Columns

જસ્ટિસ જમશેદ બરજોર પારડીવાલા ૨૦૨૮માં ભારતના ચીફ જસ્ટિસ બનશે

સુપ્રિમ કોર્ટમાં અને હાઈ કોર્ટોમાં ન્યાયાધીશોનું ધોરણ કથળતું જાય છે ત્યારે ૫૭ વર્ષના જમશેદ બરજોર પારડીવાલાને સુપ્રિમ કોર્ટમાં બઢતી આપીને કોલેજિયમે તેજસ્વી વ્યક્તિની યોગ્ય રીતે કદર કરી છે. ગુજરાત હાઈ કોર્ટના જજ તરીકે ૧૧ વર્ષથી ફરજ બજાવતા જસ્ટિસ પારડીવાલા મન્ના ડે નાં ગીતોના ચાહક છે અને ક્રિકેટના પણ રસિયા છે. તેઓ પોતાના ચુકાદાઓમાં માનવીય સ્પર્શ આપવા માટે જાણીતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વતની જસ્ટિસ પારડીવાલા વલસાડની કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા હતા.

તેમણે કાયદાનો અભ્યાસ પણ વલસાડની જ કે. એમ. લો કોલેજમાં કર્યો હતો. ૧૯૮૯ ના જાન્યુઆરીમાં તેમણે ગુજરાત હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. ૧૯૯૪ થી ૨૦૦૦ દરમિયાન તેમણે ગુજરાતની બાર કાઉન્સિલના સભ્ય તરીકે સેવા આપી હતી. ૨૦૦૨ માં તેમની નિમણૂક ગુજરાત હાઈ કોર્ટ અને તેની સહાયક કોર્ટોના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે થઈ હતી. આ હોદ્દા પર રહીને તેમણે કોર્ટની વહીવટી બાબતોને લગતા ખડકલો થઈ ગયેલા આશરે ૧૨૦૦ કેસોનો નિકાલ કર્યો હતો. ૨૦૧૧ ના ફેબ્રુઆરીમાં તેમની નિમણૂક ગુજરાત હાઈ કોર્ટના વધારાના જજ તરીકે થઈ હતી. ૨૦૧૩ માં તેમને કાયમી જજ બનાવવામાં આવ્યા હતા.

જસ્ટિસ પારડીવાલા પારસી કોમના ૬ ઠ્ઠા સુપ્રિમ કોર્ટના જજ છે. ૨૦૨૮ માં તેઓ સવા બે વર્ષની મુદ્દત માટે ભારતના ચીફ જસ્ટિસ બનશે. અગાઉ પારસી કોમના બે જજો ભારતના ચીફ જસ્ટિસ બની ચૂક્યા છે. જસ્ટિસ પારડીવાલાએ તેમના હાઈ કોર્ટના ૧૧ વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદાસ્પદ ચુકાદાઓ આપ્યા છે, જેમાં જગન્નાથની રથયાત્રા રોકવાના ચુકાદાનો પણ સમાવેશ થાય છે. આ કેસની સુનાવણી કરવા માટે મધ્યરાત્રિએ ગુજરાત હાઈ કોર્ટના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ગુજરાત સરકારની ટીકા કરવા માટે પણ જસ્ટિસ પારડીવાલા જાણીતા છે. જસ્ટિસ પારડીવાલાનો પરિવાર ત્રણ પેઢીથી કાયદાના ક્ષેત્રમાં કામ કરવા માટે જાણીતો છે.

