Dakshin Gujarat

વાપી હાઈવે પરથી કારમાં આ વસ્તુની હેરાફેરી કરતાં હતા બે આર્મીમેન, પકડાઈ ગયા

વાપી: (Vapi) વાપી ડુંગરા પોલીસે દારૂના (Alcohol) જથ્થા સાથે મરાઠા બટાલીયન બેલગાંવ હેડકવાટર્સ કર્ણાટકમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા બે આર્મીમેનને (Army Man) ઝડપી પાડયા હતાં. આ દારૂનો જથ્થો તેઓએ દમણની (Daman) અલગ-અલગ વાઈન શોપમાંથી ખરીદી નવસારી આર્મી કેમ્પમાં લઈ જતા હતાં. વાપી ડુંગરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

  • વાપી હાઈવે પરથી કારમાં દારૂની હેરાફેરી કરતાં બે આર્મીમેનની ધરપકડ
  • દમણની વિવિધ વાઈનશોપમાંથી દારૂ ખરીદી નવસારી લઈ જતાં હતાં
  • 76 હજારના દારૂ સહિત 2.86 લાખનો મુદ્દામાલ જપ્ત

વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, પોલીસ ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી સલવાવ ને.હા. નં. 48 પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન માહિતીવાળી કાર નં. જીજે-21 એએ-7221 આવતાં તેને રોકવામાં આવી હતી. કારમાં આર્મી ડ્રેસમાં બે ઈસમો નજરે પડતાં તેઓના નામઠામ અને નોકરી બાબતે પૂછતા (1) હવાલદાર ગણેશ સોમનાથ લાંડગે (ઉં.38) તથા (2) હવાલદાર અર્જુન ભાવસાહેબ સોમવંશી (ઉં.40, બંને રહે. તીઘરા, જી. નવસારી, આર્મી કેમ્પ, મૂળ મહારાષ્ટ્ર) હોવાનું અને તેઓ મરાઠા બટાલીયન બેલગાંવ હેડકવાટર્સમાં હવાલદારની પોસ્ટ પર ફરજ બજાવતાં હોવાનું જણાવ્યું હતું.

પોલીસે વાહનમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે તેઓની પાસે કોઈ પાસ પરમીટ ન હોય પોલીસે બંને આર્મીમેનના હવાલદાર ગણેશ-અર્જુનની અટક કરી હતી. આ દારૂનો જથ્થો તેઓએ દમણની અલગ-અલગ વાઈન શોપમાંથી ખરીદી નવસારી આર્મી કેમ્પમાં લઈ જતા હતાં. દારૂની કિંમત 76,800 આંકી, કાર તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ. 2,86,800/-નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધી વાપી ડુંગરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top