SURAT

લિફ્ટમાં હાથ આવી જતા કાપવો પડ્યો છતાં સુરતના યુવાને સ્વિમિંગમાં અનેક મેડલો જીત્યા

સુરત: કહે છે કે મન હોય તો માળવે જવાય અને જો તેને સુરત(Surat)ના સંદર્ભમાં કહેવી હોય તો એવું કહી શકાય કે એક હાથથી પણ સ્વિમિંગ(Swimming) સ્પર્ધા(Competition)માં ભાગ લઈને મેડલો(Medals) જીતી શકાય. જે સિદ્ધી મેળવવામાં બે હાથ ધરાવતા લોકો થાકી જાય તેવી સિદ્ધી નાનપુરાના 27 વર્ષિય જેનિશ સારંગે એક જ હાથથી મેળવી છે. જેનિશે 14 વર્ષની ઉંમરે અકસ્માતમાં એક હાથ ગુમાવી દીધો હતો. પરંતુ હાથ ગુમાવવા છતાં પણ જેનિશે પોતાની ઈચ્છાશક્તિને મારી નથી. ઉપરથી આ નબળાઈને જેનિશે પોતાની તાકાત બનાવીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્વિમિંગ કોમ્પિટિશનમાં અનેક મેડલ જીત્યા છે.

  • લિફ્ટમાં હાથ આવી જતાં કપાઈ ગયો છતાં સુરતના જેનિશે સ્વિમિંગ કોમ્પિટિશનોમાં મેડલો જીત્યા!
  • નાનપુરામાં જેનિશે સ્વિમિંગમાં જ કેરિયર બનાવવાનું નક્કી કરી મેડલો જીતવા માંડ્યા પરંતુ અકસ્માતે તેનો એક હાથ લઈ લીધો
  • એક હાથ હોવા છતાં પણ જેનિશ હિંમત હાર્યો નહીં અને ત્યારબાદ પણ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાઓ જીતી

પ્રેરણાના એક દ્રષ્ટાંતરૂપ યુવાન જેનિશ કાંતીભાઈ સાંરગે જણાવ્યું હતું કે, તેના પિતા માછીમારીનો વ્યવસાય કરે છે. તેથી નદી- દરિયામાં જવાનું થતું હોવાથી તેને સ્વિમિંગ પહેલાથી આવડતું હતું. જેને કારણે બાદમાં સ્વિમિંગમાં જ આગળ વધવાનું નક્કી કર્યું હતું. સ્વિમિંગ ખુબ જ ઝડપી કરતો હોવાથી તેણે સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું. એક પછી એક 5 મેડલ પણ મળ્યા. જોકે, કુદરત જાણે તેની કસોટી કરવા માંગતી હોય તેમ 2009માં સ્કુલમાં લિફ્ટમાં હાથ આવી જતા ડાબો હાથ કાપવો પડ્યો હતો.

કહે છે કે મન હોય તો માળવે જવાય પરંતુ જેનિશે બતાવ્યું કે એક હાથથી દરિયો પણ ખેડી શકાય
પોતાનો એક હાથ કપાઈ જતાં આગળ કેવી રીતે વધવું તેની ચિંતા જેનિશને થવા માંડી હતી. કારણ કે હાથ વગર કોઈ પણ કામ કરવું શક્ય નહતું. પરંતુ જેનિશનું લક્ષ્ય પહેલાથી જ સ્વિમિંગમાં આગળ વધવાનું હોવાથી તેનામાં જ તેણે પ્રયાસ કર્યા. એક હાથે સ્વિમિંગની પ્રેક્ટિસ કરી અને બાદમાં સ્થાનિક સ્તરે, જિલ્લા અને પછી રાજ્ય છેલ્લે રાષ્ટ્રીય સ્તરે સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો. ત્યારની ઘડી અને આજનો દી’ જેનિશે 2013 બાદથી રાજ્યથી લઈને રાષ્ટ્રીય સ્તર સ્તર સુધીના 20થી વધુ મેડલ જીત્યા છે. હવે તેનું આગામી લક્ષ્ય 2023માં ચીનમાં યોજાનાર એશિયન ગેમ્સ પર છે. જેનિશે વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે એશિયન ગેમ્સમાં મેળવીને જ રહેશે. જેનિશનું આગામી દિવસોમાં રોટરેક્ટ ક્લબ દ્વારા યુવા પ્રેરણામૂર્તિ એવોર્ડ આપીને સન્માન પણ કરવામાં આવનાર છે.

જેનિશ હાલ સ્વિમિંગ કોચ તરીકે પણ આપે છે સેવા
જેનિશને એક હાથ ન હોવા છતાં તે બે હાથવાળાઓને તરતાં શીખવાડે છે. ઘોડદોડ રોડ વિસ્તારમાં એક સંસ્થામાં જેનિશ સ્વિમિંગ કોચ તરીકે છેલ્લા 4 મહિનાથી સેવા આપે છે. બે હાથવાળા થાકી જાય ત્યાં જેનિશ એક હાથથી તેમને તરીને બતાવે છે અને સ્વિમિંગ કેવી રીતે કરી શકાય તે બતાવે છે.

Most Popular

To Top