National

દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 12 હજારથી વધુ કેસ

નવી દિલ્હી: ભારત(India)માં 111 દિવસ બાદ એક જ દિવસમાં કોરોના(Corona) વાયરસ(Virus) ચેપના નવા 12,213 કેસ નોંધાયા છે. જે દૈનિક કેસોમાં 38.4 ટકાનો ઉછાળો છે. નવા કેસના વધારા સાથે દેશમાં કોવિડ-19 કેસની કુલ સંખ્યા વધીને 4,32,57,730 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ વધીને 58,215 થયા છે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ જણાવ્યું હતું.

  • ભારતમાં 111 દિવસ બાદ કોરોનાના દૈનિક કેસ 12,000થી વધુ
  • દૈનિક કેસોમાં 38.4%નો ઉછાળો, વધુ 11નાં મોત

આરોગ્ય મંત્રાલયના અપડેટ ડેટા મુજબ, દેશમાં કોરોનાના કારણે વધુ 11 લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 5,24,803 પર પહોંચી ગયો છે. નવા 11 લોકોનાં મોતમાં કેરળના 3, મહારાષ્ટ્રના 2, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં 1-1નો સમાવેશ થાય છે.

દેશના 195.67 કરોડ લોકો ફુલ્લી વેક્સીનેટેડ
મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં સક્રિય કોવિડ-19 કેસ લોડમાં 4,578 કેસનો વધારો નોંધાયો છે. સક્રિય કેસોમાં કુલ ચેપના 0.13 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.65 ટકા નોંધવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દૈનિક પોઝિટિવિટી દર 2.35 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી દર 2.38 ટકા નોંધવામાં આવ્યો છે. આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,26,74,712 થઈ ગઈ છે. જ્યારે આ કેસમાં મૃત્યુદર 1.21 ટકા નોંધવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રવ્પાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલ સંચિત ડોઝની સંખ્યા 195.67 કરોડને વટાવી ગઈ છે.

મહારાષ્ટ્રમાં 4 મહિનામાં સૌથી વધુ 4,255 કોવિડ-19 કેસ
મહારાષ્ટ્રમાં 4,255 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, જે 12 ફેબ્રુઆરી પછી સૌથી વધુ દૈનિક કેસ છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને 20,000ના આંકને વટાવી ગઈ છે. તેમ જ કોરોનાના કારણે રાજ્યમાં ત્રણ દર્દીઓનાં મોત થયાં હતાં. એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના કોરોનાવાયરસના આંકડા

  • કુલ કેસ: 79,23,697
  • તાજા કેસ: 4,255
  • મૃત્યુઆંક: 1,47,880
  • પુનઃપ્રાપ્તિ: 77,55,183
  • સક્રિય કેસ: 20,634
  • કુલ પરીક્ષણો: 8,14,72,916.

રાજ્યના આરોગ્ય વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, આ વધારા સાથે રાજ્યની એકંદર કોવિડ-19 સંખ્યા વધીને 79,23,697 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 1,47,880 થઈ ગયો છે. એક દિવસ પહેલા રાજ્યમાં 4,024 નવા કેસ નોંધાયા હતા અને ચેપથી જોડાયેલા બે મૃત્યુ થયા હતા. 4,255ની તાજી સંખ્યા 12 ફેબ્રુઆરી બાદ સૌથી વધુ હતી, જ્યારે રાજ્યમાં 4,359 કોવિડ-19 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના રિકવરી રેટ 97.87 ટકા રહ્યો છે. રાજ્યમાં નંદુરબાર એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં હાલમાં સક્રિય કેસ નથી. બુલેટિનમાં જણાવ્યા મુજબ, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 2,366 નવા કોવિડ-19 કેસ નોંધાવા સાથે બે વ્યક્તિના મૃત્યુ થયા છે, જ્યારે રાયગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં શ્વસન સંબંધી બીમારીના કારણે ત્રીજું મૃત્યુ નોંધાયું છે. રાજ્યમાં કેસ મૃત્યુ દર 1.86 ટકા હતો.

Most Popular

To Top