Charchapatra

અલ્પસંખ્યક ભીતિ ખોટી કલ્પના છે

પૃથ્વી પર માનવસમાજના ઉદ્‌ભવ પછી પ્રાદેશિકતા, સંસ્કૃતિ, ભાષા, ધર્મ વગેરે પરિબળો દ્વારા ભિન્નતા સર્જાઇ, સભ્યતાને નામે માનવતા પર પ્રહારો થતા રહ્યા. રાજસત્તા, ધર્મઝનૂન, ગંદા રાજકારણે તેમાં વૃધ્ધિ કરી. સમુદાયોમાંની જનસંખ્યાને કારણે અલ્પ સંખ્યક, બહુસંખ્યક જેવા વર્ગભેદ રચાયા, વર્ગવિગ્રહો થયા. દેશનું વિભાજન થયું. ભારતમાં સાડા છસો વર્ષો સુધી ઇસ્લામિક શાસન રહ્યું છતાં બહુસંખ્યક હિન્દુ સમાજની સંખ્યા ઘટી નહીં, હિન્દુત્વ અખંડ રહ્યું. અંગ્રેજોના ગુલામીસભર શાસનમાં યે મુસ્લિમ સમાજ અલ્પ સંખ્યક જ રહ્યો. પ્રજા સહિષ્ણુ રહી, સર્વધર્મ સમભાવ ટકી રહ્યો, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહ્યાં.

ભારતનું આદર્શ સંવિધાન સૌને સમાનતા, સુરક્ષા બક્ષે છે. આમ છતાં સાંપ્રદાયિક સંકુચિત, હઠાગ્રહી, નફરતી ભાવનાને કારણે કૌમી રમખાણો થતા રહે છે. અલ્પ સંખ્યકો માટેનો ડર કાલ્પનિક વાતોથી ઉપજાવાય છે. માનવતા આવા પ્રદૂષણથી માંદી પડે છે. અલ્પ સંખ્યક ભીતિ ઠગાવી માયાજાળ છે. આવી માયાજાળ પાથરવા માટે અનેક પ્રકારની અફવાઓ, ગપગોળા ગબડાવાય છે. આમ તો આજનો બહુસંખ્યક સમાજ વર્ષો પછી પણ અલ્પ સંખ્યક થવાનો નથી.

છતાં કરવા ખાતર કલ્પના કરીએ કે વર્ષો પછી ભારતમાં વર્તમાન બહુસંખ્યક સમાજ અલ્પ મતમાં આવી જાય અને અલ્પ સંખ્યક સમાજમાં બહુસંખ્યક પરિસ્થિતિ સર્જાય તો પણ મજબૂત બંધારણ, તેની કાયદાકીય જોગવાઇઓ, ન્યાયને આંચ આવી શકવાની નથી, કાયદો અને વ્યવસ્થા પણ જળવાઇ રહેશે., તમામ પ્રકારની સ્વતંત્રતા, તમામ અધિકારો, ગણતંત્ર પણ સુરક્ષિત રહેશે, એટલે આજની અલ્પસંખ્યક ભીતિ નિરર્થક છે. દરેક સમાજનું પોતીકાપણું જળવાઇ રહેશે. પશ્ચિમીકરણ પણ ભારતીય સંસ્કૃતિ સામે બેઅસર છે. ધર્માંતરણ મુદ્દો વ્યકિતગત સ્વતંત્રતા પર અવલંબે છે અને તેનું  પ્રમાણ વ્યાપક નથી જ. અલ્પ સંખ્યક ભીતિ ડરામણા ભવિષ્યની ખોટી કલ્પના જ છે. રાષ્ટ્રીય અને કૌમી એકતા સાથે આદર્શ બંધારણ સામે એવા તર્ક પ્રભાવહીન અને હાસ્યાસ્પદ જ બની જાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top