Gujarat

ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય બનતાં 6ઠ્ઠી મે સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા

ગાંધીનગર: ચક્રવાતી હવાના દબાણની જુદી જુદી સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) હજુયે આગામી તા.6ઠ્ઠી મે સુધી માવઠાની (Mavthu) ચેતવણી હવામાન વિભાગ દ્વારા ઈશ્યુ કરાયેલી છે. ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હેઠળ જ ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ પેદા થવા પામી છે. જેના લીધે સુરત સહિત ડાંગ, નવસારી, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં માવઠાની ચેતવણી ઈશ્યુ કરાઈ છે, પ્રતિ કલાક 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે ફરી એકવાર જોરદાર માવઠું થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

કેમકે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમાં એક ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ હરિયાણા ઉપર બનેલી છે. બીજી સિસ્ટમ લદ્દાખ ઉપર પણ બનેલી છે. મધ્યપ્રદેશથી તામિલનાડુ સુધી એક ટ્રફ રેખા જોવા મળી છે. જયારે ચોથી સિસ્ટમ કર્ણાટક ઉપર બનેલી છે. જેની અસર હેઠળ આગામી તા. 6ઠ્ઠીમે સુધી કમોસમી વરસાદ થઈ શકે છે. બંગાળના અખાતમાં પણ એક ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ આકાર લઈ રહી છે, જે આગામી નજીકના દિવસમાં લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજયમાં 44 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને અમરેલીના ખાંભામાં સવા ઈંચ વરસાદ થયો હતો. જયારે વિસાવદર તથા મહેસાણામાં 1 ઈંચ વરસાદ થયો હતો.

ગુજરાતમાં હાલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાંક શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીએ પહોંચી ગયો છે. ખાસ કરીને 6ઠ્ઠી મે સુધીમાં રાજયમાં આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ ,પંચમહાલ, છોટા ઉદેપુર, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ , પોરબંદર, રાજકોટ અને કચ્છ, ડાંગ , નવસારી, સુરત , તાપી , વલસાડ સહિતના જિલ્લાઓમાં માવઠાની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. આ જિલ્લાઓમાં પ્રતિ કલાકના 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે એટલું જ નહીં ગાજવીજની સંભાવના પણ રહેલી છે. જેના પગલે કાચા મકાનો તૂટી પડે તેવી પણ સંભાવના રહેલી છે. બાગાયતી પાકોને પણ નુકસાન થઈ શકે છે.

બીજી તરફ હવામાન વિભાગની ચેતવણી મુજબ, રાજયમાં આગામી પાંચ દિવસ દરમ્યાન ગરમીનો પારો 4 ડિગ્રી વધી શકે છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે આજે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 37 ડિ.સે., ડીસામાં 36 ડિ.સે., ગાંધીનગરમાં 35 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિ.સે., વડોદરામાં 36 ડિ.સે., સુરતમાં 34 ડિ.સે., ભૂજમાં 34 ડિ.સે., નલિયામાં 34 ડિ.સે., કંડલા એરપોર્ટ 32 ડિ.સે., અમરેલીમાં 35 ડિ.સે., ભાવનગરમાં 34 ડિ.સે., રાજકોટમાં 37 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 36 ડિ,સે., અને કેશોદમાં 35 ડિ.સે. જેટલું મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Most Popular

To Top