જસ્ટિસ પારડીવાલાના દાદા કાવસજી નવરોજજી પારડીવાલાએ ૧૯૨૯ માં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી અને ૧૯૫૮ સુધી ચાલુ રાખી હતી. તેમના પિતા બરજોર કાવસજી પારડીવાલા વકીલ હોવા ઉપરાંત રાજકારણી પણ હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને વિધાનસભ્ય બન્યા હતા અને ૧૯૮૯-૯૦ દરમિયાન વિધાનસભાના સ્પિકર પણ બન્યા હતા. જમશેદ પારડીવાલાનો જન્મ ૧૯૬૫ માં થયો હતો. પરિવારના લોકો તેમને લાડમાં જાપુ તરીકે પણ ઓળખે છે. જસ્ટિસ પારડીવાલા ધાર્મિક પ્રકૃતિના માણસ છે. તેઓ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે, તકદીરમાં માને છે, પણ કેટલાક સાંસ્કૃતિક પ્રાચીન રીતરિવાજો માટે તેમને ચીડ પણ છે. ગુજરાત હાઈ કોર્ટમાં બાળ દીક્ષાને લગતા એક કેસમાં તેમણે જૈન સંઘમાં આપવામાં આવતી બાળ દીક્ષાની ટીકા કરી તેને કારણે તેઓ ગુજરાતના જૈનોમાં થોડાક અળખામણા પણ બની ગયા હતા.

જસ્ટિસ પારડીવાલા અંગ્રેજી ભાષા પર અસામાન્ય પ્રભુત્વ ધરાવે છે. તેઓ જૂની હિન્દી ફિલ્મોના સંગીતના રસિયા છે. ખાસ કરીને મોહમ્મદ રફી, મન્ના ડે અને કિશોર કુમારનાં ગીતો તેઓ બહુ સાંભળે છે. તેઓ તેમની રમૂજ વૃત્તિ માટે પણ જાણીતા છે. હાઈ કોર્ટના જજ બન્યા પછી તેમણે સામાજિક મેળાવડાઓમાં જવાનું બંધ કરી દીધું હતું. જૂની પેઢીના જજોના પ્રતિનિધિ તરીકે તેઓ માને છે કે ન્યાયાધીશોએ જો નિષ્પક્ષ રહીને ન્યાય તોળવો હોય તો સમાજમાં બહુ હળવુંભળવું ન જોઈએ. જ્યારે તેમની સમક્ષ કોઈ છૂટાછેડાનો કેસ આવે ત્યારે તેની સુનાવણી તેઓ પોતાની ચેમ્બરમાં જ કરે છે. તેમાં પણ યુગલને બાળક હોય તો અંગત રસ લઈને તેમને છૂટાછેડા ન લેવા સમજાવે છે. એક વખત જસ્ટિસ પારડીવાલા સમક્ષ છૂટાછેડાનો કેસ આવ્યો, જેમાં પત્ની કોઈ પણ ભોગે છૂટાછેડા લેવા માગતી હતી, પણ પતિ તેને છોડવા માગતો નહોતો. તેમને બાળકો પણ હતાં. જસ્ટિસ પારડીવાલાએ પત્નીને એક મહિલા વકીલની હાજરીમાં પોતાની ચેમ્બરમાં બોલાવી અને તેને છૂટાછેડા ન લેવા માટે સમજાવી હતી.

જો તે છૂટાછેડા લેશે તો બાળકોનું શું થશે? તેની ચિંતા પણ વ્યક્ત કરી હતી. છેવટે તે મહિલા પોતાના લગ્ન ટકાવી રાખવા તૈયાર થઈ ગઈ હતી. જસ્ટિસ પારડીવાલા લગ્નજીવનમાં પતિ દ્વારા પત્નીઓ ઉપર આચરવામાં આવતી ક્રૂરતા બાબતમાં પણ બહુ કડક વલણ ધરાવે છે. આ કારણે જ તેઓ લગ્નજીવનમાં પતિ દ્વારા પત્ની પર કરવામાં આવતાં બળાત્કારને સજાપાત્ર ગુનો બનાવવાની હિમાયત કરે છે. જો કે ભારતના કાયદામાં તેને ગુનો ગણવામાં આવતો નથી, પણ બળાત્કારના ગુનામાં અપવાદ ગણવામાં આવ્યો છે.

