National

રાષ્ટ્રપતિ પદના દાવેદારોની રેસમાં મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાનું નામ છે સૌથી આગળ

નવી દિલ્હી: દેશમાં રાષ્ટ્રપતિની (President) ચૂંટણીની (Election) જાહેરાત થઈ ગઈ છે. નામાંકનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે રાષ્ટ્રપતિની રેસમાં આ વખતે કોણ આગળ છે તે જાણવાની તાલાવેલી બધાને થઈ રહી છે. ત્યારે જાણીએ કે આ વખતે કોણ કોણ રાષ્ટ્રપતિ બનવાની રેસમાં સામેલ છે. બુધવારે શરૂ થયેલી નામાંકનની પ્રક્રિયાના પહેલાં દિવસે 11 લોકોએ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી (Candidate) નોંધાવી હતી. ચૂંટણી પંચ દ્વારા નામંકન દાખલ કરવાની એટલે કે ઉમેદવારી માટેની પ્રક્રિયાની અંતિમ તારીખ 29 જૂન રાખી છે. દરમિયાન વિપક્ષે બુધવારે એક બેઠક કરી હતી, જેમાં રાષ્ટ્રપતિના ઉમેદવારના નામ અંગે ચર્ચા થઈ હતી, બીજી તરફ સત્તાપક્ષ ભાજપ (BJP) પણ રાષ્ટ્રપતિના નામ પર સર્વસંમતિ બને તે માટે પ્રયાસ શરૂ કર્યા છે.

બુધવારે સત્તા પક્ષ ભાજપ તરફથી રાજનાથ સિંહે કોંગ્રેસના મલ્લિકાર્જૂન ખડગે, ઓડિસાના મુખ્યમંત્રી અને બીજેડીના પ્રમુખ નવીન પટનાયક ઉપરાંત સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સાથે આ મામલે ચર્ચા કરી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજનાથ સિંહ એનસીપી પ્રમુખ શરદ પવાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડા સાથે પણ વાત કરવાના છે.

દરમિયાન બુધવારે શરદ પવારની (Sharad Pawar) અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. વિપક્ષી દળો તરફથી શરદ પવારના નામ પર સહમતિ બની છે. જોકે, શરદ પવાર સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ રાષ્ટ્રપતિ પદના દાવેદાર નથી. તેઓ નામંકન ભરવાના નથી. પવારની ઈનકાર બાદ વિપક્ષ નવું નામ શોધી રહ્યાં છે. આ તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ શરદ પવારના નામ પર સહમતિ આપી રહ્યાં છે. તેઓનું કહેવું છે કે શરદ પવાર ઉમેદવારી કરે તો તેઓ સમર્થન આપશે. દરમિયાન બેઠકમાં ફારૂક અબ્દુલ્લાના નામ પર પણ ચર્ચા થઈ હતી. જોકે, ઉમર અબ્દુલલાએ તેનો વિરોધ કર્યો છે. દરમિયાન પશ્ચિમ બંગાળાના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બે નામ સૂચવ્યા હોવાનું જાણવા મળ્યુંછે, જેમાં પ.બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધી અને ફારુક અબ્દુલ્લાનો સમાવેશ થાય છે. હજુ કોઈ નામ પાક્કું થયું નથી.

આ તરફ સત્તા પક્ષ એનડીએ (NDA) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ફરી એકવાર તક આપવા માંગે છે. તેમનો કાર્યકાળ લંબાવવાનો પ્રસ્તાવ મૂકે તેવી શક્યતા જોવાઈ રહી છે. તે ઉપરાંત સત્તાપક્ષ તરફથી આરિફ મોહમ્મદ ખાન, દ્રોપદી મુર્મૂ, અનસૂયા ઉઈકે, તમિલસાઈ સુંદરરાજન, સુમિત્રા મહાજન અને મુખ્તાર અબ્બાસ નકવીનું નામ ચર્ચામાં છે.

તમને જણાવી દઈએ કે તા. 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી થશે. નોટીફિકેશન મુજબ નામાંકન 29 જૂન સુધી દાખલ થઈ શકશે. 30 જૂનના રોજ દસ્તાવેજોની ચકાસણી થશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 2 જુલાઈ છે. 18 જુલાઈ મતદાન અને 21 જુલાઈએ મતગણતરી થશે. ત્યાર બાદ દેશને 16માં રાષ્ટ્રપતિ મળશે.

Most Popular

To Top