Dakshin Gujarat

15 હજાર કિ.મી. દૂરથી સાત સમંદર પાર કરી ભરૂચ આવી મેક્સિકન કપલે હિન્દુ વિધિથી લગ્ન કર્યા

ભરૂચ: હિન્દુ સંસ્કૃતિમાં તહેવારોમાં ધુળેટીએ જ્યાં ભરૂચમાં લોકો રંગોમાં રંગાઈ રહ્યા હતા ત્યાં મેક્સિકન મિત્રોને ચઢી રહી હતી પીઠી. સાંજે લોકો પરિવાર સાથે ખાણી પીણીની રંગત માણતા હતા ત્યાં આ મેક્સિકન યુગલ મેહદીના રંગે રંગાઈ ગરબાની રમઝટમાં મસ્ત બની ગયું હતું. અને આખરે ગુરૂવારે સાંજ આવી ચઢી હતી જ્યાં શરણાઈના સુરો, વૈદિક મંત્રોચ્ચારો, અગ્નિની સાક્ષી, સપ્તપદીના સાત ફેરા અને ભરૂચના સિદ્ધિ વિનાયકના આશિષ વચ્ચે હિન્દૂ શસ્ત્રોક્ત મુજબ પેડ્રો અને એરિકા જીવનસંગી બની ગયા હતા.

  • I LOVE હિન્દૂ કલચર કહી પેડ્રો અને એરિકાએ ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિરે લગ્ન કર્યા
  • ૧૫ હજાર કિમી સાત સમુંદર પાર કરી વિદેશીઓના હિન્દુ શસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા
  • અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી રિદ્ધિ-સિદ્ધિના આશીર્વાદ મેળવી એકમેકના જીવનસાથી બની ગયા

ભારતીય સંસ્કૃતિ, રીતિરિવાજો વિદેશીઓને વધુ ઘેલા કરી રહ્યા છે. હિન્દુ સંસ્કૃતિથી અભિભૂત થઈ મેક્સિકન પેડ્રો અને એરિકાએ ૧૫ હજાર કિલોમીટરનું અંતર કાપી ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિરે હિન્દૂ વિધિથી પ્રભુતામા પગલાં પાડ્યા છે. રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદાનગરી , ડીસ્ટ્રીકટ ૩૦૬૦ રોટરી ઇન્ટરનેશનલના ટ્રેન્ડશીપ એકસચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મેકિસકોના ૧૧ રોટેરીયનો આપણા ગુજરાતની રોટરી કલબોની મુલાકાતે આવ્યા હતા.

મેક્સિકનોએ તા-૭મી માર્ચે સ્ટેચ્યું ઓફ યુનીટીના પ્રવાસ બાદ રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદાનગરીની મુલાકાત લઈ મહેમાનગતી માણી હતી. મેક્સિકનોએ ૩ દરમ્યાન કલબના મેમ્બરોના ઘરે રોકાણ કર્યુ હતું. બંને દેશોનું કલ્ચર તથા અન્ય રીત રસમોનું આદાન પ્રદાન કર્યુ હતું.

મેકિસકોની ટીમમાં એરીકા અને પેડ્રો કે જેઓ જુના મિત્ર હતા તેઓએ હિંન્દુ વિધિ પ્રમાણે લગ્નગ્રંથીથી જોડાવા વિઘિપુર્વકનું લગ્ન કરવા ઇચ્છા વ્યકત કરી હતી. નર્મદાનગરીના પ્રમુખ ધૃવ રાજાએ તેઓની ઇચ્છાને વાચા આપી મેક્સિકનના હિન્દૂ લગ્નનું આયોજન કર્યું હતું.

ધુળેટીની સવારે પેડ્રો અને એરિકાની પીઠી તો સાંજે મહેંદી સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. બઘા જ મેમ્બરોએ આનંદ ઉલ્લાસથી આ લગ્નમાં ઉજવણી કરી હતી. ગુરૂવારે આ મેક્સિકન યુગલના લગ્નનું આયોજન મકતમપુર સિદ્ધિ વિનાયક મંદિરે કરાયું હતું. જયાં તેઓના લગ્ન સંપૂર્ણ હિન્દુ ઘર્મ પ્રમાણે સંપન્ન થયા હતા.નવ દંપતીએ વિગ્નહર્તા ગણપતી બાપાની આરતી પણ ઉતારી હતી. આ પ્રસંગ બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક વિધિવિધાનના આદાન પ્રદાનનું પણ સાક્ષી બન્યું હતું.

લગ્નમાં રોટરી ડીસ્ટ્રીકટ ૩૦૬૦ના આવનારા ગર્વનરો નિહિર દવે, તુષાર શાહ તથા ભૂતપૂર્વ પ્રમુખ પરાગ શેઠની હાજરી વિશિષ્ટ હતી. નર્મદાનગરી ના સભ્યો પૂનમ શેઠ,મૌનેશ પટેલ, યેષા શેઠ, રમાકાંત અને શિલ્પા બહુરૂપી વિશેષ યોગદાન આપીને લગ્નને સફળ બનાવ્યો હતો.

Most Popular

To Top