Dakshin Gujarat

ચલથાણ નહેરમાં બાઇક સાથે પડેલા યુવાનનું કંકાલ 17 દિવસ પછી બોળદથી મળી આવ્યું

પલસાણા: અઠવાડિયા અગાઉ સુરતના બે યુવાન મોટરસાઇકલ (Motorcycle) લઇ ચલથાણ ખાતે સંબંધીને મૂકવા આવ્યા હતા. પરત ફરતી વખતે બંને યુવાન નહેરમાં ખાબક્યા હતા. જેમાં અન્ય એક યુવાન રહસ્યયમ રીતે ગુમ થયા બાદ 17 દિવસ બાદ યુવાનનું કંકાલ (Skeleton) બોળદ ગામની હદમાં નહેરના (Canal) કાદવમાંથી મળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના જલગાંવ અને હાલ સુરતના ઉધનાના ભીમનગરમાં રહેતા દીપક રવીન્દ્ર પારધે (ઉં.વ.25) ગત 6 ફેબ્રુઆરીએ તેના બનેવી રમેશ સોનવણેની મોપેડ નં.(GJ 05 SR 5460) લઈ તેના મિત્ર અભિજીત ઉર્ફે અન્ના સાથે અભિજીતના સંબંધીને ચલથાણ ખાતે મૂકવા ટ્રિપલ સીટ ગયો હતો. અભિજીતના સંબંધીને ચલથાણ ખાતે મૂકી બંને ઘરે પરત ન ફરતાં પરિવારે શોધખોળ કરી હતી. જે બાદ અભિજીતનો સંપર્ક થતાં તે બોમ્બે પોતાના સંબંધીને ત્યાં હોવાનું જણાવ્યું હતું.

નહેરના રસ્તે આવતા બાઇક નહેરમાં ખાબકી હતી
પ્રાપ્ત માહિતી મુજબ અભિજીતને સુરત ખાતે બોલાવી અભિજીતને દીપકના પરિવારજનોએ કડકાઈપૂર્વક પૂછતાં અભિજીતે જણાવ્યું હતું કે, ગત 6 ફેબ્રુઆરીએ પરત ફરતી વેળા શક્તિ પેટ્રોલ પંપ પર ગાડીમાં પેટ્રોલ પુરાવી રોગ સાઈડ પર નહેરના રસ્તે આવતા બાઇક નહેરમાં ખાબકી હતી. બાદ બંને પાણીમાં તણાઈ જતાં અભિજીત 200 મીટર દૂર નહેરમાં લોખંડની જાળી પકડી બહાર આવી ગયો હતો. બાદ દીપક પાણીમાંથી બહાર નહીં નીકળી શકતાં તે પાણીમાં તણાઈ ગયાની શક્યતા હોવાથી અભિજીત ગભરાઈને ઘટનાના દિવસે જ મુંબઈ પોતાના સંબંધીને ત્યાં ચાલ્યો ગયો હતો.

કડા તેમજ કપડાંના આધારે મળી આવેલું કંકાલની ઓળખ કરાઈ
આ બનાવમાં કડોદરા પોલીસે દીપક ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગત ગુરુવારે સિંચાઈ વિભાગના અધિકારીને સચિન માઇનોર કેનાલમાં કાદવમાં એક નરકંકાલ હોવાની જાણ થતાં તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જે બાદ કડોદરા પોલીસને જાણ કરાતાં કડોદરા પોલીસ તેમજ દીપકનો પરિવાર સ્થળ પર જઈ તપાસ કરતાં હાથમાં પહેરેલા કડા તેમજ કપડાંના આધારે મળી આવેલું કંકાલ દીપકનું હોવાનું પરિવારે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. આ ઘટના અંગે સચિન પોલીસે ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top