Vadodara

આડેધડ લગાવાયેલા હોર્ડિંગ્સને કારણે વાહનચાલકોને હાલાકી

વડોદરા : સ્માર્ટ સીટી વડોદરા શહેરમાં ફરી એકવાર આડેધડ હોર્ડિંગ્સના જંગલો ઉભા થઇ રહ્યાં છે. શહેરમાં વાર તહેવારોએ ધાર્મિક, રાજકીય અને સામાજિક કાર્યક્રમો માટે હોર્ડિંગ્સ લગાડી પ્રચાર પ્રસાર કરવામાં આવે છે પરંતુ આ હોર્ડિંગ્સ લગાડવા માટે પણ કેટલાક ધારાધોરણો, નિયમોનું પાલન કરવાનું હોય છે તો સામે પાલિકા તંત્ર દ્વારા પણ યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે હોર્ડિંગ્સ લાગ્યા છે કે કેમ, નિયમોનું પાલન થયું છે કે કેમ તે જોવાનું પણ પાલિકા તંત્રનું કામ છે.પરંતુ કોઇપણ પ્રકારના નિયમોનું બંન્ને તરફે ધ્યાન આપવામાં આવતું ન હોય તેવું જણાય છે.

જેના કારણે નિર્દોષ નાગરિકોને દંડ ભરવાનો અને અકસ્માતનો ભોગ બનવાનો વારો આવ્યો છે.શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ થી આગળની દિવાળીપુરા રોડ તરફ જતાં ગાય સર્કલ ચારરસ્તા નજીક ટ્રાફિક સિગ્નલ પર જ ટ્રાફિક સિગ્નલ લાઇટ ઢંકાઈ જાય તે રીતે મોટું હોર્ડિંગ્સ લગાવી દેતાં દિવાળીપુરા રોડથી અકોટા દાંડિયાબજાર તથા ડાબી બાજુ પ્રોડક્ટિવીટી રોડ બાજુ જતું ટ્રાફિક સિગ્નલ કે તેની લાઇટ હોર્ડિંગ્સ અને ઝાડના પાંદડાઓથી ઢંકાઈ જતાં દેખાતી નથી.જેના કારણે વાહનચાલકોને વરસાદમાં, રાત્રે કે પછી દિવસે ટ્રાફિક સિગ્નલ થયું છે કે કેમ તે ખબર પડતી નથી.જેના કારણે ઘણીવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થઇ જાય છે. ઘણીવાર અકસ્માત પણ થાય છે અને વાહનચાલકો ને તંત્રના પાપે ટ્રાફિક મેમોનો દંડ ભરવાનો વારો આવ્યો છે.ત્યારે આ સમગ્ર મામલે જાગૃત નાગરિક દ્વારા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

Most Popular

To Top