અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને લઈને એક મોટો દાવો કરીને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઇરાન હવે પરમાણુ હથિયાર મેળવવાની પોતાની જીદ છોડવા તૈયાર છે અને અમેરિકા સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરવા માટે પણ રાજી થઈ ગયું છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. સાઉથ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રેહામ માટે આયોજિત એક વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન એક સારી ડીલ કરવા માંગે છે. તેમણે દાવો કર્યો કે ઇરાન હવે પરમાણુ હથિયાર ન રાખવાની શરત સ્વીકારવા તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે ઇરાન પાસે પરમાણુ હથિયાર હોવું જોઈએ નહીં અને આ મુદ્દે તેમની સ્થિતિ સ્પષ્ટ છે.
ટ્રમ્પે પોતાના ભાષણ દરમિયાન એવો પણ દાવો કર્યો કે અમેરિકાની સૈન્ય કાર્યવાહીના કારણે ઇરાનની સૈન્ય ક્ષમતાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. તેમના મતે, આ દબાણના કારણે જ ઇરાન હવે વાટાઘાટોના માર્ગે આગળ વધવા માટે મજબૂર બન્યું છે. પોતાની આક્રમક શૈલીમાં બોલતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઇરાનના સૈન્ય માળખાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. તેમણે દાવો કર્યો કે ઇરાનની સૈન્ય શક્તિ હવે પહેલાની સરખામણીએ ઘણી નબળી પડી ગઈ છે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું કે ઇરાનની નૌસેનાના તમામ જહાજો હવે નષ્ટ થઈ ગયા છે અને તેમની દરિયાઈ તાકાત લગભગ ખતમ થઈ ગઈ છે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે હાલની વાટાઘાટોમાંથી અમેરિકા માટે સકારાત્મક પરિણામ આવવાની પૂરી શક્યતા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી બે સપ્તાહમાં સ્થિતિ વધુ સ્પષ્ટ બનશે અને અમેરિકા પોતાની સફળતાની સત્તાવાર જાહેરાત પણ કરી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, જો આ સમજૂતી સફળ થશે તો માત્ર અમેરિકા અને ઇરાન વચ્ચેના સંબંધોમાં જ સુધારો નહીં આવે, પરંતુ સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ ઘટાડવામાં પણ મદદ મળશે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે આ સ્થિતિનો સકારાત્મક પ્રભાવ વૈશ્વિક અર્થતંત્ર પર પડશે અને ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.
જોકે, ટ્રમ્પના આ દાવાઓને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા ચાલી રહી છે. ઇરાન તરફથી હજુ સુધી તમામ મુદ્દાઓ પર સ્પષ્ટ અને સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેથી બંને દેશો વચ્ચે કોઈ અંતિમ સમજૂતી થઈ છે કે નહીં તે અંગે હજુ અનિશ્ચિતતા યથાવત છે. તેમ છતાં, ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકા-ઇરાન સંબંધો ફરી એકવાર વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જો ખરેખર ઇરાન પરમાણુ હથિયાર કાર્યક્રમને મર્યાદિત કરવા અથવા તેને સંપૂર્ણપણે છોડી દેવા તૈયાર થાય, તો તે મિ઼ડલ ઇસ્ટના રાજકારણમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ઘટનાની શરૂઆત બની શકે છે.