National

બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ ધ્વસ્ત, ફોર લેન પુલ બીજી વાર તૂટ્યો

ભાગલપુરઃ (Bhagalpur) બિહારના (Bihar) ભાગલપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે. આ પુલ ગંગા નદી (Ganga River) પર બની રહ્યો હતો. જોકે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. બિહારના ભાગલપુરમાં સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલ ફરી એકવાર જમીનદોસ્ત થઈ ગયો છે. નિર્માણાધીન બ્રિજનું સુપર સ્ટ્રક્ચર નદીમાં પડી ગયું હતું. આ ઘટના બાદ બિહારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં વધુ વિલંબ થશે.

બિહારના ભાગલપુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. ગંગા નદી પર બનેલ પુલ રવિવારે તૂટી પડ્યો હતો. આ પુલ તુટવાની સાથે જ બિહાર સરકાર પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. કારણકે આજે જે પુલ તૂટી પડ્યો છે એક વર્ષ પહેલા તેનો એક સ્લેબ પણ તૂટી ગયો હતો. આ પુલ ખાગરિયાના આગવાની-સુલતાનગંજ વચ્ચે ગંગા નદી પર બનાવવામાં આવી રહ્યો છે પરંતુ પુલનું બાંધકામ ભ્રષ્ટાચારનો શિકાર બન્યું હતું. તેનું પરિણામ એ આવ્યું કે આજે આ પુલ ગંગા નદીમાં પડી ગયો. પુલના ત્રણ પિલર પણ નદીમાં ડૂબી ગયા છે. જો કે સરકાર અને વિભાગ તેની તપાસ કરાવવાની વાત કરી રહ્યા છે.

નિર્માણાધીન પુલ લગભગ 7 વાગે ગંગા નદીમાં પડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ થયો હતો. ત્યાં સુધીમાં કામ બંધ થઈ ગયું હતું. જેના કારણે પુલ પર કોઈ મજૂર નહોતો. પત્તાંના મહેલની જેમ પુલ ગંગામાં પડ્યો હતો. નદીના પાણીના કેટલાક ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જેને જોઈ નદીના કિનારે બેઠેલા લોકો ડરી ગયા હતા.

ખગડિયાના અગવાણીથી સુલતાનગંજ સુધીનો 3 કિલોમીટરથી વધુ લાંબો આ પુલ એસપી સિંગલા કંપની દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. ઉત્તર અને દક્ષિણ બિહારને જોડતા આ પુલના ત્રણ થાંભલા ધરાશાયી થયા છે. એસપી સિંગલા કંપની 1711 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવી રહી છે. અગવાની ઘાટ પુલ એ મુખ્યમંત્રી નીતિશ કુમારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પુલનું માળખું તૂટી પડવાના સમયે ઘણા લોકોના જીવ બાલ બાલ બચ્યા હતા. સ્થાનિક લોકોએ પુલ તૂટી પડવાની ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.

Most Popular

To Top