SURAT

સુરતના મોટા વરાછામાં દુબઈથી ઓનલાઈન રમાતા જુગારનું ઇન્ટરનેશનલ નેટવર્ક પકડાયું

સુરત(Surat): મોટા વરાછા (Varacha) ખાતે એમ્બ્રોઈડરી (Embroidery) કારખાનેદારની ઓફિસમાં દુબઇથી (Dubai) ઓનલાઇન રમતા જુગારના (Online Gambling) નેટવર્કનો અમરોલી પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે બે કારખાનેદાર સહિત છ ને ઝડપી પાડી કુલ 2.15 લાખનો મુદ્દામાલ કબજે કરી દુબઇથી જુગાર રમાડનાર બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછાના સુદામા ચોકના પ્લેટિનિયમ પોઇન્ટમાં ઇન્ટરનેશનલ જુગારધામ ઝડપાયું હતું. એમ્બ્રોઇડરીના કારખાનેદાર સંજય ઉર્ફે ગોપાલ વલ્લભ જાવીયા (ઉ.વ. 35 રહે. અભિષેક રેસીડન્સી, સુદામા ચોક, મોટા વરાછા) ની ઓફિસમાં બાતમીના આધારે અમરોલી પોલીસે દરોડા પાડ્યા હતા. ત્યાં પોલીસે પોલીસે તેના મિત્ર વિપુલ વલ્લભ કાઠરોટીયા (ઉ.વ. 45 રહે. ઓમ રેસીડન્સી, ખરસદ, તા. કામરેજ, જિ. સુરત) ઉપરાંત જુગાર રમવા આવનાર રત્નકલાકાર માલસુર નગભાઇ લુણી, જીગર ધીરૂભાઇ માલવીયા, જગદીશ પરસોત્તમ ગઢીયા અને જગદીશ પ્રાગજી ગોંડલીયાને ઝડપી પાડ્યા હતા. સંજય અને વિપુલ દુબઇમાં બેઠા બેઠા ઓનલાઇન તીનપત્તી, ફુટબોલ, કેસીનો, ડ્રેગન ફિશીંગ અને ક્રિકેટ જેવી રમત ઉપર જુગાર રમાડતા હતા. તેઓ ચિંતન પટેલ અને રમેશ જયેશભાઇ પાસેથી આઇડી-પાસવર્ડ મેળવી જુગાર રમાડતા હતા. પોલીસે ત્યાંથી રોકડ સહિત કુલ 2.15 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. અને દુબઇમાં બેઠા બેઠા ઓનલાઇન જુગાર રમાડનાર ચિંતન પટેલ અને રમેશ જયેશભાઇને વોન્ટેડ જાહેર કર્યા હતા.

શેરબજારમાં ટીપ્સ આપવાના બહાને 15.86 લાખની ઠગાઇ કરનાર મધ્યપ્રદેશથી પકડાયો
સુરત : શેરબજારમાં ટીપ્સ આપીને વધારે નફો કરવાનું કહીને અલગ અલગ ચાર્જના બહાને રૂા.15.86 લાખ સેરવી લેનાર ટોળકીને સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશથી પકડી પાડી હતી. પોલીસે ત્રણની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વરાછા હીરાબાગ પાસે પૂર્વી સોસાયટીમાં રહેતા કિશન કનુભાઇ સૂવાગીયા અંકલેશ્વરમાં અમલ લિમિટેડ કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેઓને અજાણ્યાએ ફોન કરીને શેરબજારની ટીપ્સ આપવા માટે કહ્યું હતું. શરૂઆતમાં અજાણ્યાઓએ આપેલી બે ટીપ્સમાં એકમાં નફો થયો હતો અને બીજામાં નુકસાન થયું હતું. દરમિયાન કિશને કંપનીમાં રજીસ્ટ્રેશન કરવાનું કહેતા શરૂઆતમાં અજાણ્યાઓએ 3 હજાર ત્યારબાદ અલગ અલગ ચાર્જીસના બહાને રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ તેઓએ દોઢ લાખની સર્વિસમાં સાડા ત્રણ લાખ રૂપિયા આપવાનું કહીને અલગ અલગ ચાર્જના નામે રૂા.15.86 લાખ પડાવી લીધા હતા. જે અંગે કિશને સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. દરમિયાન કિશનભાઇ ઉપર જે મોબાઇલથી ફોન આવ્યા હતા. તેનું લોકેશન મેળવીને સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશથી રાહુલ વાસુદેવ બોદડે, લોકેન્દ્ર તેજસીંગ રાજપુત તેમજ જિતેન રામપ્રસાદ આકોડેને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓના કોરોના રિપોર્ટ કરાવતા તે નેગેટિવ આવતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top