SURAT

સુરતના મકાન માલિકને તેના જ મકાનમાં જતા અટકાવી યુવાન પોતે જ ભેરવાયો

નવસારી: (Navsari) વિજલપોરમાં યુવાને સુરતના (Surat) મકાન માલિકને (Landlord) તેના જ મકાનમાં જતા અટકાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી (Threat) આપવાનો મામલે સામે આવ્યો છે. યુવાને મકાન માલિક સાથે ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો વિજલપોર પોલીસ મથકે (Police Station) પહોંચ્યો છે.

  • વિજલપોરમાં યુવાને સુરતના મકાન માલિકને તેના જ મકાનમાં જતા અટકાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી
  • મકાન માલિકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ઝઘડો કર્યો હતો

મળતી માહિતી મુજબ, સુરત ગોડાદરા કેનાલ રોડ મણીભદ્ર કેમ્પસની સામે એવન્યુ સોસાયટીમાં ચંદ્રશેખરભાઈ બ્રિજભૂષણ ઠાકુર (ઉ.વ. 56) તેમના પરિવાર સાથે રહે છે. ચંદ્રશેખરભાઈ વિજલપોરમાં ધીરુ દાજીની વાડી ગલી નં. 4 ખાતે સ.નં. 165/01 પ્લોટ નં. 111 વાળી જમીન પર મકાન આવ્યું છે. પરંતુ વિજલપોર ધીરુ દાજીની વાડી ગલી નં. 4 માં રહેતા સૂર્યકાંત નારાયણ સીરસાગરે ચંદ્રશેખરભાઈના મકાન ઉપર કબ્જો જમાવી લીધો હતો. જેથી સૂર્યકાંત તે મકાનમાં મકાન માલિક ચંદ્રશેખરભાઈને પણ જતા અટકાવતા હતા.

ચંદ્રશેખરભાઈ તેમના મકાનમાં જતા ત્યારે સૂર્યકાંત તેમને અપશબ્દો બોલી ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપતા હતા. જેથી ચંદ્રશેખરભાઈએ વિજલપોર પોલીસ મથકે સૂર્યકાંત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 ક,3,4,5(ગ) મુજબનો ગુનો નોંધી આગળની તપાસ ડીવાય એસ.પી. એસ.કે. રાયે હાથ ધરી છે.

વિજલપોરની આધેડ મહિલાએ દવા સમજી ઘઉંમાં નાંખવાનો પાવડર પી જતા મોત
નવસારી : વિજલપોરની આધેડ મહિલાએ દવા સમજી ઘઉંમાં નાંખવાનો પાવડર પી જતા મોત નીપજ્યાનો બનાવ વિજલપોર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, વિજલપોર સરદાર કોલોનીમાં જયાબેન માવજીભાઈ ગોહિલ (ઉ.વ. 56) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 1લીએ જયાબેન બપોરે દવા સમજીને ભૂલમાં ઘઉંમાં નાંખવાનો પાવડર પી ગયા હતા. જેના કારણે જયાબેનની તબિયત લથડતા પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર આશિષભાઈએ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. મહેશચંદ્રએ હાથ ધરી છે.

Most Popular

To Top