Dakshin Gujarat

ઘરમાંથી મોબાઇલ, સુકવેલા કપડા ઉપાડી જતા તોફાની કપિરાજ પાંજરે પૂરાયા

ઘેજ : ચીખલી તાલુકાના ઘેજમાં તોફાની કપિરાજ (Monkey) પાંજરે પૂરાતા સ્થાનિકોને મોટી રાહત થવા પામી હતી. છેલ્લા દોઢેક માસથી ઘેજના ભરડા ફળિયામાં કપિરાજે તોફાન મચાવતા સ્થનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ ઘેજ ગામના ભરડા-નિશાળ ફળિયા વિસ્તારમાં છેલ્લા દોઢેક માસ પૂર્વે એક કપિરાજ આવી પહોંચ્યો હતો. શરૂઆતમાં ઝાડ (Tress) પર અને ઘરના છત પર આંટાફેરા કર્યા બાદ કપિરાજની મસ્તી વધતા તે લોકોના ઘરમાં પણ આવી જઇ મોબાઇલ ફોન (Mobile), સુકવવા નાંખેલા કપડા વિગેરે પણ ઉપાડી વેર વિખેર કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ ઉપરાંત છત ઉપર કૂદકા મારતા છતના નળિયા, સિમેન્ટના પતરા વિગેરેને પણ નુકશાન થતા તેની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતા ભરડા નિશાળ ફળિયામાં નિવૃત્ત શિક્ષક ખાલપભાઇ ઝીણાભાઇના ઘર પાસે કપિરાજ માટે ફળ મુકી પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમ્યાન મંગળવારના રોજ વહેલી સવારે કપિરાજ પાંજરે પૂરાતા નવસારીની વાઇલ્ફ લાઇફ રેસ્ક્યુ ટીમના હિમલ મહેતા, સોલધરાના ધર્મેશભાઇ સહિતનાઓએ કપિરાજને રેસ્ક્યુ કરી જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. નિશાળ ફળિયામાં પ્રાથમિક શાળા પણ હોય બાળકોમાં પણ ભય ફેલાયો હતો. કપિરાજ પાંજરે પૂરાતા બાળકો સહિતના સ્થાનિકોને મોટી રાહત થવા પામી હતી.

ઝઘડિયાના પાણેથા ગામે દીપડો પાંજરામાં પુરાતાં ગ્રામજનોને હાશકારો
ઝઘડિયા: ઝઘડિયાના નર્મદા કાંઠે આવેલા પાણેથા ગામે વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં એક દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો. કેટલાક દિવસથી ગામમાં અવારનવાર દીપડાની હાજરી જણાતી હતી. આ દીપડા દ્વારા રાતના સમયે ઘરોના વાડાઓમાં બાંધેલાં પાલતુ પશુઓ પર હુમલો કરવામાં આવતું હોવાની ઘટનાઓ બનતી હતી. અવારનવાર દીપડો માનવ વસતીમાં આવીને પશુઓનો શિકાર કરતો હોવાથી લોકો ભયભીત બન્યા હતા. આ દીપડા દ્વારા કોઇવાર માણસો પર પણ હુમલો કરાય તેવી દહેશત જણાતાં સ્થાનિકો દ્વારા વનવિભાગને આ અંગે જાણ કરાતાં ઉમલ્લાના ફોરેસ્ટર સુરેશભાઇ વસાવા તેમજ બીટગાર્ડ શકુનાબેન દ્વારા ટીમ સાથે પાણેથા ગામે જઇને ગામમાં દીપડાની અવરજવર વાળા સ્થળે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાતાં સ્થાનિકોએ રાહત અનુભવી હતી. વનવિભાગ દ્વારા આ પકડાયેલા દીપડાને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝઘડિયા તાલુકામાં અને ખાસ કરીને નર્મદા કાંઠા વિસ્તારમાં અવારનવાર દીપડા નજરે પડતા હોય છે. પાછલા લાંબા સમયથી તાલુકામાં દીપડાની વસતી જણાય છે. તાલુકાની સીમમાં શેરડીનાં ખેતરો દીપડાઓ માટે આશ્રયસ્થાનો મનાય છે. દીપડાઓ અવારનવાર ખોરાકની શોધમાં માનવ વસતીમાં પણ આવી જતા હોય છે.

Most Popular

To Top