Gujarat Election - 2022

મોદીને સપનામાં કોણ દેખાય છે? કોંગ્રેસે જે દાવો કર્યો તે સાંભળી લોકો હસી પડ્યાં

સુરત : ગુજરાત વિધાનસભા ઇલેક્શનને (Gujarat Assembly Election 2022) લઈ સુરતમાં (Surat) ચૂંટણીનો માહોલ જબરદસ્ત ગરમાઇ રહ્યો છે. જેને લઇ તમામ રાજકીય પાર્ટીના દિગજ નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે સુરત આવી રહ્યા છે. ગુરુવારે કોંગ્રેસના (Congress) રાજ્ય સભાના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનીક સુરત આવ્યા હતા. જ્યાં પત્રકાર પરિષદ સંબોધતાં તેમણે ભાજપને (BJP) આડે હાથ લીધો હતો. ભાજપ પર આકરા પ્રહારો કરતા એટલા બધા જોશમાં આવી ગયા હતા કે, મોદીને (Narendra Modi) રાત્રે ઊંઘ પણ આવતી નથી. અને જો આવી જાય તો સપનામાં પણ માત્ર કોંગ્રેસ જ દેખાયા કરે છે. વાસનીકના આ નિવેદનથી હાસ્ય પણ ફેલાયું હતું.

  • મોદીને સપનામાં પણ કોંગ્રેસ દેખાય છે: કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનીકનો અજીબોગરીબ દાવો
  • કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનીક સુરતમાં પ્રચાર કરવા આવ્યા અને વધુ પડતા જોશમાં આવી ગયા હોય તેવું લાગ્યું

કોંગ્રેસના ટોચના નેતા ગણાતા મુકુલ વાસનીક કોંગ્રેસના પ્રચાર પર નજર રાખવા હવે 27 તારીખ સુધી સુરતમાં જ ધામા નાંખશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનીક દ્વારા ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આજે આમ આદમી પરેશાન છે, ના માત્ર આમ આદમી પરંતુ શોષિત તથા વંચિત વર્ગ, દલિત, આદિવાસી, મહિલાઓ વગેરે તમામ ખૂબ જ પરેશાન છે. અને તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ બનતી જઈ રહી છે. દેશ અને ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી. ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના આંકડા ઓછા બતાવીને ભાજપ સુરક્ષિત રાજ્ય હોવાનો દાવો કરે છે પરંતુ તે ખરેખર ખોટું છે. એનસીઆરબીના રિપોર્ટ મુજબ ગુજરાતમાં મહિલા સામે અપરાધના ટ્રાયલ કોર્ટમાં 97 % કરતાં વધારે કેસ જોવા મળી રહ્યા છે, જેમાં સુરતની મહિલાઓ પણ સુરક્ષિત નથી. જે રીતના કેસો સામે આવ્યા છે અને તેનો આંકડો સામે આવ્યો છે તેમાં સૌથી વધુ કેસમાં સુરત શહેર સામેલ છે.

ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. અને કેન્દ્રમાં છેલ્લાં આઠ વર્ષથી ભાજપ સરકાર બની છે. તેમ છતાં હજુ પણ કોંગ્રેસ ઉપર જ દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. દેશના પ્રધાનમંત્રી જાહેર સભાઓમાં હજુ પણ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસના કારણે આપણે ભોગવવાનું આવી રહ્યું છે. જ્યારે ગુજરાતમાં 27 વર્ષનું તમારું શાસન હોય અને કેન્દ્રમાં આઠ વર્ષથી તમારી સરકાર હોય તેમ છતાં જો તમે કાંઈ જ કરી શક્યા ન હોય તો એ ભાજપ માટે ખૂબ જ નિંદનીય ઘટના કહેવાય. જો કોંગ્રેસે જ યોગ્ય કર્યું ના હોય તો તમે 27 વર્ષથી ગુજરાતમાં છો તો શું કર્યું? આ સવાલ આજે જનતા પૂછી રહી છે.

Most Popular

To Top