Columns

માણસની માયાજાળ

માણસ આ દુનિયાની રંગભૂમિનો મુખ્ય કલાકાર છે. તે મોટો માણસ બને તો સોનાના હીંચકે ઝૂલે છે પણ ખોટો માણસ બની જાય તો ફાંસીના માંચડે લટકે છે. દાઉદ ઈબ્રાહિમ સોનાના હીંચકે ઝૂલે છે પણ સમાજના સાધારણ માણસને લાકડાના હીંચકે ઝૂલવામાં જેટલી શાંતિ મળે છે તેટલી તેને સોનાના હીંચકે નથી મળતી. શાંતિ હીંચકામાંથી નહીં હૈયામાંથી પ્રગટે છે. માણસને સદ્કર્મોથી આનંદ મળે છે પણ દુષ્ટતામાંથી પાશવી આનંદ સિવાય બીજું કાંઈ મળતું નથી. વાલિયા લૂટારાએ થોડો સમય પાશવી આનંદની મજા માણી હતી.

દાઉદ આજનો મૂર્ધન્ય ગુંડો ગણાય. રાતોરાત ટાટા બિરલા બની જવાતું નથી. દાઉદ ઈબ્રાહિમ, છોટા રાજન કે વીરપ્પન બનવું એ પણ ખાવાના ખેલ નથી. બન્નેમાં તનતોડ મહેનત કરવી પડે છે. સંસારના લાખો માનવી મહાત્મા ગાંધી બની શકતા નથી. તેઓ દુર્યોધન કે રાવણને વખોડી શકે છે પણ દુર્યોધન કે રાવણ બની શકવાનું પણ તેમનું ગજું હોતું નથી. દેશમાં ધાડ પડે છે. મોંઘવારી વધે છે. ભૂખમરો માઝા મૂકે છે. આવી સ્થિતિમાં કોઈ પણ સરકારને ગાળો પડે છે. સરકારને ભાંડવાનું કામ સહેલું છે. રામરાજમાં પણ વસતી આટલી પ્રચંડ હોત તો આવી જ સ્થિતિ સર્જાઈ હોત. સુનામી કે ધરતીકંપ જેવી હોનારતો સર્જાય તો ત્યાં પણ આવી જ જાનહાનિ થઈ હોત.

દરેક રાજકીય વિશ્લેષકોના હાથમાં સત્તા સોંપવામાં નહીં આવે ત્યાં સુધી તેમને સરકાર ચલાવવાનું કામ ડાબા હાથનો ખેલ લાગે છે. દુર્યોધન, રાવણ કે શકુનિઓના ટોળા કેવળ પાર્લામેન્ટમાં નથી, પ્રજા વચ્ચે પણ એમનો રાફડો ફાટ્યો છે. કારણ કદાચ એ છે કે દુર્યોધન, રાવણ કે કંસના સમયમાં નસબંધીનું ઓપરેશન થઈ શકતું નહોતું તેથી આ જગતમાં તેમના વંશવેલા વધ્યા છે. વર્ષો પહેલાં એક ગુજરાતી ફિલ્મનું ગીત સાંભળ્યું હતું: ‘હવે પ્રભુ અવતાર લો તો સારું… આ છે અવતરવાનું ખરું ટાણું…!

અહીં ચારેકોર છે બેહદ જૂઠાણું.. ને રાવણ છે સોમાંથી નવ્વાણું..!’ દેશમાં વંશવારસાગત રાજકારણ, મોંઘવારી, બેકારી, ગરીબી, ભૂખમરો, વસ્તીવધારો વગેરેને કાબૂમાં લેવાનું કામ તેની સમીક્ષા કરવા કરતાં ઘણું અઘરું છે. સજ્જન બનવા કરતાં માથું ફેરવીને દુર્જન બની જવામાં ધાડ મારવાની હોતી નથી. જૂની લોકવાયકા પ્રમાણે સત્યનો હંમેશાં જય થાય એમ કહેવાય છે પણ સ્થિતિ હવે બદલાઈ છે. હવે સત્યનો શિરચ્છેદ અને જૂઠાણાનો જયજયકાર થાય છે. રાવણની લંકા સલામત રહી જાય છે અને અયોધ્યામાં આગ લાગે છે.

