World

યુદ્ધ રોકવા ઈરાને અમેરિકા સામે મૂકી 7 શરતો, હવે ટ્રમ્પના જવાબની રાહ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે તેહરાને વાટાઘાટો માટે અમેરિકાની સામે સાત શરતો મૂકી છે. ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહસિન રેઝાઈના જણાવ્યા અનુસાર, આ શરતો કતારના માધ્યમથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચાડવામાં આવી છે. હવે ઈરાન અમેરિકાના જવાબની રાહ જોઈ રહ્યું છે. રેઝાઈએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન વાટાઘાટો દ્વારા સંઘર્ષનો અંત લાવવા માંગે છે, પરંતુ પોતાની શરતો સાથે કોઈ સમાધાન કરવા તૈયાર નથી. તેમણે ચેતવણી આપી છે કે જો અમેરિકા આ શરતો સ્વીકારશે નહીં તો ઈરાન નિર્ણાયક યુદ્ધ માટે પણ તૈયાર છે. તેમના જણાવ્યા અનુસાર, અમેરિકાની ધમકીઓથી ઈરાનનું વલણ બદલાવાનું નથી.

જોકે, ઈરાને જાહેરમાં પોતાની સાતેય શરતોની સંપૂર્ણ વિગતો આપી નથી. રેઝાઈએ વાટાઘાટો ફરી શરૂ કરવા માટે ત્રણ મુખ્ય માંગણીઓ જાહેર કરી છે. તેમાં તમામ મોરચે યુદ્ધનો અંત લાવવો, ઈરાનના ફ્રીઝ કરવામાં આવેલા નાણાં મુક્ત કરવા અને અમેરિકાની નૌકાદળની નાકાબંધી દૂર કરવાનો સમાવેશ થાય છે. કતારે આ માંગણીઓ અમેરિકન પક્ષ સુધી પહોંચાડી હોવાનું ઈરાનનું કહેવું છે. આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી સૈન્ય સંઘર્ષ અને રાજદ્વારી પ્રયાસો બંને ચાલી રહ્યા છે. અગાઉ પાકિસ્તાનમાં થયેલી વાતચીત બાદ બંને પક્ષો વચ્ચે એક સમજૂતી માટે પ્રયાસ થયો હતો. જોકે, આ સમજૂતી બાદ બંને પક્ષોએ એકબીજા પર તેના ભંગના આરોપ લગાવ્યા હતા અને ઓગસ્ટમાં તેની મુદત પૂરી થઈ ગઈ હતી. ત્યારથી કતાર અને પાકિસ્તાન ફરીથી બંને દેશોને વાતચીતના ટેબલ પર લાવવાના પ્રયાસોમાં સામેલ છે.

ઈરાન તરફથી એક તરફ રાજદ્વારી રસ્તો ખુલ્લો રાખવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ સૈન્ય તૈયારી અંગે પણ કડક સંદેશ આપવામાં આવી રહ્યો છે. રેઝાઈએ કહ્યું છે કે અગાઉની લડાઈ બાદ ઈરાને પોતાની સૈન્ય રણનીતિમાં ફેરફાર કર્યો છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે ઈરાન અમેરિકાના હવાઈ હુમલાનો સામનો કરવા માટે પહેલાં કરતાં વધુ તૈયાર છે. તેમના જણાવ્યા અનુસાર, ઈરાનનું સૈન્ય આયોજન ખાસ કરીને ગલ્ફ, ગલ્ફ ઓફ ઓમાન અને અરબી સમુદ્રમાં રહેલા અમેરિકન નૌકાદળના સાધનો પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રેઝાઈએ વધુમાં દાવો કર્યો છે કે ઈરાને તાજેતરમાં એક અમેરિકન જહાજ અથવા એરક્રાફ્ટ કેરિયરની નજીક મલ્ટી-વોરહેડ એન્ટી-શિપ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. તેમણે એવી પણ ચેતવણી આપી છે કે જો અમેરિકાનો નવો હુમલો થાય તો ઈરાનનો જવાબ અમેરિકન સૈન્ય મથકો ઉપરાંત આ વિસ્તારમાં રહેલા અમેરિકન વ્યાપારી હિતો અને કંપનીઓ સુધી પહોંચી શકે છે.

આ દરમિયાન ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને પણ સ્થિતિ સંવેદનશીલ બની છે. રેઝાઈએ કહ્યું છે કે હાલ ઈરાને પરમાણુ અપ્રસાર સંધિ એટલે કે NPTમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો નથી. તેમણે એવો દાવો કર્યો છે કે ઈરાનની પરમાણુ નીતિમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, અમેરિકાની આગળની કાર્યવાહી અને દબાણના આધારે ભવિષ્યમાં સ્થિતિ બદલાઈ શકે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે. હોર્મુઝની સામુદ્રધુનીને લઈને પણ ઈરાન તરફથી સંકેત આપવામાં આવ્યો છે કે રાજદ્વારી ઉકેલની શક્યતા હજુ સંપૂર્ણપણે બંધ થઈ નથી. રેઝાઈના જણાવ્યા અનુસાર ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝને લઈને એક સમજૂતી અંગે અગાઉ ચર્ચા થઈ હતી અને તેનો માળખો હજુ પણ ઉપલબ્ધ છે. જોકે, તેને જાહેર કરવા માટે પ્રાદેશિક સમર્થનની જરૂર પડી શકે છે.

હાલની સ્થિતિમાં ઈરાન એકસાથે બે માર્ગો પર આગળ વધી રહ્યું છે. એક તરફ કતાર અને પાકિસ્તાન જેવા મધ્યસ્થી દેશો મારફતે અમેરિકાની સાથે વાતચીત ફરી શરૂ કરવાની કોશિશ થઈ રહી છે, તો બીજી તરફ તેહરાન સૈન્ય સંઘર્ષ વધુ વકરે તો તેના માટે તૈયાર હોવાનો સંદેશ આપી રહ્યું છે. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનની શરતો અંગે શું જવાબ આપે છે તેના પર આગામી રાજદ્વારી અને સૈન્ય ઘટનાક્રમ ઘણો આધાર રાખશે.

Most Popular

To Top