Gujarat

સુરેન્દ્રનગરના ‘અકસ્માત મોત’ કેસમાં હત્યાનો ખુલાસો: પત્ની અને પ્રેમીની ધરપકડ

નહેરમાંથી મળેલી લાશ પાછળ પૂર્વઆયોજિત કાવતરું; અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ભેદ ઉકેલ્યો

અમદાવાદ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના તપાસનીશ અદિકારીઓની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ અકસ્માત મોત તરીકે નોંધાયેલા એક રહસ્યમય કેસનો ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની હ્યુમન ઇન્ટેલિજન્સ અને ગુપ્ત તપાસના આધારે સામે આવ્યું છે કે આ ઘટના અકસ્માત નહીં પરંતુ પૂર્વઆયોજિત હત્યા હતી. આ મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે.

માહિતી મુજબ, ધ્રાગધ્રા તાલુકાના સોલડી ગામના રહેવાસી શાંતિગિરી વિષ્ણુગિરી ગોસ્વામી રહસ્યમય રીતે ગુમ થયા હતા. બાદમાં સુરેન્દ્રનગરની નર્મદા નહેરમાંથી એક અજાણ્યો મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસે શરૂઆતમાં તેને અકસ્માતે મોત માની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સમગ્ર ઘટનામાં શંકાસ્પદ પરિસ્થિતિ જણાતાં ગુપ્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે મૃતકની પત્ની જાગૃતિબેનના કાંતિલાલ ઉર્ફે ભરતભાઈ લાલજીભાઈ સબારીયા સાથે લાંબા સમયથી પ્રેમસંબંધ હતા. ઘરેલુ ઝઘડા અને આડા સંબંધોના કારણે બંનેએ મળીને શાંતિગિરીને રસ્તામાંથી દૂર કરવાની યોજના ઘડી હતી.

ક્રાઈમ બ્રાંચની તપાસમાં વધુમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આશરે દોઢ વર્ષ પહેલાં જાગૃતિબેને પોતાના પતિની હત્યા કરવા માટે ડીસાના યુનુસ મેમણનો સંપર્ક કર્યો હતો અને તેને સોપારી આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુનુસ મૃતકનો મિત્ર હોવાથી તેણે શાંતિગિરીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અનુસાર, યુનુસે જાગૃતિબેન પાસેથી રૂપિયા પડાવવા માટે શાંતિગિરી સૂતો હોય તેવો વોટસએપ ફોટો મોકલી “કામ થઈ ગયું” હોવાનું ખોટું કહી રૂ. 25 હજાર પડાવી લીધા હતા. પરંતુ બાદમાં જાગૃતિબેનને પતિ જીવતો હોવાનું જાણવા મળતાં પ્રથમ કાવતરું નિષ્ફળ ગયું હતું.ત્યારબાદ પ્રેમી કાંતિલાલ ઉર્ફે ભરતભાઈ સબારીયાએ શાંતિગિરીની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, જાગૃતિબેને સમગ્ર ઘટનાને છુપાવવા માટે પતિ ગુમ થયાની ફરિયાદ પણ પોલીસ મથકે નોંધાવી નહોતી અને સમાજમાં એવી વાત ફેલાવી હતી કે શાંતિગિરી પોતાની મરજીથી ઘર છોડીને ચાલ્યા ગયા છે.

ઘણા મહિનાઓ સુધી દબાયેલા રહેલા આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કડીઓ જોડીને આખરે મૃતકની ઓળખ કરી અને સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી કાંતિલાલ ઉર્ફે ભરતભાઈ લાલજીભાઈ સબારીયા (પ્રેમી) તથા મૃતકની પત્ની જાગૃતિબેનની ધરપકડ કરી છે. પોલીસે બંને સામે હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતના ગુનાઓ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top