ચોમાસુ દક્ષિણ કોંકણ ક્ષેત્રમાં પહોંચી ગયું છે. પરિણામે સિંધુદુર્ગ અને રત્નાગિરીના કેટલાક ભાગોમાં 9 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે. જોકે આગામી અઠવાડિયા સુધી રાજ્યમાં વરસાદની પેટર્ન ઓછી રહેવાની ધારણા છે. IMD અનુસાર ચોમાસુ ઉત્તરપૂર્વીય રાજ્યો મિઝોરમ અને મણિપુરમાં પણ પહોંચી ગયું છે. આગામી બે દિવસમાં તે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના બાકીના ભાગો તેમજ ઉત્તરપૂર્વીય રાજ્યોના બાકીના ભાગોમાં પહોંચવાની સંભાવના છે.
ચોમાસાને કારણે કેરળ, કર્ણાટક, ગોવા અને તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સતત પાંચમા દિવસે તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું. તીવ્ર ગરમીની સ્થિતિ ઉત્તર ભારતમાં પણ પાછી ફરી છે જે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, યુપી અને પૂર્વી રાજસ્થાનને અસર કરે છે. આ પ્રદેશોના ઘણા વિસ્તારોમાં હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યા છે.
ગુજરાત સિવાય દેશભરમાં ચોમાસા પહેલાનો વરસાદ પડી રહ્યો છે. શનિવારે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ નોંધાયો હતો. મધ્યપ્રદેશમાં ભોપાલ સહિત ચાર જિલ્લાઓમાં ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા પડ્યા હતા. રાજસ્થાનના બિકાનેરમાં વરસાદ સાથે કરા પડ્યા હતા. શનિવારે યુપીના માઉ અને ગાઝીપુર જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો.
ત્રણ દિવસના વિલંબ પછી ચોમાસાએ વેગ પકડ્યો છે. જે માત્ર ચાર દિવસમાં સાત રાજ્યોને આવરી લે છે. શનિવારે તે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ અને મણિપુરમાં પ્રવેશ્યો હતો જે અગાઉ શુક્રવારે કર્ણાટક, તમિલનાડુ અને ગોવા પહોંચ્યો હતો. તે ૪ જૂને કેરળ પહોંચ્યો હતો.
આઈએમડી અનુસાર આગામી ત્રણ દિવસમાં ચોમાસું બધા ઉત્તરપૂર્વીય રાજ્યો અને પશ્ચિમ બંગાળના ભાગોમાં પહોંચવાની સંભાવના છે. આગામી ૧૦ દિવસમાં તે બિહાર, ઝારખંડ અને ઓડિશા પહોંચવાની ધારણા છે. સ્કાયમેટ વેધરના નિષ્ણાત જી.પી. શર્માએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને બંગાળમાં ચોમાસાની પ્રગતિ ધીમી રહી શકે છે, કારણ કે હાલમાં બંગાળની ખાડીમાં તેની પ્રગતિને આગળ વધારવા માટે કોઈ મજબૂત હવામાન પ્રણાલી સક્રિય નથી.