
આપણે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવા જઇ રહ્યા છીએ પણ મારે તમને એક સવાલ કરવો છે તમે સુરતમાં રહીને સુરતના ભવ્ય ઇતિહાસને કેટલો જાણો છો? મોટાભાગના લોકોને કિલ્લો અને મુગલ સરાઈ કે જેમાં SMC ઓફિસ છે અને કેટલાંક ધાર્મિક સ્થળો વિશે માહિતી હશે. બહુ બહુ તો આર્મેનિયન કબ્રસ્તાનનો ખ્યાલ હશે. અંગ્રેજોએ સુરત પર પણ રાજ કરેલું તેમણે સુરતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કમ્પની (અંગ્રેજોની કોઠી) સ્થાપી હતી એવું ઇતિહાસમાં ભણાવવામાં આવે છે પણ તે સુરતના ક્યા વિસ્તારમાં હતી હવે ત્યાં શું છે, ડચ ગાર્ડન ડચ રોડ આ નામ સાંભળ્યું છે પણ ત્યાં ડચ લોકોની ઇમારતો કઈ કઈ હતી તેનો ખ્યાલ ઘણા સુરતીઓને નહીં હોય. યહૂદી પ્રજા પણ સુરતમાં આવીને વસી હતી આ યહૂદીઓના કબ્રસ્તાન સુરતમાં ક્યાં હતા અને હવે ત્યાં શું છે, આપણે કિલ્લાની મુલાકાત લઈએ છીએ ત્યારે તેમાંનું મ્યુઝિયમ આકર્ષણ જગાવે છે. કિલ્લા પહેલાં આ મ્યુઝિયમ ક્યાં હતું. સુરતમાં ઇતિહાસ ક્યાં ક્યાં જીવિત હતો, એ જગ્યાઓ પર હવેના સમયમાં શું છે? આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવાની કોશિશ આપણે આ લેખના માધ્યમથી કરીએ…..
આઈ પી મિશન સ્કૂલ નજદીક હતી અંગ્રેજોની કોઠી
અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમને 1613માં ઈંગ્લીશ ઇસ્ટ ઇન્ડિયા કમ્પની સ્થાપવા માટે બાદશાહી ફરમાન મળતા તેમણે મુલ્લા ચકલા વિસ્તારમાં મુગલ સરાઈ પાસે આઈ પી મિશન સ્કૂલની સામે કોઠીની સ્થાપના કરી હતી. તેમને કમ્પની સ્થાપવા માટે અહીં ખ્વાજા હસન અલી પાસેથી વાર્ષિક 1400 મહમુદી ભાડાપટ્ટાથી મકાન ભાડે લીધું હતું. પાછળથી નદી કાંઠે હાલમાં પાતળિયા હનુમાન જ્યાં છે તે મુલ્લા બારીના નાકે કોઠીનો વિસ્તાર વધારવામાં આવ્યો હતો. અંગ્રેજોએ વેપારી કેન્દ્ર મુંબઈ ખસેડયું ત્યાર બાદ આ મકાન 1830માં કૂપર નામના પારસીને વેચી દેવાયું હતું તેથી તે મકાન કૂપર હાઉસ તરીકે ઓળખાવા લાગ્યું,જે હાલમાં તો સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે. એક કાળે નદીમાં પુરાણ નહોતું ત્યારે અહીં વહાણો લાંગરવામાં આવતા હતાં.
પોર્ટુગીઝ કોઠી પછીથી પારસી ધર્મશાળા તરીકે વપરાતી

મુગલ સરાઈ વિસ્તારમાં આઈપી મિશન સ્કૂલ સામે પોર્ટુગીઝૉની કોઠી હતી, પાછળથી તે મકાનમાં શેઠ પીસ્ટન ઉકડજી શેઠની ધર્મશાળા તરીકે વપરાતી. પોર્ટુગીઝોની મુખ્ય કોઠી ખંભાતમાં હતી એટલે સુરતમાં તેમનો વેપારી એજન્ટ જ રહેતો હતો. તે હવે ધ્વસ્ત હાલતમાં હોવાનું જાણવા મળે છે. પોર્ટુગીઝોની નિશાની રૂપે એક લેખ પણ જોવા મળે છે. અહીં જ મુલ્લાચોક વિસ્તારમાં 1668માં ફ્રેન્ચ કોઠી સ્થાપવામા આવી હતી. જોકે, ફ્રેન્ચ કોઠી વધારે ટકી શકી નહીં હતી. 1719માં દેવાદાર સ્થિતિમાં જ ફ્રેન્ચ વેપારીઓ તાપીમાર્ગે સુરતથી રવાના થઈ ગયા હતા.
