National

પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે કેકે ને મેસિવ કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, મુંબઈમાં કાલે થશે અંતિમવિધિ

બોલીવૂડના ખ્યાતનામ સિંગર (Singer) કેકે નું 31 મેની રાતે કોલકાતામાં લાઈવ પરફોર્મન્સ બાદ નિધન થયું હતું. કેકે નઝરુલ કોલકાતામાં સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની તબિયત લથડી હતી. તેમને બેચેની થઈ રહી હતી. આ સ્થિતિમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં તેઓનું મૃત્યુ મેસિવ કાર્ડિયાક અરેસ્ટને (Massive Cardiac Arrest) કારણે થયું હોવાનું સામે આવ્યું છે. કેકેના અંતિમ સંસ્કાર આવતીકાલે (2 જૂન) મુંબઈમાં કરવામાં આવશે.

જાણીતા ગાયક કેકે ને કોલકાતામાં પોલીસ સલામી આપવામાં આવી હતી. આ દરમ્યાન મમતા બેનર્જી તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. કેકેનો પોસ્ટમોર્ટમના શરૂઆતના રિપોર્ટ પ્રમાણે, તેઓને મેસિવ કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો. કોલકાતાની SSK ગર્વેમેન્ટ હોસ્પિટલમાં કેકેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ દોઢ કલાક ચાલ્યું હતું અને તેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે તેમને મેસિવ કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો અને તેને કારણે લીવર તથા ફેફસાંની સ્થિતિ ગંભીર બની હતી. હોસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેકેને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમનામાં કોઈ હલન-ચલન જોવા મળી ન હતી. તેમના ધબકારા બંધ હતા. કેકેનો જ્યારે ECG રિપોર્ટ કાઢવામાં આવ્યો તો તેમનું મોત પહેલાં જ થઈ ચૂક્યું હતું.

દરમ્યાન સિંગર જીત ગાંગુલીએ કેકેની અંતિમ ક્ષણો અંગે ડ્રાયવર સાથે વાત કરી હતી. તેમણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે જ્યારે તેઓ કેકે ને લઈ હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે કેકેએ ડ્રાઇવરને કારનું એસી વધારવાનું કહ્યું હતું. ડ્રાઇવરે એવો જવાબ આપ્યો હતો કે એસી ચાલુ જ છે તો કેકેએ એમ કહ્યું હતું કે તેઓને બહુ જ ગરમી લાગી રહી છે. હાથ અને પગના મસલ્સમાં દુખાવો થઈ રહ્યો છે.

દરમ્યાન સિંગર અંકિત તિવારીએ કેકેનો એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં કેકે મજાકમાં સ્ટેજ પર કહી રહ્યાં છે, હાય મેં મરજાઉં યહીં પે.. રોમેન્ટિક સોંગ ‘આંખો મેં તેરી..’ ગાતી વખતે ઓડિયન્સમાં બેઠેલી યુવતીઓ તરફ માઇક કરીને તેમને ગીત ગાવાનું કહે છે. યુવતીઓ દ્વારા ગીત ગાવાને કારણે કેકે તેઓને કહે છે, ‘હાય મેં મર જાઉં યહી પે.’ વીડિયોમાં મજાકમાં કહેલી આ વાત થોડી વાર બાદ જ સાચી પડી હતી.

Most Popular

To Top