Columns

ધન નો અર્થ

ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો, ‘શિષ્યો જણાવો ધન એટલે શું ??’ શિષ્યોને નવાઈ લાગી કે, ‘ગુરુજી કેમ આવો પ્રશ્ન પૂછે છે ધન એટલે ધન …અને ગુરુજી આવો ભૌતિક વસ્તુને લગતો સવાલ કેમ પૂછ્યો હશે…બધા અંદર અંદર ગુસપુસ કરી રહ્યા હતા એટલે ગુરુજીએ કહ્યું, ‘ચાલો જવાબ આપો..’ એક શિષ્યએ કહ્યું, ‘ગુરુજી, ધન એટલે રૂપિયા પૈસા …સોનું ચાંદી …હીરા ઝવેરાત…જર જમીન જેવી કિંમતી વસ્તુઓ….’ ગુરુજી બોલ્યા, ‘બરાબર આપણા બધાની જાણ અને માન્યતા મુજબ આ બધી કિંમતી વસ્તુઓ ધન છે પણ વાસ્તવમાં એમ નથી…!!!’ બધાને આ સાંભળી નવાઈ લાગી ગુરુજીએ કહ્યું, ‘ધનની પરિભાષા સરળ ભાષામાં સમજવું તો એ છે કે જેનાથી આપણું જીવન ધન્ય થઈ જાય તે ધન છે.’ આટલું કહીને ગુરુજીએ એક શ્લોક લખ્યો
‘વિદેશેશુ ધનમ્ વિદ્યા ,વ્યાસનેશુ ધનમ્ મતિ!…. 
પરલોકે ધનમ્ ધર્મ , શીલમ સર્વત્ર ધનમ્!!’

પછી ગુરુજી બોલ્યા, ‘આ શ્લોક હંમેશા યાદ રાખજો એ ધનનો સાચો અર્થ સમજાવે છે. જ્યારે તમે તમારા નગરથી દુર પારકા પ્રદેશમાં ,વિદેશમાં છો ત્યારે તમારી વિદ્યા સૌથી ઉત્તમ ધન સાબિત થાય છે.અથવા તમારી પાસે વિદ્યારુપી ધન હોય તો જ તમે વિદેશમાં નામના કમાઈ શકો છો.જયારે તમે કોઈ સંકટમાં ફસાઈ જાવ છો ત્યારે સાચું ધન સાબિત થાય છે તમારી બુધ્ધિ ….તમારી સૂઝબુઝથી જ તમે મુશ્કેલીમાંથી બહાર આવવાનો માર્ગ મેળવી શકો છો.આમ જીવનમાં જુદા જુદા સંજોગોમાં ધનનો અર્થ બદલાય છે અને હવે સમજવું તમને જીવનના સર્વોત્તમ ધન વિષે ….’

બધા જાણવા આતુર બન્યા.ગુરુજીએ કહ્યું, ‘આ જીવન દરમ્યાન દરેક ક્ષણે જે ધન બનીને તમારી સાથે રહે છે અને હંમેશા તમારી કિંમત વધુ ને વધુ મુલ્યવાન બનાવે છે તે સાચું ધન છે તમારો વિનય – વિવેક, તમારો સંતોષ – સહિષ્ણુતા અને તમારુ શીલ – ચારિત્ર્ય. તે જ સર્વોત્તમ ધન છે એટલે સતત આ ધનનો સંચય કરતા જ રહેવું.હંમેશા સાથે રાખવું.હવે વાત કરું એવા ધનની જે પરલોકમાં પણ તમારી સાથે રહે છે…!!’ શિષ્યો વળી પાછાં મૂંઝાયા કે આ કેવી વાત પરલોકમાં કઈ સાથે નથી આવતું તો ગુરુજી ક્યાં ધનની વાત કરતા હશે. ગુરુજી બોલ્યા, ‘હવે તમને એવા ધન વિષે સમજવું કે જે જીવનના અંતિમ પડાવ મૃત્યુ બાદ જયારે પરલોકમાં આત્મા પહોંચે છે ત્યારે સાથે આવશે આ ધન છે સાચો ધર્મ , સારા કર્મ અને પુણ્યથી ભરેલા કાર્યો …બસ આ જ  સાથે આવશે બાકી બધું અહીં જ રહી જશે.મેં તમને ધન વિષે ઊંડાણથી સમજાવ્યું એટલે તમારે કયા ધનને મેળવવું ક્યાં ધનનો સંચય કરવો એ તમારે નક્કી કરવાનું રહેશે.’ ગુરુજીએ સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top