Dakshin Gujarat

ડેમ બનવાથી ભૂગર્ભ જળની સપાટી ઉંચી આવતા કુવા- બોરના જળસ્તરમાં વધારો થશે : મુખ્યમંત્રી

બીલીમોરા : બીલીમોરા (Billimora) નજીકના વાઘરેચ ગામે આવેલી કાવેરી નદી (River) ઉપર રૂ. 250 કરોડના ખર્ચે બનનારા વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટરી ડેમનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના (Bhupendra Patel) હસ્તે શુક્રવારે (Friday) કરવામાં આવ્યું હતું. જ્યારે રૂ. 55 કરોડના ખર્ચે બીલીમોરામાં બનેલા ઓવરબ્રિજનું (Overbriedge) પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ બીલીમોરાની જનતાને 300 કરોડથી પણ વધુના વિકાસના કામોની ભેટ (Gift) મળી છે.

વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટરી ડેમનું ખાતમુહૂર્ત કરતી વખતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ વિસ્તારની નદીઓમાં વરસાદી પાણી ભળવાથી પાણીમાં ખારાશ વધી રહી છે. પીવાનું અને ખેતીલાયક મીઠુ પાણી લોકોને મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. ડેમને લીધે ભૂગર્ભ જળની સપાટી ઉંચી આવતા લોકોના કુવા અને બોરના જળસ્તરમાં ખાસ્સો વધારો જોવા મળશે. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે જણાવ્યું કે અહીંથી 5 કિલોમીટર દૂર દેવધા ખાતે છેલ્લા 20 વર્ષથી એક ડેમ કાર્યરત છે, હવે આ બીજા ડેમનું કામ વહેલું શરૂ કરીને પૂર્ણ કરાય તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. કેબિનેટ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે આ વિસ્તારને દેવધા ડેમ પછી વાઘરેચ ટાઇટલ ડેમ પ્રોજેક્ટમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો સિંહફાળો હોવાનું તેમણે જણાવી નાણા વિભાગની મદદને કારણે આ ડેમ મળી શક્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અંદાજે 3458 એકર જમીનને સિંચાઈનો લાભ મળશે
દરિયાની ભરતીનું ખારું પાણી નદીમાં પ્રવેશવાથી આજુબાજુના વિસ્તારોમાં પીવાના પાણી ખારા થઈ ગયા છે. ઘરેલુ વપરાશ માટેનું મીઠું પાણી અને ખેતી માટેના પાણી મેળવવાની ખૂબ મુશ્કેલી અને ગંભીર સમસ્યા છે. આ યોજના સાકાર થતા બીલીમોરા શહેર અને આસપાસના 10 ગામોને પીવાનું મીઠું પાણી ઉપલબ્ધ થશે. અંદાજે 3458 એકર જમીનને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. ભૂગર્ભજળની ગુણવત્તામાં સુધારો થશે, જળની સપાટી ઊંચી આવશે, ભૂગર્ભ જળની ખારાશ પણ ઘટશે. જેને કારણે ખેતીલાયક ફળદ્રુપ જમીનને નુકસાન થતું અટકશે. જૂની ખરેરા નદી પુન જીવિત થશે. ડેમ સાકાર થતા બીલીમોરા સહિત 11 ગામો એવા વાઘરેચ, અંતલિયા, દેસરા, વંકાલ ઘેકતી, ઉંડાચ, લુહાર અને વાણિયા ફળિયા, ખાપરવાડા અને વાસણ જેવા ગામોને પીવાનું અને ખેતી લાયક મીઠું પાણી મળી રહેશે.

લોકોની પાણીની તકલીફનો અંત આવશે : સી.આર. પાટીલ
ભાજપ સાંસદ સી.આર. પાટીલે જણાવ્યુ હતુ કે ઘણા વર્ષોથી ડેમ માટેના પ્રયત્નો ચાલતા હતા. એક વર્ષની અંદર ડેમનું લોકાર્પણ કરવાના પ્રયત્ન કરીશું. આ વિસ્તારના લોકોની વર્ષોથી પાણીની તકલીફનો હવે આગામી દિવસોમાં અંત આવશે. ચીખલી કાવેરી નદી ઉપર એક નાનો ડેમ છે. હવે બીજો ડેમ વાઘરેચમાં સાકાર થયા બાદ 11 ગામોને મીઠા પાણીનો ભંડાર મળી રહેશે.

બીલીમોરામાં 55 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ
બીલીમોરાનો પ્રાણ પ્રશ્ન એવા ઓવરબ્રિજનું પણ લોકાર્પણ સભાસ્થળથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. રૂ.55 કરોડના ખર્ચ રેલવે ક્રોસિંગ નંબર 108 અને 109 ઉપર છેલ્લા સાડાચાર વર્ષની બંધાતો ઓવરબ્રિજ પણ લોકોના વપરાશ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

Most Popular

To Top