Gujarat

ગુજરાત ગૌરવ દિવસ-2026

સુરતના ડુમસ સી-ફેસે ભવ્ય ઉજવણી, વિકાસ માટે રૂ. 7.50 કરોડની ફાળવણી

સુરત શહેરના ડુમસ સી-ફેસ ખાતે ગુજરાત ગૌરવ દિવસ-2026ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી અંતર્ગત ‘ગૌરવવંતી ગુજરાત, વિરાસતથી વિકાસ’ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સુરત શહેર અને જિલ્લાના વિકાસકાર્યોને ગતિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુલ રૂ. 7.50 કરોડની ફાળવણી જાહેર કરી હતી. તેમાં સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર ડો. એમ. નાગરાજ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલને રૂ. 2.50-2.50 કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાતની વિકાસયાત્રાને બિરદાવતા જણાવ્યું હતું કે, એક સમય પાણી અને પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરનાર ગુજરાત આજે દેશનું અગ્રણી રાજ્ય બની ગયું. સુરતીઓની મહેનત અને પ્રતિભાને વખાણતા તેમણે જણાવ્યું કે સુરતીઓ જ્યાં જાય છે ત્યાં વિકાસની નવી ઓળખ ઉભી કરવાની ક્ષમતા ધરાવે છે. હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગથી સુરત વિશ્વસ્તરે ભારતનું ગૌરવ વધારી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ‘ગ્રોથ એન્જિન’ વિકાસનું ‘રોલ મોડલ’ બન્યું છે. સુરત આજે ઇન્ડસ્ટ્રીયલ સિટી સાથે-સાથે ગ્રીન, ક્લાયમેટ રેઝિલિઅન્ટ અને ફ્યુચર રેડી સિટી તરીકે આગળ વધી રહ્યું છે. શહેરે 100 ટકા ઇલેક્ટ્રિક બસો અને સર્ક્યુલર વોટર ઈકોનોમી મોડલ અપનાવી દેશને નવી દિશા બતાવી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતને દરેક ક્ષેત્રે નંબર-વન બનાવવા માટે નાગરિકોને ‘ટીમ ગુજરાત’ તરીકે જોડાવાનું આહ્વાન કર્યું હતું. તેમણે સ્વચ્છતા અંગે ખાસ ભાર મૂકતા જણાવ્યું કે જાહેર સ્થળોએ કચરો ન ફેંકવો અને કચરાપેટીનો ઉપયોગ કરવો દરેક નાગરિકની જવાબદારી છે.આ પ્રસંગે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને ‘ગુજરાત ગરિમા એવોર્ડ-2026’ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સુરત જિલ્લાના ગૌરવમાં વધારો કરનાર પદ્મશ્રી વિજેતાઓ અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડુમસ સી-ફેસ ખાતે યોજાયેલી લગભગ 50 મિનિટની મલ્ટી-મીડિયા સાંસ્કૃતિક મેગા ઇવેન્ટમાં 250થી વધુ કલાકારોએ સુરતના ભૂતકાળથી લઈને વર્તમાન વિકાસ સુધીની યાત્રા લાઈટ-સાઉન્ડ અને નાટ્યરૂપ રજૂઆત દ્વારા જીવંત બનાવી હતી, જેને નિહાળી સુરતવાસીઓ મંત્રમુગ્ધ બન્યા હતા.

Most Popular

To Top