Charchapatra

પ્રતિહિંસા વ્યવહારુ માર્ગ નથી

રશિયા યુક્રેન યુદ્ધ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને હવે ઇઝરાઇલ પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા તથા પોતાનો વિસ્તાર અને વર્ચસ્વ વધારવા માટેની આવી લડાઈમાં લાખો નિર્દોષ માણસોનો ભોગ લેવાય છે. માનવતાની હરિયાળી ભૂમિમાં આતતાયી કાંટા ઝાંખરા ઊગે છે. આમ પણ માનવ ઇતિહાસ એ યુદ્ધોનો ઇતિહાસ છે, એમાં અહિંસા બહુ ઓછી જગા રોકે છે. હિંસા સામે પ્રતિહિંસા એ વ્યવહારુ માર્ગ નથી જ. આજે વિનાશક શસ્ત્રોની દોડમાં માણસમાંથી માનવતાનું ઝરણું સુકાઈ ગયું છે ત્યારે આવા સમયે મહાવીર અને ગાંધી ચોક્કસ યાદ આવે.

મહાવીર સ્વામીએ કહ્યું કે, ‘જીતવી જાતને સારી અન્યને જીતવા થકી’. અન્ય પર નહીં પણ પોતાના પર, પોતાની વૃત્તિઓ પર વિજય મેળવવાની વાત છે. ગાંધીજીએ પણ જીવનવ્યવહારમાં અહિંસાને સ્થાન આપીને અનેક લડાઈઓ જીતી બતાવી છે. કોરોનાકાળની ભયાવહ સ્થિતિ જોયા પછી પણ માણસ સુધર્યો નથી એ હકીકત છે. વર્તમાન સમયમાં મહાવીર અને ગાંધીના અહિંસક વિચારોને અપનાવવા સિવાય કોઈ ઉપાય નથી એ સ્પષ્ટ છે. કોઈએ સાચું જ કહ્યું છે કે, માણસો મરે એટલે યુદ્ધ કરુણ છે એવું નથી પણ એ કરુણ એટલા માટે છે કે એમાં માણસ મરે એ બાબતની અરેરાટી જ ખતમ થાય છે.
સુરત     – સુનીલ શાહ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

આવી અંધભક્તિ ક્યાં સુધી?
આપણે ત્યાં અનેક ભગવાનોનાં મંદિરો આવેલાં છે.  સાથે સાથે સંતો મહંતો સ્વામીઓ અને ભગવાનનાં ભકતોનાં પણ મંદિરો બન્યાં છે, ઠીક છે.ધાર્મિક અનુસંધાન માટે બરાબર લેખી શકાય, યાદ રહે, મૂર્તિ પૂજાની સાથે સાથે આપણે સૌ વ્યકિત પૂજામાં પણ ડૂબતા જઈએ છીએ તે વિચારણીય બની રહે છે.  દેશભકતો મહામાનવોનાં પૂતળાં મૂકાતાં હતાં જાહેર સ્થળે તે ઠીક વાત હતી. પરંતુ હવે તો તેમનાં પણ મંદિરો બની રહ્યાં છે. દક્ષિણમાં તો ફિલ્મી કલાકારોનાં પણ અનેક મંદિરો બન્યાં છે. તાજેતરમાં જ વાંચવા મળ્યું કે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સત્યનારાયણ ટેકરી છે ત્યાં એક મંદિર છે તેમાં શ્રી અટલબિહારી વાજપાયજી અને શ્રી વિજયારાજે સિંધયાજીની મૂર્તિઓ છે.

કહે છે વર્તમાનમાં હિન્દી દિવસ પર તેમાં એક વધુ મૂર્તિ મૂકવામાં આવી અને જાણો છો તે કોની છે તે વર્તમાન વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની છે. તેમની મૂક સંમતિ વિના આમ થવું શકય નથી. કહે છે કોઇ સંગઠને આ મંદિર બનાવ્યું છે. કહો આપણે સૌ વ્યક્તિ પૂજામાં પણ કેવા ગરકાવ બન્યા છીએ. રાજકારણીઓ અને ફિલ્મી કલાકારોના પણ અંધભકત થતાં જઈએ છીએ. રાજાશાહીમાં કહે છે ભાટ-ચારણ જાતિઓ રાજાઓનાં ખરાં ખોટા ગુણગાન ગાય ઇનામો મેળવતાં. આપણે સૌ લોકશાહીમાં રહી રાજકારણીઓની રાજાશાહીમાં જીવીએ છીએ આવી અંધ ભક્તિ કયાં સુધી ? આના માટે જવાબદાર તો આપણે સૌ પ્રજાજન જ છીએ ને.
નવસારી           – ગુણવંત જોષી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top