માણસ સદ્ માર્ગે સફળ થાય તો એને ફૂલહાર મળે છે પણ કુમાર્ગે સફળ થાય તો કારાગાર મળે છે. બન્નેમાં એક ચીજ કોમન હોય છે. અખબારોમાં એક જ પાને બન્નેના ફોટા છપાય છે પણ એકના ચહેરા પર સંતોષનું સ્મિત હોય છે અને બીજાના ચહેરા પરથી નૂર ઊડી ગયું હોય છે. તેના હાથમાં હાથકડી હોય છે અને બાજુમાં પોલીસ ઊભો હોય છે. એમ કહો કે એ બન્ને સ્થિતિમાં ગોલ્ડમેડલ અને દાણચોરીમાં પકડાયેલી સોનાની બિસ્કિટ જેટલો તફાવત હોય છે.

હમણાં એક સંતની અમૃતવાણી સાંભળવાનું બન્યું. લગભગ બધા જ સંતો સંસારની મોહમાયા છોડવાનો ચીલાચાલુ ઉપદેશ આપતા હોય છે. પણ સંસારમાં રહીને પણ સદ્ કર્મો થઈ શકે છે. પૃથ્વી પર મનુષ્યનું સર્જન એક માત્ર ઈશ્વરપ્રાપ્તિ અર્થે થયું છે એવી ગેરસમજ ધરાવતા સંતોએ સમગ્ર માનવજાતને ગેરમાર્ગે દોરી છે. (જો એવું થયું હોત તો દુનિયાનો આટલો વિકાસ ના થયો હોત) સ્ત્રીનું મોઢું ન જોતા સાધુઓને કારણે સ્ત્રીજાતિને રતિભાર નુકસાન નથી એવું હવે સ્ત્રીઓને સમજાઈ રહ્યું છે પણ મનમાં અંધશ્રધ્ધાનો ઈલાકો વિસ્તરે અને વિચારોનું વજન ઘટે ત્યારે એવા સાધુઓના દૂરથી દર્શન કરીને પણ સ્ત્રી ધન્ય ધન્ય થઈ જાય છે. સાધુઓને માફ કરી શકાય. સ્ત્રીઓને માફ કરવા મન બહુ મોટું કરવું પડે!

સંસારની કોઈ પણ પત્નીને હજી સુધી શ્રેષ્ઠ સન્નારીનો એવોર્ડ નથી મળ્યો. મંદોદરીએ રાવણને વેઠી લીધો હતો પણ લંકાની પ્રજાએ તેને આદર્શ પત્નીનો એવોર્ડ નહોતો આપ્યો. લક્ષ્મણની પત્ની ઉર્મિલાએ છતાં પતિએ વિયોગ વેઠ્યો હતો. ગાંધારીએ પોતાના પતિ ધૃતરાષ્ટ્રની આંખના અંધાપાને કારણે પોતે પણ આંખે પાટા બાંધ્યા હતા. સુખસાહ્યબી અને સંસારની માયા છોડવાનું કહેતા સેંકડો ગુરુઓ આજે પોતે મારૂતિમાં ફરતા હોય છે. તેમના નોકરોને જ ખબર હોય છે કે તેઓ કેવી અજબગજબની મોહમાયામાં ફસાયેલા હોય છે. કદાચ માયા છોડવાની દિલથી ઈચ્છા જન્મે તો ય માયા છોડવાનું કામ ધારીએ તેટલું સહેલું નથી હોતું. જો કે સંસાર છોડવો એ કોઈ એંગલથી પાપ નથી પણ માણસની ભીતરી સાત્ત્વિક્તાને બદલે તેના બાહ્યઆડંબરને માપદંડ બનાવવામાં આવે છે ત્યારે માણસનું ખોટું માપ નીકળવાની ગેરન્ટી હોય છે.
ધૂપછાંવ
માણસે દુનિયામાં દુર્જનતાના ક્ષેત્રમાં પોતાની બહુમુખી પ્રતિભા બતાવવામાં કોઈ કસર રાખી નથી.

Most Popular

To Top