હાઈ કોર્ટના અને સુપ્રિમ કોર્ટના ઘણા જજો જ્યારે સરકારની ટીકા કરવામાં સંયમ રાખતા હોય છે, ત્યારે જસ્ટિસ પારડીવાલા સરકારની ટીકા કરવામાં કોઈ શેહશરમ રાખતા નથી. કોવિડ-૧૯ ની પરિસ્થિતિ દરમિયાન દર્દીઓને સમયસર સારવાર, દવાઓ અને વેન્ટિલેટરો પૂરાં ન પાડવા બદલ તેમણે ગુજરાત સરકારની આકરી ટીકા કરી હતી. ગુજરાત સરકારે કોરોનાની પરિસ્થિતિને કારણે જગન્નાથની રથયાત્રા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો ત્યારે કેટલાંક હિન્દુ સંગઠનો દ્વારા સરકારના નિર્ણય સામે હાઈ કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા. તેમની રજૂઆત સાંભળવા જસ્ટિસ પારડીવાલાએ મધ્યરાત્રિએ અદાલતના દરવાજા ખોલાવ્યા હતા, પણ તેમની રજૂઆત સાંભળ્યા પછી રથયાત્રા માટે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

પાટીદાર અનામત આંદોલનમાં ભાગ લેવા બદલ હાર્દિક પટેલ સામે દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો તેનો કેસ જસ્ટિસ પારડીવાલાની બેન્ચ સમક્ષ આવ્યો હતો. જસ્ટિસ પારડીવાલાએ હાર્દિકને દેશદ્રોહના આરોપમાંથી મુક્ત કરતાં અનામત પ્રથા બાબતમાં જે ટિપ્પણ કરી હતી તે અત્યંત વિવાદાસ્પદ બની ગઈ હતી. તેમણે પોતાના ચુકાદામાં લખ્યું હતું કે ‘‘જો મને કોઈ પૂછે કે એવી કઈ બે ચીજો છે, જેણે દેશને બરબાદ કર્યો છે, તો હું કહીશ કે ભ્રષ્ટાચાર અને અનામત પ્રથાને કારણે દેશની પ્રગતિ અટકી ગઈ છે. દેશની આઝાદીનાં ૬૫ વર્ષ પછી પણ અનામત માગતા કોઈ પણ નાગરિકને શરમ આવવી જોઈએ. અનામત નામના રાક્ષસે દેશમાં ઝઘડાનાં મૂળ રોપ્યાં છે.’’

જસ્ટિસ પારડીવાલા તરફથી રેકોર્ડ પર કરવામાં આવેલી આ ટિપ્પણીને કારણે ગુજરાત વિધાનસભામાં ધાંધલ મચી ગઈ હતી. વિધાનસભા તરફથી આ ટિપ્પણી રદ કરવાની વિનંતી કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. રાજ્ય સભાના ૫૮ સભ્યો દ્વારા જસ્ટિસ પારડીવાલાને પાણીચું આપવાની અરજી રાજ્યસભામાં સુપરત કરવામાં આવી હતી. આ અરજી પર કાર્યવાહી થાય તે પહેલાં જસ્ટિસ પારડીવાલા પોતાની ટિપ્પણી રેકોર્ડ પરથી ભૂંસી નાખવા સંમત થઈ ગયા હતા.

વર્તમાનમાં ન્યાયતંત્ર જ્યારે સ્વતંત્ર હોવાની છાપ ગુમાવી રહ્યું છે ત્યારે સુપ્રિમ કોર્ટમાં અને હાઈ કોર્ટમાં જસ્ટિસ પારડીવાલા જેવા તેજસ્વી, વિચારક અને સ્વતંત્ર મિજાજના ન્યાયાધીશોની તાતી જરૂર છે. જસ્ટિસ પારડીવાલાને સુપ્રિમ કોર્ટમાં બઢતી આપવામાં આવી અને સરકાર દ્વારા તેનો વિરોધ ન કરવામાં આવ્યો તે પણ ભારતની લોકશાહી માટે સારા સમાચાર છે. સરકાર કદાચ વિચારતી હશે કે તેઓ ભારતના ચીફ જસ્ટિસ બને ત્યારે ક્યાં આપણી સત્તા હોવાની ગેરન્ટી છે?
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાને છે.

Most Popular

To Top