National

જમ્મુ અને કાશ્મીર: હેમંત લોહિયા હત્યા કેસમાં કોઈ આતંકી પાસું સામે આવ્યું નથી, પોલીસનો દાવો

જમ્મુ: (Jammu) જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત કુમાર લોહિયાની હત્યાની (Murder) તપાસ દરમિયાન કોઈ આતંકવાદી (Terrorism) પાસું સામે આવ્યું નથી. પોલીસે બુધવારે આ જાણકારી આપી. જમ્મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) મુકેશ સિંહે જણાવ્યું હતું કે આરોપીની પૂછપરછ ચાલુ છે અને જમીન સ્તરની તપાસ દ્વારા તેના ખુલાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.

વર્ષ 1992 બેચના IPS અધિકારી 52 વર્ષીય લોહિયા સોમવારે મોડી રાત્રે શહેરના બહારના ભાગમાં આવેલા તેમના ઉદઇવાલા નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેનું ગળું ચીરી નાખ્યું હતું અને શરીર પર દાઝવાના નિશાન હતા. લોહિયાની હત્યાના સંબંધમાં તેમના ઘરેલુ નોકર યાસિર લોહાર (23 )ની મંગળવારે કાન્હાચક વિસ્તારના એક ખેતરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

એડીજીપીએ એક નિવેદનમાં કહ્યું કે લોહિયાની હત્યા કેસની તપાસ દરમિયાન કોઈ આતંકવાદી પાસું સામે આવ્યું નથી. આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને જમીની સ્તરની તપાસ દ્વારા તેના ખુલાસાની ચકાસણી કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ પછી લોહિયાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અંતિમ સંસ્કાર પહેલા અહીં જિલ્લા પોલીસ લાઇન ખાતે પુષ્પાંજલિ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન રાજ્યમાં એક મોટા અધિકારીની હત્યા કરવામાં આવી છે.

બીજી તરફ આ મામલે આતંકવાદી જૂથ પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ લોહિયાની હત્યાની જવાબદારી સ્વીકારી છે. જો કે મંગળવારે ગુના સ્થળની મુલાકાત લેનાર પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે આ આતંકવાદી જૂથો નિર્લજ્જતાથી દરેક મોત અને કોઈપણ વસ્તુની જવાબદારી પોતે લઈ લે છે.

Most Popular

To Top