ઠંડીએ વિદાઈ લીધી અને માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરી છે. T-20 ફાઇનલના દિવસે અમદાવાદમાં 37°C તાપમાન રહેશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે. જયારે સુરતમાં પણ છેલ્લા 4-5 દિવસથી ગરમીનો અહેસાસ અનુભવાઈ રહ્યો છે. સુરતમાં આજનું તાપમાન પણ 35°C ડિગ્રી નોંધાયું છે. સુરતમાં પણ લોકો ઊભા રહેવા છાંયો શોધી રહ્યા છે. અહીં પણ ચટકો દેતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો હોવાનું લોકમોઢે સાંભળવા મળી રહ્યું છે. આગામી 8 માર્ચથી 10 માર્ચ, 2026 આ ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં હીટવેવની આગાહી છે. જેમાં પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ગરમીને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે 6 માર્ચથી 10 માર્ચ, 2026 દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ 7 જિલ્લાઓમાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન લગભગ 35°C અને લઘુતમ તાપમાન 22°C આસપાસ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સવારે વહેલી અને મોડી રાત્રે હળવી ઠંડક અનુભવાઈ શકે છે, પરંતુ બપોરથી સાંજ સુધી ગરમીનો ત્રાસ વધતો રહેશે. ભાવનગરમાં આજે હીટવેવની આગાહી વચ્ચે તાપમાનનો પારો લગભગ 38°C સુધી પહોંચવાની શક્યતા છે. બીજી તરફ 8 માર્ચે અમદાવાદમાં રમાનારી T-20 વર્લ્ડકપ ફાઈનલ દરમિયાન પણ ગરમીનો પ્રભાવ જોવા મળી શકે છે. આગાહી મુજબ મેચના દિવસે શહેરનું તાપમાન લગભગ 37°C આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ગરમી વધતી રહેવાની શક્યતા છે, જેમાં ભાવનગર સૌથી ગરમ શહેર બની શકે છે.