Dakshin Gujarat

વલસાડમાં રેતી ખનનથી કાંઠા વિસ્તારના ગામો પર આ જોખમ

વલસાડ : વલસાડના (Valsad) કાંઠા વિસ્તારના દાંતી, કકવાડી, દાંડી, ભાગલ, ધોલાઇ, ધારાસણા, છરવાડા ગામમાં દરિયો (Sea) આગળ વધી રહ્યો છે. જેના કારણે ગામની મોટી જમીન દરિયામાં ગરકાવ થઇ જવાની દહેશત પ્રવર્તી રહી છે. જેનું મુખ્ય કારણ આડેધડ ચાલી રહેલી અંબિકા નદીના (Ambika River) પટમાં રેતી ખનનની (Sand mining) પ્રવૃત્તિ હોવાના કારણે આ વિસ્તારમાં રેતી ખનનની તમામ પરવાનગી રદ કરવા માટે કાંઠા વિસ્તારના ગામોના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું હતુ.

  • રેતી ખનનના કારણે દાંતી ગામની 400 હેક્ટર જમીન દરિયામાં ગરકાવ થઇ ગઇ
  • દાંતી, કકવાડી, દાંડી, ભાગલ ગામના લોકોની રેતી ખનન વિરોધમાં જંગી રેલી
  • અંબિકા નદીના પટ વિસ્તારમાં રેતી ખનનથી વલસાડના કાંઠા વિસ્તારના ગામોના અસ્તિત્વ સામે સવાલ

વલસાડમાં કાંઠા વિસ્તારના ગામોના લોકોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીમાં રેલી લઇ પહોંચ્યા હતા. તેમણે જિલ્લા કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, કાંઠા વિસ્તારના ગામોને નદી અને દરિયાઇ ધોવાણથી બચાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવાઇ છે, પરંતુ હવે આ પ્રોટેક્શન વોલ પણ તૂટવાના આરે છે. જેનું મુખ્ય કારણ ઔરંગા નદીના પટમાં થઇ રહેલા રેતી ખનનું છે. છેલ્લા 10 વર્ષથી ધોલાઇ બંદરથી લઇ દાંતી ગામ સુધીના અંબિકા નદીના પટમાં રેતી માફિયાઓ મોટા પ્રમાણમાં રેતીખનન કરી રહ્યા છે. જેનું માઠું પરિણામ આજે લોકો ભોગવી રહ્યા છે. ત્યારે આ વિસ્તારને કાયમી માટે રેતી ખનન પ્રતિબંધિત કરવા રજૂઆત કરી દેવાઇ છે.

મચ્છીમારીના વ્યવસાય પર પણ માઠી અસર
વલસાડ-નવસારી જિલ્લાના સરહદી વિસ્તારમાં અંદાજીત 200 થી 250 જેટલી મોટી બોટ દ્વારા સતત 24 કલાક રેતી ખનન થઇ રહ્યું છે. જેના કારણે અહીં મચ્છી પણ આવતી નથી. જેના કારણે અહીંના માછીમારોની હાલત પણ કફોડી બની છે. રેતી માફિયાઓ પોલીસ સાથે મળીને માછીમારોને ડોલનેટ અને ગ્રીન નેટ નાખવા દેતા નહી હોવાના આક્ષેપો પણ આવેદનપત્રમાં કરાયા હતા.

રેતીખનનથી રસ્તો બગડ્યો અને 10 થી વધુના જીવ ગયા
વલસાડના કાંઠા વિસ્તારમાંથી રોજની પસાર થતી ટ્રકો રસ્તા પર રેતી વેરતી જાય છે. જેના કારણે તેમજ મોટી ટ્રકોના ડ્રાઇવર દ્વારા આડેધડ ચલાવવાના કારણએ છેલ્લા થોડા વર્ષમાં 10 લોકોના જીવ રોડ અકસ્માતમાં ગયા છે. જે અંગે પણ અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી હતી.

ખાણખનિજ વિભાગની ભૂંડી ભૂમિકા
વલસાડમાં રેતીખનન બાદ રેતી લઇ જતી મહત્તમ ટ્રક ઓવરલોડ હોય છે. તેમના દ્વારા રોયલ્ટી ચોરીની વ્યાપક ફરિયાદ વખતો વખત થતી આવી છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા અહીંના લીઝ ધારકો વિરૂદ્ધ કોઇ પણ પ્રકારના પગલા ભરાતા જ નથી. તેમના દ્વારા નિયમનું પાલન નહી કરનારા લીઝ ધારકો કે ટ્રક ચાલકો સામે કોઇ નક્કર પગલાં નહીં ભરાતા આ પરિસ્થિતિ થઇ છે.

Most Popular

To Top