Editorial

દેશના લોકોને મળતા ભોજનની ગુણવત્તાની સ્થિતિ ખૂબ નિરાશાજનક છે

દેશની ઘણી આર્થિક પ્રગતિ થઇ છે અને લોકોનું જીવન ધોરણ ખૂબ સુધર્યું છે એવો આપણી સરકારનો દાવો છે પરંતુ આ દાવા સામે મોટો પ્રશ્નાર્થ ઉમો કરે તેવો એક અહેવાલ તાજેતરમાં બહાર આવ્યો છે. પ્રતિષ્ઠિત ‘ડાઉન ટુ અર્થ’  મેગેઝીનમાં પ્રકાશિત થયેલો આ અહેવાલ જણાવે છે કે ભારતના સિત્તેર  ટકા કરતા વધુ લોકોને આરોગ્યપ્રદ ભોજન લેવાનું આર્થિક કારણોસર પરવડતું નથી અને તેમણે થોડી નબળી ગુણવત્તાના ખોરાકથી કામ ચલાવી લેવુ઼ં પડે છે. 

લોકોનું જીવન ધોરણ સુધર્યું હોવાનો સરકારનો દાવો સાવ નકારી શકાય તેવો તો નથી પરંતુ એ પણ એક કઠોર વાસ્તવિકતા છે કે દેશના એક ઘણા મોટા વર્ગને મોંઘવારી અને તેની સામે પ્રમાણમાં ઓછી આવકને કારણે ભોજનની  ચીજવસ્તુઓની ખરીદીમાં પણ કરકસર કરવી પડે છે અને પરિણામે તેઓ પુરતું આરોગ્યપ્રદ ભોજન લઇ શકતા નથી. આ અહેવાલ જાણ્યા વિના પણ આપણે આપણી આજુબાજુના ઘણા લોકોનું બારીકાઇથી નિરીક્ષણ કરીએ તો સમજી  શકાશે કે ઘણા લોકોને ગુણવત્તાયુક્ત ખોરાકની બાબતમાં બાંધછોડ કરવી પડે છે. જો કે તેમાં આર્થિક ઉપરાંત અન્ય કારણો પણ થોડા અંશે જવાબદાર છે તે પણ એક વાસ્તવિકતા છે.

એકોતેર ટકા ભારતીયોને આરોગ્યપ્રદ ભોજન લેવાનું પરવડતું નથી અને દર વર્ષે નબળી ગુણવત્તાના ભોજનને કારણે થતા રોગોને કારણે ૧૭ લાખ જેટલા ભારતીયોના મોત થાય છે એ મુજબ સેન્ટર ફોર સાયન્સ એન્ડ  એન્વાયર્મેન્ટ(સીએસઇ) અને ડાઉન ટુ અર્થ મેગેઝીન દ્વારા જારી કરવામાં આવેલો એક અહેવાલ જણાવે છે. ભોજનના જોખમી પરિબળોને કારણે થતા રોગો જેમને ગણવામાં આવે છે તેમાં શ્વસનની બિમારીઓ, ડાયાબિટિશ, કેન્સર,  સ્ટ્રોક્સ અને કોરોનારી હાર્ટ રોગોનો સમાવેશ થાય છે એમ સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ ૨૦૨૨: ઇન ફિગર્સ નામનો આ અહેવાલ જણાવે છે.

આ અહેવાલમાં ફળો, શાકભાજી, આખું અનાજના ઓછા ઉપયોગ અને પ્રોસેસ કરેલા  માંસ, લાલ માંસ અને શર્કરા યુક્ત પીણાઓના વધુ પડતા ઉપયોગનો સંદર્ભ આપવામાં આવ્યો છે. ૭૧ ટકા ભારતીયો આરોગ્યપ્રદ ભોજન લઇ શકતા નથી, જ્યારે વિશ્વભરમાં આવું ભોજન નહીં લઇ શકતા લોકોની સરેરાશ ૪૨ ટકા છે  એમ આ અહેવાલે ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ, ૨૦૨૧ને ટાંકીને જણાવ્યું હતું. આના પરથી એ બાબત પણ સમજી શકાય છે કે આરોગ્યપ્રદ ભોજન નહીં લઇ શકનારા લોકોની વૈશ્વિક સરેરાશ કરતા ભારતમાં આવા લોકોનું પ્રમાણ ઘણુ જ  વધારે છે.

સરેરાશ ભારતીયના ભોજનમાં ફળો, શાકભાજી, દાણા, આખા અનાજ વગેરેનું પ્રમાણ ઓછું છે જયારે માછલી, ડેરી પેદાશો અને લાલ માંસનો વપરાશ લક્ષ્યની અંદર છે એમ આ અહેવાલ જણાવે છે. છેલ્લા કેટલાક સમયમાં  ખોરાકી ચીજવસ્તુઓના ભાવો ખૂબ વધ્યા છે. ખાસ કરીને દેશમાં ફળફળાદીના ભાવ તો એટલા વધ્યા છે કે ગરીબોને તો શું નીચલા મધ્યમ વર્ગના લોકોને પણ રોજીંદા ભોજનમાં કોઇક ફળ લેવાનુ પોષાય તેમ નથી.

આરોગ્યપ્રદ ખોરાક કોઇને માટે પોષાય તેવો નથી એવું ત્યારે કહેવામાં આવે છે જ્યારે તે ખોરાકની કિંમત તે વ્યક્તિની આવકના ૬૩ ટકા કરતા વધી જાય છે એમ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન જણાવે છે. ભારતીયોમાં ૨૦ વર્ષ  કે તેથી વધુ વયના પુખ્ત વયના લોકો દરરોજના સરેરાશ માત્ર ૩૫.૮ ગ્રામ ફળો લઇ શકે છે જેની સામે ભલામણ પ્રતિ દિન ૨૦૦ ગ્રામની છે અને શાકભાજીની દરરોજની ૩૦૦ ગ્રામની ભલામણ સામે ભારતીયો માત્ર ૧૬૮.૭ ગ્રામ  શાકભાજી લઇ શકે છે. કેટલીક પ્રગતિ છતાં ભારતીયોમાં ભોજન વધુ આરોગ્યપ્રદ બન્યું નથી એમ આ અહેવાલ જણાવે છે.

જો કે આપણે અગાઉ જ જોયું તેમ આરોગ્યપ્રદ ભોજન પુરતા પ્રમાણમાં નહીં લેવા પાછળ આર્થિક ઉપરાંત બીજા  પણ કારણો હોઇ શકે છે. એક તો લોકોની ખાવા પીવાની ખોટી ટેવો પણ તેમને પુરતા પ્રમાણમાં આરોગ્યપ્રદ ખોરાક લેતા રોકે છે અને બીજું કે આપણા દેશમાં ખોરાકી ચીજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ પણ વ્યાપક છે અને વળી કેમિકલથી  પકવવામાં આવતા ફળો, નબળી રીતે સાચવવામાં આવતી ખાદ્ય વસ્તુઓ વગેરે કારણોસર પણ લોકોના ખોરાકની ગુણવત્તા બગડે છે. દેશના લોકોની સુખાકારી વધારવી હોય તો સરકારે લોકોને મળતા ભોજનની ગુણવત્તા સુધરે તે  બાબત પર ધ્યાન આપવું જ જોઇએ.

Most Popular

To Top