ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પશ્ચિમ એશિયામાં સતત એરિયલ સ્ટ્રાઈક અને સૈન્ય ગતિવિધિઓ વચ્ચે ભારતીય નૌસેનાએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઓમાનની ખાડીમાં પોતાનું સ્ટીલ્થ ગાઇડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS સુરત તૈનાત કર્યું છે. આ વિસ્તાર વૈશ્વિક તેલ અને ગેસ સપ્લાય માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે, તેથી અહીં વધતા તણાવને લઈને સમગ્ર વિશ્વ ચિંતિત છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓ પછી પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. રિપોર્ટ્સ મુજબ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતું શિપિંગ લગભગ 90% સુધી પ્રભાવિત થયું છે, જેના કારણે ભારત સહિત અનેક એશિયન દેશોમાં તેલ પુરવઠા અંગે ચિંતાઓ ઊભી થઈ છે. આવી સ્થિતિમાં ભારતે સમુદ્રી વેપાર માર્ગોની સુરક્ષા અને સંભવિત કટોકટીમાં પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે INS સુરતને તૈનાત કર્યું છે. INS સુરત ભારતીય નૌસેનાનું અત્યાધુનિક સ્ટીલ્થ ગાઇડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે, જે જાન્યુઆરી 2025માં સેવામાં સામેલ થયું હતું. સ્વદેશી પ્રોજેક્ટ-15B હેઠળ બનેલું આ યુદ્ધ જહાજ ભારતના સૌથી આધુનિક વોરશિપમાં ગણાય છે. તેમાં લગભગ 75% સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે અને તે AI-ડ્રિવન સિસ્ટમથી સજ્જ છે, જેના કારણે દેખરેખ, વોર મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ ક્ષમતા ઘણી વધુ અસરકારક બને છે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની અસર હવે આંતરરાષ્ટ્રીય હવાઈ તેમ જ દરિયાઈ પરિવહન પર સ્પષ્ટ જોવા મળી રહી છે. ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરાઈ છે, જેના કારણે મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ત્યાં ફસાઈ ગયા છે. ભારત સરકાર આવા નાગરિકોને વિશેષ ફ્લાઈટ્સ દ્વારા દેશ પરત લાવવા પ્રયાસ કરી રહી છે. આ સાથે જ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને દરિયાઈ માર્ગે બચાવ અને સુરક્ષા કામગીરી માટે ભારતીય નૌસેનાને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય નૌસેનાનું આધુનિક ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS સુર હાલ ઓમાનની ખાડીમાં તૈનાત કરવામાં આવ્યું છે. જો પરિસ્થિતિ વધુ ગંભીર બને અને ભારતીયોને સમુદ્ર માર્ગે બહાર કાઢવાની જરૂર પડે, તો આ યુદ્ધજહાજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ સ્ટીલ્થ ક્ષમતા ધરાવતું યુદ્ધજહાજ દુશ્મનના રડારથી બચીને ઓપરેશન ચલાવી શકે છે અને મધ્ય-પૂર્વના અશાંત વિસ્તારો પર સતત નજર રાખી રહ્યું છે.
આ યુદ્ધ જહાજમાં સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલ, બરાક-8 એર ડિફેન્સ સિસ્ટમ, આકાશ મિસાઈલ, સબમરીન વિરોધી રોકેટ લોન્ચર અને અદ્યતન ટોર્પિડો સિસ્ટમ જેવી શક્તિશાળી હથિયાર પ્રણાલીઓ છે. આ કારણે તે સમુદ્ર, હવા અને પાણીની અંદરથી આવતા ખતરાઓનો સામનો કરવા સક્ષમ છે. લગભગ 7,400 ટન વજન અને 163 મીટર લંબાઈ ધરાવતું આ જહાજ 30 નોટ્સથી વધુ ઝડપે આગળ વધી શકે છે અને 8,000 નોટિકલ માઇલ સુધી ઓપરેશન કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત માટે ગલ્ફ ક્ષેત્ર વ્યૂહાત્મક અને આર્થિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. દેશના લગભગ 50% ક્રૂડ ઓઈલ આયાત હોર્મુઝ સ્ટ્રેટ મારફતે આવે છે, જ્યારે LPGનો મોટો પુરવઠો પણ આ માર્ગથી પસાર થાય છે. આવી પરિસ્થિતિમાં ભારતીય નૌસેનાની હાજરી આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોની સુરક્ષા માટે જરૂરી માનવામાં આવી રહી છે. કટોકટી દરમિયાન રાહત અને બચાવ કામગીરીમાં ભારતીય નૌસેનાનો મજબૂત રેકોર્ડ પણ રહ્યો છે. 2015માં યમનમાં ઓપરેશન રાહત, 2023માં સુદાન સંકટ દરમિયાન ઓપરેશન કાવેરી અને કોરોના મહામારી દરમિયાન ઓપરેશન સમુદ્ર સેતુ જેવી કામગીરીઓ દ્વારા હજારો ભારતીયોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા.