુસું-ભજીયા અને ફાફડાના ભાવ કયારે ઘટશે. જો તેલમાં 100 કે 200નો વધારો થાય તો ભુસું-ભજીયા-ફાફડામાં રૂ. 50 તરત જ વધી જાય છે ત્યારે આપણે પૂછીએ કેમ ભાવ વધી ગયા ત્યારે જવાબ મળે છે કે તેલના ભાવ તો જુઓ ડબ્બે રૂા. 200 વધી ગયા. હવે જયારે ડબ્બે રૂા. 200 ઘટી ગયા છે ને હજી નવી આવક આવતાં ભાવ હજુ પણ ઘટશે. તો ફરસાણ એસોસિયેશનના પ્રમુખને વિનંતિ કે સામી દિવાળીએ ફરસાણના ભાવ એવા ઘટાડો કે દરેક સુરતીઓના ઘરમાં પહોંચી દિવાળી ઉત્સવ ઉજવી શકે. સુરત-          મહેશ આઇ. ડોકટર  આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top