Gujarat Main

કચ્છીજનો પરિશ્રમ થકી પોતાનું ભાગ્ય લખી રહ્યા છે : વડાપ્રધાન મોદી

ગાંધીનગર: આઝાદીના અમૃત મહોત્સવ પર્વે કરેલો સંકલ્પ પૂર્ણ કર્યો છે તે કર્તવ્ય ભાવ સમાજ પ્રત્યે નિષ્ઠા, સદભાવના, સંવેદના એ મોટી પૂંજી છે. કચ્છનો ક કર્તુત્વના ક તરીકે ઓળખાય તેવા ડગ માંડી રહ્યા છો. કચ્છીજનો પોતાના પરિશ્રમ થકી પોતાનું ભાગ્ય (Future) લખી રહ્યા છે. કચ્છીઓ હવે પોતાના કર્તૃત્વભાવ માટે નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરશે, તેવું વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ભુજ (Bhuj) ખાતે કે.કે. પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના (Hospital) વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.

આરોગ્ય ક્ષેત્રે કચ્છને આત્મનિર્ભર બનાવવાના કચ્છી લેવા પટેલ સમાજના પ્રયાસના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભુજ ખાતે કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હોસ્પિટલ ફક્ત બીમારના ઇલાજ માટે જ નહીં પરંતુ સામાજિક ન્યાયને પણ પ્રોત્સાહિત અને પ્રતિષ્ઠિત કરે છે. જ્યારે કોઇ ગરીબને સસ્તી અને ઉત્તમ આરોગ્ય સેવા મળે ત્યારે તેનો વ્યવસ્થા પર ભરોસો વધે છે. હેલ્થ સેક્ટરમાં જેટલી યોજનાઓ લાગુ પાડી છે તેની પાછળનો હેતુ ઉત્તમ અને સસ્તી સુવિધા આપવાનો છે. આયુષ્યમાન ભારત યોજના અને જન ઔષધિ યોજના સહિત અન્ય યોજનાઓ થકી ગરીબોના લાખો રૂપિયા ઇલાજમાં ખર્ચ થવાથી બચી રહ્યા છે.

ગુજરાતમાં આરોગ્ય અંગેની સુવિધાઓ અંગે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રગતિની ફક્ત ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં નોંધ લેવાઇ રહી છે. બે દશક પહેલા ગુજરાતમાં ફક્ત ૯ મેડિકલ કોલેજ અને ડૉક્ટરી અભ્યાસ માટે ૧૧૦૦ જેટલી સીટ ઉપલબ્ધ હતી. જેની સામે આજે ૩ ડઝન જેટલી મેડિકલ કોલેજ, એઇમ્સ અને ૬૦૦૦થી વધુ ડૉક્ટરી અભ્યાસ માટેની સીટો ઉપલબ્ધ છે. રાજ્યની અન્ય મેડિકલ કોલેજના અપગ્રેડેશનનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કીડની અને ડાયાલિસિસ માટે તમામ જિલ્લાઓમાં ડાયાલિસિસની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

ફક્ત હોસ્પિટલોના નિર્માણથી સમસ્યાઓનું સમાધાન ન થાય, સમાજમાં એવી જાગૃતિ લાવીએ, એવું વાતાવરણ અને સ્થિતિનું નિર્માણ કરીએ કે હોસ્પિટલ જવું જ ન પડે. આ બધી મુસીબતોનો ઉપાય જનજાગૃતિ છે. સમગ્ર દેશે યોગ અને આયુર્વેદને સ્વીકાર્યું છે. આ તકે નરેન્દ્ર મોદીએ આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છીઓને વર્લ્ડ રેકોર્ડ બનાવવા અનુરોધ કર્યો હતો. કચ્છના માલધારી સમાજને અનુરોધ કરતાં નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં કચ્છીઓને પાણીની સમસ્યા થકી વતન છોડીને હિજરત કરવાની ફરજ પડી હતી પરંતુ હવે તો કચ્છમાં પૂરતા પ્રમાણમાં પાણી અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા છે ત્યારે માલધારી સમાજને પશુઓને લઇને કચ્છમાંથી હિજરાત ન કરવા અને બાળકોને શાળાએ મોકલા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવીયાએ હોસ્પિટલના વિવિધ ૧૯ વિભાગોને ખુલ્લા મુકતા કચ્છી માડુઓની ઉદારતા અને સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં વસતા કચ્છીઓ આ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે જે સૌ કોઇ માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સમૃદ્ધ સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં સ્વસ્થ સમાજ અને વ્યક્તિ મહત્વપૂર્ણ છે. સમાજના આર્થિક અને સામાજિક વિકાસના કેન્દ્રમાં આરોગ્યની ભૂમિકા મહત્વની છે.

ભૂજમાં ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને મુખ્યમંત્રીએ લીલીઝંડી

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે રૂ.૫.૩૧ કરોડના ખર્ચે ખરીદવામાં આવેલી ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરી હતી. વિવિધ ગ્રાન્ટો પૈકી ૧૫માં નાણાપંચની રૂ. ૩.૦૨ કરોડની ૨૧, રૂ.૧ કરોડની ડીએમએફ ગ્રાન્ટની ૭, વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી રૂ.૮૫.૮૧ લાખની પાંચ અને અબડાસા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે તેમજ માંડવી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૧ થઇને રૂ.૪૩.૧૫ લાખની ૩ આરોગ્ય એમ્બ્યુલન્સ થઇ કુલ ૩૬ એમ્બ્યુલન્સ રૂ.૦૫.૩૧ કરોડના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી મનસુખ માંડવિયા, વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય, આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ઋષિકેશ પટેલ, તેમજ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top