Entertainment

કૃતિ સેનન અભિનય પ્રતિભા બતાવી રહી છે?!

કૃતિ સેનન કેટલીક ફિલ્મો ગુમાવવા સાથે નવી મેળવતી રહીને અત્યારની સૌથી વ્યસ્ત હીરોઇન બની ગઇ છે. બહુ ઓછાને ખબર હશે કે ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ ‘હીરોપંતી’ થી બોલિવૂડમાં પ્રવેશ મેળવનારી કૃતિએ કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ માટે ઓડિશન આપ્યું હતું. પરંતુ પસંદ થઇ ન હતી. એ ભૂમિકા પછીથી આલિયાને મળી હતી. કૃતિને ફિલ્મ ‘લસ્ટ સ્ટોરીઝ’ મળી હતી. એમાં ચાર અલગ ટૂંકી ફિલ્મો હતી અને બોલ્ડ દ્રશ્યો કરવા પડે એમ હોવાથી તેની માતાના કહેવાથી ના પાડી દીધી હતી. એ ભૂમિકા કિયારા અડવાણીએ કરી હતી.

કૃતિએ માતાની પરવાનગી ના મળતાં ઘણી ફિલ્મો માટે ના પાડી દીધી હતી. એક ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી હોવાથી તેણે બોલ્ડ દ્રશ્ય કરતાં પહેલાં વિચાર કરવો પડે છે. પણ કૃતિએ ફિલ્મ ‘રાબતા’ ના એક પ્રેમદ્રશ્ય બાબતે કહ્યું જ ન હતું. ફિલ્મ જોઇને તેની માતાએ કહ્યું હતું કે આ વધારે પડતું છે! કૃતિએ બીજી હીરોઇનોની ફિલ્મો મેળવી છે. દક્ષિણના પ્રભાસ સાથેની ‘આદિપુરુષ’ માટે તે પહેલી પસંદ ન હતી. એમાં સીતાની ભૂમિકા માટે દક્ષિણની કિર્તી સુરેશ પસંદ થઇ હતી. ફિલ્મ બોલિવૂડની ગણાય એ માટે એમાં કિર્તીના સ્થાને કૃતિને લેવામાં આવી હતી. કૃતિ માટે સારી વાત એ છે કે ‘આદિપુરુષ’ નું ટીઝર આવ્યા પછી પ્રભાસની ‘રામ’ ના રૂપ માટે ટીકા થઇ રહી છે ત્યારે એની ‘સીતા’ ની ભૂમિકા માટે પ્રશંસા થઇ રહી છે.

કૃતિ શરૂઆતમાં મોડેલિંગ કરતી હતી ત્યારે ફિલ્મોમાં પ્રવેશ માટે પ્રયત્ન કરી રહી હતી. એ વખતે તેની માતાએ એને બોલ્ડ ફિલ્મો કરતાં રોકી હતી. જોકે, હમણાં એમણે કૃતિની વરુણ ધવન સાથેની ‘ભેડિયા’ ના સેક્સી ગીત ‘ઠુમકેશ્વરી’ ની પ્રશંસા કરી છે. કૃતિએ કેટલીક મહત્વની ભૂમિકાઓ કરીને અભિનયમાં પોતાનું સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે. ફિલ્મ ‘મિમિ’ માટે કૃતિને આ વર્ષે શ્રેષ્ઠ અભિનેત્રીનો આઇફા એવોર્ડ મળી ચૂક્યો છે. તેને આજના લોકપ્રિય અભિનેતાઓ સાથે ફિલ્મો મળી રહી છે. કાર્તિક આર્યન સાથે ‘શાહજાદા’ અને ટાઇગર શ્રોફ સાથે ‘ગણપત ૧’ માં કામ કરતી કૃતિએ પહેલી વખત દિનેશ વિજનની શાહિદ કપૂર સાથેની અનામ ફિલ્મ શરૂ કરી છે.

Most Popular

To Top