Gujarat Election - 2022

ટીવી ડિબેટમાં ઔવેસીને જડબાતોડ જવાબ આપનાર સુધાંશુ ત્રિવેદીને ઓળખો છો?

એક વખત નેશનલ ચેનલ ઉપર લાઇવ ડિબેટ ચાલી રહી હતી. એક તરફ ઔવેશી હતા અને બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી હતાં. જુદા જુદા શહેરોના નામ બદલવા અંગેના વિષય ઉપર આ ડિબેટ ચાલી રહી હતી. તે સમયે ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવામાં આવ્યું હતું અને અલ્હાબાદનું નામ પ્રયાગ રાજ કરવામાં આવ્યું હતું. ત્યારે ઔવેશીએ પ્રશ્ન ઉઠાવ્યો કે, જો તમને ફારસી શબ્દ આટલા જ પસંદ નથી તો માત્ર શહેરના જ શા માટે? તમારા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની પણ અટક બદલી નાંખો. તેમની અટક શાહ પણ ફારસી જ શબ્દ છે.

હવે આવા પ્રશ્નો પણ ડિબેટમાં આવતા હોય છે. ત્યારે વિવેવબુદ્ધી વાપરવી પડે છે. તેમણે જવાબ આપ્યો કે, શાહ શબ્દ તો શાહી ઉપરથી આવ્યો છે અને શાહી શબ્દ શાહી સ્નાન ઉપરથી આવ્યો છે. હિન્દુઓમાં શાહી સ્નાન એટલે કે પહેલું પવિત્ર સ્નાન માનવામાં આવે છે. હવે હિન્દુઓના પહેલું સ્નાન શાહી સ્નાનને ગણવામાં આવે છે તે મુદ્દો તો કોઇ ટાળી શકે તેમ હતું જ નહીં. ડિબેટમાં અચાનક આવી પડતા પ્રશ્નોનો આવો ત્વરીત જવાબ આપવો પડે છે. આ શબ્દ હતાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીના…

સુંધાશુ ત્રિવેદી ઉત્તર પ્રદેશમાંથી ઉભરેલું નામ છે અને હાલમાં તે રાજકારણના રાષ્ટ્રીય ફલક ઉપર પણ છે. તેઓ માત્ર ભાજપના પ્રવક્તા નથી પરંતુ સાથે સાથે રાજ્ય સભાના સાંસદ છે. અરૂણ જેટલીના નિધનના કારણે તેમની જગ્યા ખાલી પડી હતી અને ત્યારે તેમના સ્થાને રાજ્ય સભાનું સ્થાન લેવા માટે ભાજપમાં અનેક મોટા ગજાના નેતા મેદાનમાં હતા તેમના જ નામ ચર્ચામાં હતાં પરંતુ ફાયનલ નામ સુધાંશુ ત્રિવેદીનું થયું હતું અને તે સમયે જ સૌ કોઇ ચોંકી ગયા હતાં. જો કે, તેમાં ચોંકવા જેવું કંઇ ન હતું કારણ કે જે રીતે શિવાજી પાર્ક ઉપર સચિન તેંડુલકર ક્રિકેટ જગતમાં તેની ઓળખ ઊભી કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો.

તેવી જ રીતે રાજકીય ક્ષેત્રે કારકિર્દીમાં ઓળખ ઊભી કરવા માટે સુધાંશુજી પણ મહેનત કરી રહ્યાં હતાં. જેવી રીતે નાની ઉંમરમાં સેન્ચુરી મારીને તેંડુલકરે ક્રિકેટ જગતમાં ઓળખ ઊભી કરી તેવી જ રીતે સુધાંશુજીએ ખૂબ જ નાની ઉંમરમાં મોટા ગજાના રાજકીય નેતાના રાજકીય સલાહકાર બનીને તેમની ઓળખ ઊભી કરી દીધી હતી. જે સમયે તેમની ઉંમર માત્ર 35 વર્ષની હતી ત્યારે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રાજનાથસિંહના રાજકીય સલાહકાર બની ગયા હતા અને આ પદ મેળવવું કોઇ નાની સૂની વાત ન હતી. સુંધાશુ ત્રિવેદી એવું વ્યક્તિત્વ છે કે, આજે તેઓ નેશનલ ચેનલના નામથી ઘરે ઘરે પહોંચી ગયા છે. જો પ્રાઇમ ટાઇમમાં મોટે ભાગની નેશનલ ચેનલ ઉપર ડિબેટ ચાલતી હોય છે તેમાંથી કોઇ એકમાં તો તેઓ અવશ્ય જોવા મળે જ છે એટલે તેમને દેશનો દરેક નાગરિક ઓળખે તે કહેવું વધારે પડતું નથી.