કતારગામ વિસ્તારમાં બે જગ્યા પર યહૂદીઓના કબ્રસ્તાન હતાં

સુરતના ઇતિહાસનું બારીકાઈથી અભ્યાસ કરનારા સંજય ચોકસીએ યહૂદીઓના કબ્રસ્તાન વિશે જણાવ્યું કે, સુરતમાં લગભગ 18મી સદીની શરૂઆતમાં વેપાર અર્થે સ્થાયી થયેલી યહૂદી પ્રજાએ પોતાનો અલગ રહેણાંક વિસ્તાર બનાવ્યો હતો. જે ખાસ કરીને જયુઈશ મર્ચન્ટ કોલોની તરીકે ઓળખાતી હતી. 19મી સદીના અંતમાં તેઓ સુરતથી મુંબઈ અને કોલકાતા તરફ પ્રયાણ કરી ગયા હતાં. આ યહૂદી પ્રજા મુખ્યત્વે મહારાષ્ટ્રમાં વસેલી બેને ઇઝરાયલ કોમની તેમજ બગદાદ તરફની હતી, તે પછી બસરા, સિરિયા, એડન, પર્શિયા અને અફઘાનિસ્તાન તરફની પ્રજા પણ અહીં આવી હતી. સુરતમાં લાંબા વસવાટને કારણે યહૂદી પ્રજાએ પણ તેઓનું અલગ કબ્રસ્તાન બનાવ્યું હતું. કતારગામ ઇલેક્ટ્રિક સબસ્ટેશન નજીકનું કબ્રસ્તાન બગદાદી જયુઇશ મર્ચન્ટ પ્રજાનું અને કતારગામ મેઇન રોડ ઉપરનું કબ્રસ્તાન બેને જયુઈશ પ્રજાનું હતું. આ બંને કબ્રસ્તાનો નષ્ટ થઈ ગયા છે. તેઓ સુરતમાં ક્યાં સ્થાયી થયા હતા તેની વધુ માહિતી ઉપલબ્ધ નથી પણ તેમની કબરો ઉપર હિબ્રુ લિપિમાં આરસના પથ્થર પર લખાણ લખવામાં આવ્યું હતું. તેના પરથી તેઓ સુરતમાં સ્થાયી થયા હતા એવું જાણવા મળે છે.
અંગ્રેજોના સમયનો હોપપુલ બ્રિજ 2015માં
ઇતિહાસ બનાવી દેવાયો
હોપપુલ તો 2015ની સાલ સુધી અસ્તિત્વમાં હતો. આ બ્રિજ અંગ્રેજોના સમયમાં 1883ના વર્ષમાં લોકો માટે ખુલ્લો મુકાયો હતો. તે સમયે આ બ્રિજ 8 લાખ રૂ.ના ખર્ચે બન્યો હતો. તે બ્રિજને તત્કાલીન કલેકટર મિ. થિયોડર હોપનું નામ આપવામાં આવ્યું હતું. 1966માં સુરતમાં આવેલી રેલમાં આ બ્રિજને નુકસાન થતા તેને લોકોના ઉપયોગ માટે બંધ કરાયો હતો. 2015માં આ બ્રિજને તોડી પાડવામાં આવ્યો અને તેના સ્થાને નવો બ્રિજ બનાવાયો. હોપપુલને સુરતીઓ ક્યારેય નહીં ભૂલે તે માટે તેનો એક સ્પાન પાલ લેક્ગાર્ડનમાં સ્થાપિત કરાયો છે.
500 વર્ષ જૂનું કસ્ટમ હાઉસ 2014માં ધ્વસ્ત થયું
2014ની સાલ સુધી ચોકબજારથી મુગલ સરાઈ તરફ જવાના રસ્તે 500 વર્ષ જૂનું કસ્ટમ હાઉસનું સ્ટ્રક્ચર હતું જેને ફુરજા કહેતા હતાં. તેને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. 15મી 16મી સદીમાં બનેલા આ કસ્ટમ હાઉસ ખાતે જ્યારે વેપારીઓ માલસામાન સુરતમાં લાવતા ત્યારે તેમની પાસેથી જકાત વસુલવામાં આવતી હતી. આ ઐતિહાસિક બિલ્ડીંગમાં ઘણા વર્ષો સુધી ક્રાઇમ બ્રાન્ચ અને ચોકબજાર પોલીસ સ્ટેશન ચાલતું હતું. મુગલકાળ અને તે પહેલાના સમયમાં અહીંથી આયાત નિકાસ પર ટેક્સ વસુલવામાં આવતો હતો. સુરત પોર્ટના માધ્યમથી સોના, ચાંદી, મસાલા અને કપડાના વેપાર પર અહીં ટેક્સ લાગતો હોવાનું જાણવા મળે છે.
ડચ કોઠી પ્રથમ તો કામચલાઉ રીતે બડેખાં ચકલા વિસ્તારમાં હતી
ડચ એટલે કે વલંદાઓની પ્રથમ કામચલાઉ કોઠી 1620માં પિટર વાન ડેન બ્રોક જાવાથી ડિરેકટર તરીકે સુરત આવ્યો ત્યારે બડેખાં ચકલા વિસ્તારમાં સ્થાપવામાં આવી હતી. હાલ ત્યાં શહેરની એક પ્રખ્યાત સ્કૂલ હોવાનું ઇતિહાસની બુકના પાના ઉથલાવતા જાણવા મળે છે. પાછળથી 1762માં ત્યાંથી કમ્પની ખસેડીને મક્કાઈ પુલ અને નાવડી ઓવરાની વચ્ચેના સ્થળ પર લઈ ગયા હતા. આ વિસ્તાર પહેલા જહાંગીરી બંદર તરીકે ઓળખાતો પણ ડચ અહીં વસતા ડચ બંદર રોડ તરીકે ઓળખાતો. અહીં ગાર્ડન છે તેને ડચ ગાર્ડન કહે છે. નાનપુરા પોસ્ટ ઓફિસનું જે મકાન છે તે મકાન પણ ડચ રહેણાંક વિસ્તારનું છે. ડચોએ 1788માં સુરત છોડ્યું ત્યાર બાદ તેમની મિલકતોનો કબજો અંગ્રેજોએ લઈ લીધો હતો.