Entertainment

પૂજા શું એકતાની ફેવરીટ છે?

ટી.વી. ક્ષેત્રે સહુથી વધારે કળાકારો કોઇએ આપ્યા હોય તો તે એકતા કપૂરે. મુંબઇ આવતા કળાકારો એકતા કપૂરનું સરનામું લઇને આવે છે. એકતા એ રીતે સિરીયલ બનાવે છે કે દર વખતે કોઇ નહીં તો કોઇ ટી.વી. સ્ટાર બની જ જાય છે. તો એવી એક સ્ટાર છે પૂજા બેનરજી. સંદીપ સેજવાલ સાથે પાંચેક વર્ષ પહેલાંપરણી પછી હવે તે બે અટકવાળી થઇ છે. પૂજા બેનરજી સેજવાલ. આ પૂજાએ એમ ટી.વી. રોડીઝની એક સ્પર્ધક તરીકે શરૂઆત કરેલીઅ ને પછી ‘એક દૂસરે સે કરતે હે પ્યાર હમ’ ટી.વી. સિરીયલની તેજલ મઝુમદાર તરીકે તેણે સેંકડો ટી.વી. કળાકારો વચ્ચે પગ મુકયો. પછી ‘ધ એડવેન્ચર્સ ઓફ હાતિમ’માં તે પેરીઝાદ તરીકે આવી. તે એ રીતે સફળ થતી રહી કે 2012 પછી કોઇ વર્ષ ખાલી નથી ગયું.

દર વખતે તે મુખ્ય ભૂમિકામાં નહોતી પણ ટી.વી. સિરીયલોમાં એકાધિક પાત્રો હોય છે. પણ ચેનલ વી પર ‘સ્વીમ ટીમ’ આવી હતી તેમાં તેને રેવા માથુરની મુખ્ય ભૂમિકા મળેલી કારણ તેમાં તે સ્વિમીંગ બ્યુટી તરીકે હતી. તેમાં તે સ્વિમસૂટમાં દેખાતી પણ સ્વીમર તરીકે. તે સોશ્યલ સિરીયલોની સાથે ફેન્ટસી સિરીયલોમાં પણ આવતી રહે છે એટલે એકવાર પેરીઝાદ બન્યા પછી ‘નાગાર્જુન-એક યોધ્ધા’માં તે નૂરી શાસ્ત્રી બનેલી. એ સિરીયલના એક સાઉન્ડ ટ્રેકને ઝુબીન નોટિયાલ અને શંકર મહાદેવને ગાયેલો. આ શો રોબીન ભટ્ટ અને આકાશ ખુરાનાએ લખ્યો હતો. બે ફેન્ટસી સિરીયલો પછી જાણે તેનો ટ્રેડમાર્ક બની ગયો હોય તેમ ‘ચંદ્રનંદિની આવી. એ એકતા કપૂરની સિરીયલ હતી જે ચંદ્રગુપ્ત મૌર્યના જીવન પર આધારીત હતી. પછી વળી એકતા કપૂરે તેને ‘ચંદ્રકાંતા’માં સૂર્યકાંતાની ભૂમિકા આપી. સમજો કે એકતા માટે તે કાયમી બનવા માંડી.

તેણે ‘દિલ હી તો હૈ’ બનાવી તો તેમાં આરોહીની ભૂમિકા મળી. પૂજાનું એવું છે કે કોઇ બેનર પર ભરોસો કરે તો પછી કોઇ ડિમાંડ વિના કામ કરે અને તેના પરિણામ પણ તેને મળે છે. એકતાએ જ તેને ‘કસૌટી ઝિંદગી કી’ નિવેદીતા બસુની ભૂમિકા આપી ને પછી વળી એજ એકતાની બહુ જાણીતી ‘કુમ કુમ ભાગ્ય’માં તે રિયા મહેરા બની. આ સિરીયલની લોકપ્રિયતાથી તે ખુશ છે. સંદીપ સેજપાલ એક પ્રોફેશનલ ઇન્ડિયન સ્વિમર છે અને તેને તેણે પતિ તરીકે પસંદ કર્યો છે. સંદીપ ઓલીમ્પિકસ 2008માં અને પછી બે વાર એશીયન ગેમ્સમાં ભાગ લઇ ચુકયો છે અને કેટલક મેડલ મેળવી ચુકયો છે.

‘સ્વીમ ટીમ’ની રેવા માથુર માટે પૂજા પર્ફેકટ પસંદગી હતી. પૂજાને ફિલ્મો નથી મળી પણ ત્રણેક વેબ સિરીઝમાં આવી ચુકી છે તેમાં એક તો ‘ધ કેસિનો’ છે. પૂજાની વધુ એક સફળ સિરીયલમાં જો કે ‘વિક્રમ બેતાલ કી રહસ્ય ગાથા’ પણ કહી શકો જેમાં તેણે રાજકુમારી સોનપ્રભાની ભૂમિકા ભજવેલી. પૂજાને સ્પર્ધક તરીકે શોમાં ભાગ લેવું હજુય ગમે છે કારણ કે તેમાંય બીજા અર્થમાં ‘સ્પર્ધક’ની ભૂમિકા જ ભજવવાની હોય છે. મૂળ તે ખેલાડી મિજાજની છે. કોઇને નવાઇ લાગશે પણ તેને બાઇક ચલાવવાનું એવું જ પેશન છે. પણ તેનું ઓળખ એક બીજી પૂજા બેનરજી સાથે ય અથડાયા કરે છે. કારણ કે એ બીજી પૂજા પણ ટી.વી. અને ફિલ્મોમાં કામ કરે છે. એક જ સરખા નામ-અટક હોય તો કોઇ શું કરે?

Most Popular

To Top