Entertainment

શાહરુખ ખાન જબરજસ્ત કમબેક કરવા જઇ રહ્યો છે?!

નિર્દેશક સિધ્ધાર્થ આનંદની ‘પઠાન’ નું ટીઝર જોયા પછી કોઇપણ એમ કહેશે કે દક્ષિણની ફિલ્મોને કિંગ ખાન શાહરુખ ટક્કર આપી શકે એમ છે. બોલિવૂડને અત્યારે આવી જ એક ફિલ્મની જરૂર છે. એક્શન દ્રશ્યો કરતા શાહરૂખમાં એટલો દમ દેખાય છે કે થિયેટર માલિકો માટે સારા દિવસો લાવી શકે છે. અલબત્ત આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ ની જેમ શાહરૂખે બૉયકોટ ટ્રેન્ડનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. છેલ્લા થોડા સમયમાં બોલિવૂડની બ્રહ્માસ્ત્ર, રક્ષાબંધન વગેરે પણ સોશિયલ મિડિયા પર નકારાત્મકતાનો શિકાર બની ચૂકી છે.

યશરાજ ફિલ્મ્સની સ્પાય સીરીઝની એક થા ટાઇગર, ટાઇગર જિંદા હૈ અને ‘વૉર’ પછીની આ ચોથી ફિલ્મ છે. જોકે, ‘પઠાન’ સંપૂર્ણ મસાલા ફિલ્મ છે અને એમાં જે કલાકારો છે એ દર્શકોને ચાર ફિલ્મો ધૂમ, ડૉન ૨, વૉર અને ‘રેસ ૨’ ની યાદ જરૂર અપાવે છે. ધમાકેદાર સંગીતમાં નવીનતા છે. ફિલ્મમાં જૉન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ હોવા છતાં માત્ર શાહરુખની જ ચર્ચા છે. જે રીતે સલમાનની ફિલ્મમાં કેટરિના આકર્ષણ બને છે એમ શાહરૂખની ફિલ્મમાં દીપિકા હાજર છે. તે ગ્લેમર પીરસવા સાથે એક્શન કરતી દેખાવાની છે. એ તેના સ્ટાર પાવરનો જ કમાલ છે. તેની ટ્રક ઉપર થતી ફાઇટ, બાઇક સ્ટંટ કે ગ્લાઇડર પહેરીને ઊડે છે એ દ્રશ્યો પ્રભાવ મૂકી જાય છે.

૨૫ જાન્યુઆરીએ રજૂ થનારી ‘પઠાન’ ના ડરથી જ પ્રભાસની ‘આદિપુરુષ’ ની રજૂઆત બદલવામાં આવી હોવાની વાત એકશનથી ભરપૂર ટીઝર આવ્યા પછી સાચી લાગી રહી છે. ‘પઠાન’ હોલિવૂડની ફિલ્મ જેવી લાગી રહી છે. શાહરુખે સાચું જ કહ્યું છે કે,’કુર્સી કી પેટી બાંધ લીજીએ.’ ભલે એનો ‘ડોન ૨’ જેવો લાંબા વાળવાળો લુક હોય પણ ‘એસઆરકે’ તો ‘એસઆરકે’ જ છે એમ માનવું પડશે. આમપણ શાહરુખ આવતા વર્ષે ‘જવાન’ અને ‘ડંકી’ જેવી બે મોટી ફિલ્મો સાથે સલમાનની ‘ટાઇગર ૩’ માં મહેમાન બનવાનો હોવાથી ચાર વર્ષ પહેલાં આવેલી ફિલ્મ ‘ઝીરો’ પછી તેની કારકિર્દી ખતમ થઇ ગઇ હોવાનું જે માનતા હતા એમને ખોટા પાડી શકે છે. ૫૭ વર્ષનો શાહરુખ આ ફિલ્મોથી જબરદસ્ત કમબેક કરી શકે છે. ટીઝરમાં પઠાન મરી ગયો હોવાની વાત ચાલે છે ત્યારે શાહરુખનો અવાજ આવે છે કે ‘જિંદા હૈ’ એમ તેની કારકિર્દી માટે કહી શકાય કે હજુ જીવંત છે. ફિલ્મના વીએફએક્સની ટીકા થઇ છે. કેટલાકે દોઢ મિનિટના ‘પઠાન’ ના ટીઝરમાં આવી થોડી ખામીઓ કાઢી છે એમને શાહરૂખ કહી શકે છે કે,’પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત!’

Most Popular

To Top