SURAT

શાકભાજીના ભાવ ઘટ્યા છતાં સુરતીઓ ઊંચી કિંમતે ખરીદવા મજબૂર, કારણ કે…

સુરત: ચાલુ વર્ષે ઉનાળા (Summer) અને ચોમાસાની (Monsoon) સિઝન કરતાં વધુ શાકભાજીની (Vegetables) સુરત એપીએમસીમાં (Surat APMC) આવક થતાં જથ્થાબંધ ભાવો તૂટ્યા છે. પણ શહેરની શાકભાજી માર્કેટ્સમાં ભાવો જોઈએ એવા ઓછા થયા નથી. ખેડૂતો (Farmers) અને એપીએમસી માર્કેટ સુરતમાં સસ્તી શાકભાજી ખરીદી રિટેલર ધૂમ નફાખોરી કરી રહ્યા હોવાથી સામાન્ય સુરતી હજી મોંઘી શાકભાજી ખરીદવા મજબૂર બન્યા છે.

  • શિયાળામાં ઉત્પાદન અને માલની આવક વધતાં શાકભાજીના ભાવો ઘટ્યા
  • બટાકા, ડુંગળી, કોબી, ફ્લાવર, ટામેટાં, મરચાં, આદુ, તુવેરના હોલસેલમાં ભાવ ઘટવા છતાં રિટેલમાં ધૂમ નફાખોરી

સુરત એપીએમસીના ડિરેક્ટર ફકરુદ્દીન ઉર્ફે બાબુભાઇ શેખ કહે છે કે, શિયાળાની ઠંડીની સિઝનમાં ગુરુવારે બટાકાની સર્વાધિક 500-600 ટન આવક રહી હોવાથી 20 કિલો (મણ)ના સોદા 140 થઈ 320 રૂપિયાના ક્વોલિટી વાઇઝ રહ્યા હતા. ડુંગળીની આવક 220થી 240 ટન રહેતાં મણના સોદા 160થી 320 રહ્યા હતા. ટામેટાંની આવક 200થી 250 ટન સાથે હોલસેલમાં 20 કિલોએ 160થી 220નો ભાવ પડ્યો હતો. 90થી 120 ટનની ફ્લેવરની આવક સાથે 20 કિલોનો ભાવ 200થી 240 રહ્યો હતો. મરચાંની આવક 50થી 70 ટન સામે 20 કિલોનો ભાવ 400થી 460 રહ્યો છે.

કોબીની 100થી 135 ટન આવક સાથે 20 કિલોનો ભાવ 100થી 140 રૂપિયા ભાવ ગગડી ગયો છે. તેમ છતાં ડુંગળી રિટેલમાં 30થી 40 રૂપિયે કિલો મળી રહી છે. મરચાં 60થી 80 રૂપિયે કિલો છૂટકમાં વેચાઈ રહ્યાં છે. ટામેટાં 40થી 50 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે. છૂટક વેપારીઓની નફાખોરીને ડામવા કોઈ મેકેનિઝમ નથી. જેના લીધે લોકોને મોંઘું ખરીદવું પડે છે. જો કે, હજી સિંગતેલ, કપાસિયા તેલ, મકાઈ તેલના ભાવ ઘટ્યા નથી. ઘી, ખાંડ, ચોખા, લોટ, ઘઉં, મરી-મસાલા અને તેજાનાના ભાવ વધ્યા પછી ઘટ્યા નથી. જેના લીધે રસોઈ મોંઘી થઈ છે.

શાકભાજી-24 ઓક્ટોબરનો ભાવ (20કિ.ગ્રા.)
કોબી 440-500, ચોળી 800 -1000, ટામેટાં 800 -900, ફલાવર 700 – 800, ડુંગળી 300-360, મરચાં 560 – 600, આદુ 800 -1000, પાપડી 1200 -1500, તુવેર 1200 -1300, બટાકા 260-440, સરગવાની સિંગ 1000 – 1500, દૂધી 160 – 200, રીંગણ 300-400,

24 નવેમ્બરનો ભાવ (20kg)
કોબી 100-140, ચોળી 600 – 650, ટામેટાં 160-220, ફ્લાવર 200 – 240, ડુંગળી 160 – 320, મરચાં 400-460, આદુ 800 -1000, પાપડી 800 -1000, તુવેર 400 -800, બટાકા 140 -320, સરગવાની સિંગ 1600-1900, દૂધી 100 -200, રીંગણ 160 -200,

Most Popular

To Top