Gujarat

વાહનમાં જો આવી લાઈટ લગાવી હશે તો હવે નહીં ચાલે, RTO કડક કાર્યવાહી કરશે

જો તમારા વાહન (Vehical) પરની સફેદ હેડલાઈટ (White Headlight) તમે વહેલી તકે ન ખસેડી તો RTOની કડક કાર્યવાહી માટે તૈયાર રહેજો. રાજ્યના અનેક શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી વાહનો પર વધારાની મોડીફાઈડ વ્હાઈટ હેડલાઈટ લગાડવાનું ચલણ વધ્યું છે. આ હેડલાઈટને કારણે ઘણીવાર અકસ્માતની શક્યતા રહેલી હોય છે. સામેથી આવતા વાહનચાલકોને હેવી લાઈટને કારણે વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે. તેવામાં આ વ્હાઈટ હેડલાઈટનો ઉપયોગ રોકવા માટે RTO દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.

રાજ્યમાં મોંઘા ફોર વ્હીલર કે બાઈક પર વ્હાઈટ હેડલાઈટનો ઉપયોગ વધી રહ્યો છે. લોકો કંપની દ્વારા આપવામાં આવતી હેડલાઈટ ને બદલાવી વધુ પ્રકાશ ફેંકતી વ્હાઈટ હેડલાઈટ કરાવી રોડ પર બેફામ વાહનો ચલાવતા હોય છે. જેના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે. પ્રતિબંધિત અને હાઈ બીમ લાઈટ સામેથી આવતા વાહનચાલકોની આંખોમાં પડે છે. જેના કારણે અમુક સેકન્ડ સુધી સામેવાળા વાહન ચાલકની આંખો અંજાઈ જાય છે. આ બાબતને ધ્યાનમાં લઈને આરટીઓ હવે આવા વાહનો પર કાર્યવાહી કરી રહ્યું છે. વાહનોમાં કંપની દ્વારા અપાતી લાઈટ સિવાય અન્ય લાઈટ લગાવનાર વાહન ચાલકો સામે વાહન વ્યવહાર વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

વાહન ચાલકો દ્વારા પ્રતિબંધિત વસ્તુઓના ઉપયોગને કારણે થતા અકસ્માતને અટકાવવા માટે વાહન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ કાર્યવાહી વધુ કડક બનશે અને લાઈસન્સ જપ્ત કરવામાં આવશે. આ સિવાય વાહનોમાં લગાવેલી વધારાની ગેરકાયદેસર લાઈટો, હોર્ન, સાઈલેન્સરના અવાજ, બ્લેક ફિલ્મ કાચ સહિતના નિયમોના ભંગ કરતા ચાલકોને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top