Comments

રોજગારીનો ‘અગ્નિપથ’ પુરો થશે ખરો?

10 લાખ રોજગારીના સર્જન માટે વડાપ્રધાનશ્રીના સૂચન પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની વિવિધ એજન્સીઓ કામે લાગી છે. જેમા સંરક્ષણ ક્ષેત્રે સૈનિકોની ભરતી થવાની છે અને નવી યોજના મુજબ થવાની છે. જેનું નામ છે -‘અગ્નિપથ!’ સૈન્યની ત્રણેય પાંખમાં 18 થી 21 વર્ષની ઉંમરના યુવાનોની ભરતી થશે. તેમને લશ્કરી ટ્રેનિંગ અપાશે. તેમને લશ્કરમાં 4 વર્ષ માટે ભરતી કરાશે. જ્યાં 30 હજારથી 50 હજાર વચ્ચે માસિક પગાર મળશે. 4 વર્ષ પછી તેમને એક ઉચ્ચક રકમ આપવામાં આવશે અને લશ્કરમાંથી નિવૃત્ત થશે. જ્યાં પેન્શન ગ્રેજ્યુએટીના લાભ નહીં હોય! હા, કુલ ભરતી કરાયેલા યુવાનોમાંથી 25 %ને લશ્કરમાં કાયમી કરી શકાશે પણ તે તેમના દેખાવ આધારીત હશે!

સરકારનું કહેવું છે કે યુવાનોને ‘અગ્નિપથ’ યોજનાથી દેશ માટે કામ કરવાનો મોકો મળશે. 30થી 40 હજાર પગાર મળશે. 4 વર્ષ બાદ તેઓ પોતાની મનગમતી નોકરી કરી શકાશે. લશ્કરને સતત 18 થી 21 વર્ષના નવા – નવા યુવાનો મળતા રહેશે. સરકાર પર ઊંચા પગાર, પેન્શન, ગ્રેજ્યુએટીના ખર્ચનો ભાર નહીં પડે અને ભરતી થયેલા યુવાનોમાંથી યોગ્ય પ્રદર્શનના આધારે 25 % કાયમી થઇ શકશે. એટલે લશ્કરને પણ યુવા સૈનિકો – તાલીમી સૈનિકો મળતાં જ રહેશે! લશ્કરમાં 4 વર્ષના કોન્ટ્રાકટ માટે ‘સૈનિક’ની ભરતી કરવાની યોજના નવી છે પણ શિક્ષણ, વહીવટ, વાહનવ્યવહાર આ બધામાં તો કયારની છે જ. સારુ છે કે સરકાર યુવાનો સાથે સીધો કોન્ટ્રાકટ કરવાની છે. બાકી શિક્ષણ, આરોગ્ય, વહીવટમાં તો સીધા કોન્ટ્રાકટ જ થાય છે. કોન્ટ્રાકટર યુવાનોને મોકલી આપે છે.

દેશમાં બેરોજગારી ખૂબ મોટો પ્રશ્ન છે. વર્તમાન સત્તાપક્ષ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે રોજગારી – મોંઘવારી – ભ્રષ્ટાચાર મુદ્દે તે ખૂબ આક્રમક હતો. અત્યારે નબળો વિપક્ષ તો બહુ બોલતો નથી પણ પ્રજાનો એક વર્ગ જ હવે નેતાઓના જુના ભાષણોના વિડીયો યાદ અપાવવા ફરી ચલાવી રહ્યો છે. સોશિયલ મિડિયામાં યુવાનો પ્રશ્ન કરી રહ્યા છે. મોંઘવારી, બેકારી મુદ્દે નેતાઓ ટ્રોલ થઇ રહ્યા છે અને ચૂંટણી આવી રહી છે. માટે અધિકારીઓએ તોડ કાઢયો છે. તાત્કાલિક, ટૂંકા ગાળાની રોજગારી સર્જવાનો. શિક્ષણ, આરોગ્ય, વહીવટમાં તો સીધા 11 મહિનાના કોન્ટ્રાકટથી ભરતી થાય છે. ફિકસ પગાર અપાય છે. જે હવે સિકયુરીટી સેવામાં જ ને! તો ત્યાં એને પગાર શું મળશે? 10 – 12 હજાર?

અત્યારે દેશમાં મોટા ઉદ્યોગગૃહો, સેલિબ્રિટીસ, ક્રિકેટરો સૌના સિકયુરીટી ગાર્ડનો પગાર 30 હજારથી 50 હજાર હોય છે, ત્યારે દેશની સુરક્ષા કરવા આવનારને સરકાર માત્ર 30 હજાર કે 40 હજાર આવશે? ભારતનો સંરક્ષણખર્ચ 4 લાખ કરોડે પહોંચવા આવ્યો છે પણ આ ખર્ચ શસ્ત્રો પાછળ થવાનો છે. સૈનિકો તો ફીકસ પગારવાળા જ ને! યાદ રાખીએ કે ગમે તેટલા આધુનિક હથિયારો હોય, ટેકનોલોજી હોય, સાધનોનો ઢગલો હોય પણ જાંબાજ સૈનિકો ન હોય તો તે કોઇ કામના નહીં! રશિયા – યુક્રેનના યુદ્ધમાં આ સાબિત થયું કે દેશ માટે લડવાવાળા સૈનિકોને મહાસત્તા પણ ડગાવી શકતી નથી. શું આ દેશદાજ ‘ફીકસ’ કોન્ટ્રાકટવાળા સૈનિકોમાં જોવા મળશે?

જ્યારથી દેશમાં ખાનગીકરણ – ઉદારીકરણ આવ્યું છે, ત્યારથી કરકસરના નામે રોજગારી પર કાતર ફરે છે. સરકારને બધે ખર્ચ કરવો ગમે છે પણ પગાર અને પેન્શન બોજારૂપ લાગે છે. આજે લશ્કરમાં પણ ‘ફીકસ પગાર અને કોન્ટ્રાકટ’ પ્રથા આવી છે, તે જ બતાવે છે કે અધિકારીઓ કઇ હદે નેતાઓને સમજાવી શકે છે! પણ કેન્દ્ર સરકારને આપણી નમ્ર વિનંતી છે કે આ યોજનાનો પુર્નવિચાર કરે. લાખો કરોડો યુવાનોને તેમની યુવાનીમાં નોકરી આપવી અને 4 – 5 વર્ષ પછી છૂટા કરી દેવા એ બેકારી દૂર કરવાનો કાયમી ઉપાય નથી. ઉલ્ટાનું આવનારા સમયમાં આ સમસ્યા વધારે ગંભીર બનશે. વળી આ બધા યુવાની ખોઇ ચૂકેલા હશે. આમ પણ ‘યુવાનોનો દેશ હવે ઘરડાઓનો દેશ’ બનવા તરફ આગળ વધી રહ્યો છે. જે બેફાર હશે, આવક વિહીન હશે. માટે થિંગડા મારવાનું બંધ કરી, તમામ ક્ષેત્રોમાં લાંબાગાળાની રોજગારી સર્જાય તેવું વિચારો.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top