બે પૈકી એકની હાલત ગંભીર,હોસ્પિટલમાં સારવાર હેઠળ :
વીજ ઝટકાથી રોડ પર ખાડો પડ્યો, ભક્તોમાં ભયનો માહોલ છવાયો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.20
નંદાલય ધરમપુરાથી આત્મજ્યોત મંદિર, જુના ચાર રસ્તા સ્થિત રામદેવપીર મંદિરેથી નીકળેલી નેજાયાત્રામાં બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજેશ ટાવર કોમ્પ્લેક્ષ બહારથી પસાર થતી વખતે લોખંડની પાઇપ પર લગાવેલો નેજો 66 કે.વી. હાઈટેન્શન લાઈનને અડી જતા બે ભક્ત યુવાનો વીજ કરંટની ચપેટમાં આવી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, ભક્તોનો સંઘ રામદેવપીરના દર્શને જઈ રહ્યો હતો. નેજા લોખંડની પાઇપ ઉપર ફીટ કરેલા હોવાથી ઊંચાઈ વધુ હતી. રાજેશ ટાવર પાસે ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઈનનો સંપર્ક થતા જ જોરદાર કડાકા સાથે કરંટ લાગ્યો હતો. આ બનાવમાં પિયુષ અને અક્ષય નામના બે યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરી બંનેને ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં એકની હાલત અત્યંત નાજુક હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું. વીજ પ્રવાહનો ઝટકો એટલો તીવ્ર હતો કે ઘટનાસ્થળે રોડ પર જ 6 થી 7 ઈંચ ઊંડો ખાડો પડી ગયો હતો. ઘટનાની જાણ થતા હરણી પોલીસ, જેટકો કંપનીના અધિકારીઓ અને વિસ્તારના આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. જેટકો દ્વારા સલામતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી ડેમેજ પામેલી લાઈનનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરાયું હતું.