જ સુધાંશુ ત્રિવેદી લખનૌની જ શાળામાં ભણીને મોટા થયા છે અને તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કર્યું છે. એટલે જ તેઓ ડો.સુંધાશુ ત્રિવેદી તરીકે ઓળખાઇ છે. તેમના પત્ની શાલિની પણ આઇઆઇટી ખડકપુરમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. તેમના પિતા ડિગ્રી કોલેજમાં આચાર્ય હતા અને તેઓ હિન્દી ભણાવતા હતા જ્યારે માતા પણ શિક્ષિકા હતા અને તેઓ હિસ્ટ્રી ભણાવતા હતાં. જેના કારણે જ તેઓ હિન્દી અને ઇતિહાસ બંને વિષયમાં ખૂબ જ સારૂ પ્રભુત્વ ધરાવે છે.

તેમના ભાઇ- બહેને પણ પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે પરંતુ તેમાંથી કોઇને રાજકારણમાં રસ નથી. તેઓ તેમજ તેમનો પરિવાર આરએસએસની વિચારધારામાં માનતા હતાં તેથી તેઓ પણ વિદ્યાર્થીકાળમાં છાત્ર સંઘમાં જોડાયા હતાં. ત્યાર બાદ 1991-92માં દિલ્હી અને ઉત્તર પ્રદેશ આર.એસ.એસનું વિશ્વ સંવાદ કેન્દ્ર શરૂ થયું અને તેઓ તેની સાથે જોડાયા એટલું જ નહીં તેની એક પત્રિકા પણ પ્રગટ થતી હતી તેમાં તેઓ તેમના વિચાર પણ રજૂ કરતાં હતા અને જેના કારણે તેઓ રાજનાથ સિંહ સહિત અનેક રાજકીય નેતાઓના સંપર્કમાં આવ્યા હતાં અને તેમની શાલિનતા, તેમના વિચાર અને ભાષા ઉપર પ્રભુત્વ જોઇને રાજનાથસિંહે તેમને તેમના અંગત સલાહકાર બનાવ્યા ત્યારે તેમની ઉંમર માત્ર 35 વર્ષની હતી.

તેઓ કહે છે કે, તેમની ઇચ્છા તો સિવિલ સર્વિસમાં જવાની હતી પરંતુ સમય અને સંજોગ તેમને રાજકારણમાં ખેંચી લાવ્યા. રાષ્ટ્રીય પ્રવક્તાઓની જવાબદારી અંગે તેઓ કહે છે કે, કયા પ્રવક્તાએ કઇ ચેનલમાં જવું તે કાર્યક્રમ પાર્ટીએ પહેલાથી જ નક્કી કર્યો હોય છે. એટલે તેમને પાર્ટી તરફથી જે આદેશ આપવામાં આવે તેનો તેમણે માત્ર અમલ જ કરવાનો હોય છે. દરેક ડિબેટ લાઇવ હોય છે અને તેને લાખો લોકો જોતા હોય છે અને જે ડિબેટ જોતા હોય તે લોકો ક્રિમિલેયરના હોય છે એટલે પ્રવક્તાની જવાબદારી વધી જાય છે. તેઓ કહે છે કે, રાષ્ટ્રીય પ્રવક્તાએ ક્રોધ પર ખૂબ જ કાબૂ રાખવો પડે છે પરંતુ કેટલીક વખત ગુસ્સે થઇ જવાતું હોય છે. તેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે એક વખત સંદીપ દિક્ષિતે સડક છાપ નિવેદન આપ્યું હતું હવે આવા વિષય ઉપર જ્યારે ડિબેટ કરવાની હોય તો કોઇક વખત ગુસ્સે થવું પડે છે કારણ કે, સામે જે ડિબેટ કરતાં હોય તેઓ કોઇ પણ જાતના તર્ક વગર દલીલ કરતાં હોય છે. આ ડિબેટમાં તેઓ નાછૂટકે ગુસ્સે થયાં હતાં.

Most Popular

To Top