પેટ્રોલ-ડીઝલ ભાવવધારા માટે તૈયાર રહો
અમદાવાદ, તા. 1
1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોમર્શિયલ ગેસના ભાવમાં સાત વખત વધારો કરવામાં આવ્યો છે, હવે એક સિલિન્ડરનો ભાવ રૂ.3,100 સુધી પહોંચી ગયો છે. વર્ષ 2026 દરમિયાન જ અંદાજે રૂ. 1,500 જેટલો વધારો નોંધાયો છે. વિવિધ ક્ષેત્રોમાં ભાવ વધારો -મોધવારીના મુદ્દે ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે, ત્યારે ભાજપ સરકાર દેશની “સૌથી મોંઘી સરકાર” સાબિત થઈ રહી છે.
પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતુ કે કોમર્શિયલ ગેસના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનો સીધો પ્રભાવ રેસ્ટોરન્ટ, હોટલ અને નાના ધાબાઓ પર પડી રહ્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ વિવિધ ક્ષેત્રોમાં ભાવ વધારો થવાની શક્યતા છે. માર્ચ મહિનામાં ઘરેલું ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ ચૂંટણીને કારણે વધુ ભાર જનતા પર નાખવામાં આવ્યો નહોતો. જે સરકાર મોંઘવારીના મુદ્દે મત મેળવી સત્તામાં આવી હતી, તે જ આજે મોંઘવારી વધારવામાં આગળ છે. સાથે જ સરકાર કોમર્શિયલ ગેસ તેમજ પેટ્રોલ-ડીઝલના જથ્થાની વિગત જાહેર કરે, તેવી અમારી માગણી છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં પણ વધારો થવાની સંભાવના છે અને જનતાએ તેના માટે તૈયાર રહેવું જોઈએ. ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાનો લાભ સામાન્ય લોકોને મળ્યો નથી અને સરકાર દ્વારા લાખો કરોડ રૂપિયાનો બોજો જનતા પર નાખવામાં આવ્યો છે.