Gujarat

પંચાયત સેવા પસંદગી મંડળમાં 15 હજાર કર્મચારીઓની ભરતીનું લક્ષ્યાંક: કનુભાઈ દેસાઈ

ગાંધીનગર: આજે ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી નિમણૂંક પામેલા 1760 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સને નિમણુંક પત્રો (Appointment letters) એનાયત કરાયા હતાં. આ સમારંભમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોને સરકારી સેવાનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. રાજ્ય સરકારે સંપૂર્ણ પારદર્શિતાથી ભરતી થાય તે માટે વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જેના પરિણામે અનેક યુવાનો આજે સરકારી સેવામાં જોડાયા છે. રાજ્ય સરકારે પંચાયતમાં 15 હજાર કર્મીઓની ભરતીનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, જેના ભાગરૂપે તબક્કાવાર ભરતીઓ થઈ રહી છે, અને આગળ પણ અનેક ભરતીઓ થકી દરેક વિભાગની ખાલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે પસંદગી પામેલા ઉમેદવારોને આરોગ્ય સેવા પરિવારમાં આવકારતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં જોડાઈ રહેલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ગુજરાતના ગામડામાં વસતા સામાન્ય નાગરીકો સુધી આરોગ્ય કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવાના મુખ્ય વાહક બનશે. પ્રજાનું આરોગ્ય એ રાજ્યના વિકાસનો મુખ્ય પાયો છે. આ પાયાને મજબૂત કરવામાં આરોગ્યકર્મીઓનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ગરીબ અને સામાન્ય નાગરીકો સુધી જરૂરિયાતની તમામ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાનો રાજ્ય સરકારે કરેલો નિર્ધાર નવનિયુક્તિ પામેલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર નિષ્ઠાપૂર્વક કામ કરી પરિપૂર્ણ કરશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top