Editorial

ભારે ચિંતાજનક: ધીમું ઝેર મનાતા ડાયાબિટીસના ભારતમાં 10 કરોડથી વધુ દર્દી

ભૂતકાળમાં જે રોગ મોટાભાગે રાજાઓને જ થતો હતો અને આ કારણે જેને રાજરોગ કહેવામાં આવતો હતો તેવો ડાયાબિટીસ હવે ધીરેધીરે આખા દેશમાં પ્રસરી રહ્યો છે. તેમાં પણ કોરોના બાદ ડાયાબિટીસનો રોગ એ હદે વધી ગયો છે કે તાજેતરમાં જ્યારે આઈસીએમઆર દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે દેશમાં ડાયાબિટીસના જ 10 કરોડ કરતાં પણ વધારે દર્દીઓ મળી આવ્યા. આ તો ડાયાબિટીસ જેને થઈ ગયો છે તેના આંકડા છે. પણ સરવે પ્રમાણે દેશની કુલ વસ્તીના ઓછામાં ઓછા 15.3 ટકા એટલે કે 13.6 કરોડ લોકો પ્રી-ડાયાબિટીક છે. એટલે કે એમને ગમે ત્યારે ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું છે. ધીમું ઝેર સમાન ગણાતો ડાયાબિટીસના કેસમાં થઈ રહેલો વધારો ભારે ચિંતાજનક છે.

આઈસીએમઆર દ્વારા કરવામાં દેશના 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 1.13 લાખ જેટલા 20 વર્ષથી શરૂ કરીને તેનાથી વધારે ઉંમરની વ્યક્તિઓ પર કરવામાં આવેલો આ સરવે યુકેની મેડિકલ જર્નલ ‘લેસેન્સ’માં પ્રકાશિત થયો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં જે વિકસિત રાજ્યો છે તેમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સ્થિર છે પરંતુ અન્ય રાજ્યોમાં આ આંકડો ભયજનક રીતે વધી રહ્યો છે. દરેક રાજ્ય સરકારોએ આ માટે તાત્કાલિક પગલાઓ લેવા પડે તેમ છે. અભ્યાસ પ્રમાણે ગોવામાં ડાયાબિટીસના સૌથી વધે કેસ જોવા મળ્યા છે. તેમાં ડાયાબિટીસ 26.4 ટકાના દરે વધી રહ્યો છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ તેમજ બિહાર જેવા રાજ્યોમાં હાલમાં ડાયાબિટીસનો પ્રસાર ઓછો છે. ઉત્તરપ્રદેશમાં ડાયાબિટીસનો પ્રસાર માત્ર 4.8 ટકા જ છે.જે દેશમાં સૌથી ઓછો છે પરંતુ પ્રી-ડાયાબિટીસનો વ્યાપ 18 ટકા છે. જે રાષ્ટ્રીય સરેરાશ 15.3 ટકા કરતાં પણ વધારે છે. આજ રીતે મધ્યપ્રદેશમાં પણ ડાયાબિટીસના દર્દીઓ કરતાં ત્રણ ગણાં પ્રી-ડાયાબિટીક દર્દીઓ છે. 

આગામી વર્ષોમાં આ રાજ્યોમાં ડાયાબિટીસના કેસનો વિસ્ફોટ જોવા મળી શકે તેમ છે. પોંડિચેરી અને દિલ્હીમાં ડાયાબિટીસના કેસ છેલ્લા કેટલાક સમયથી સ્થિર છે પરંતુ તેમાં વધે તેવી શક્યતા છે. જે રાજ્યોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઓછી છે તે રાજ્યોમાં પ્રી-ડાયાબિટીસના દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે. બીજી તરફ ગોવા, કેરળ, તમિલનાડુ અને ચંદીગઢ એવા રાજ્યો છે કે જેમાં પ્રી-ડાયાબિટીસના કેસ ઓછા છે. જે રાજ્યોમાં ડાયાબિટીસના કેસ કરતાં પ્રી-ડાયાબિટીસના કેસ ઓછા છે તે રાજ્યોનો અભ્યાસ કરવો જરૂરી છે. કે એવા કયા કારણો છે કે જેને કારણે આ રાજ્યોમાં અન્ય રાજ્યો કરતાં ઉલ્ટી સ્થિતિ છે. ડાયાબિટીસના રોગમાં તાત્કાલિક કોઈ મોટી અસર દેખાતી નથી પરંતુ ડાયાબિટીસને કારણે અંદરથી શરીરના અંગો બગડવાના શરૂ થાય છે. જે લોકો પ્રી-ડાયાબિટીક છે તેમાંના આશરે એક તૃતીયાંશ લોકોને ડાયાબિટીસ થવાની સંભાવના રહેલી છે.

જ્યારે અન્ય એક તૃતીયાંશ લોકો એવા છે કે જેઓ પ્રી-ડાયાબિટીસની સ્થિતિમાંથી બહાર આવી જાય છે. જ્યારે અન્ય એક તૃતીયાંશ લોકો એવા છે કે જો તેઓ આહાર અને દિનચર્યામાં બદલાવ લાવવાની સાથે કસરત કરે તો તેઓ ડાયાબિટીસના દર્દી બનવામાંથી બચી શકે છે. ડાયાબિટીસ માટે અનેક દવાઓ છે અને તબીબો પણ છે પરંતુ દર્દીએ એવા તબીબની પસંદગી કરવી જોઈએ કે ડાયાબિટીસના રોગને સારી રીતે સમજી શકે છે.

હાલમાં ડાયાબિટીસના રોગને રિવર્સ પણ કરી શકાય છે. આમ તો એવું મનાય છે કે ડાયાબિટીસ એક વખત થયા બાદ તે ક્યારેય મટતો નથી પરંતુ જો ધ્યાન રાખવામાં આવે અને સાથે સાથે શરીરની કસરત ચાલુ રાખવામાં આવે તો ડાયાબિટીસમાંથી મુક્તિ મેળવી શકાય છે. ડાયાબિટીસને નાથવા માટે જે તે વ્યક્તિએ જ મહેનત કરવી પડે તેમ છે પરંતુ સરકારે પણ આ મુદ્દે જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂરીયાત છે. સાથે સાથે ડાયાબિટીસને કેવી રીતે નિર્મૂળ કરી શકાય તે માટેની દવાઓ માટે પણ સરકાર દ્વારા રિસર્ચ કરવામાં આવે તે જરૂરી છે. અન્યથા એક સમય એવો આવશે કે દેશની તમામ પ્રજા ડાયાબિટીસથી પિડાતી હશે તે નક્કી છે.

Most Popular

To Top