Charchapatra

સીટી બસના અકસ્માતો

 ‘ગુજરાતમિત્ર’માં તા. 4-5 ના અંકમાં એક સીટી બસના ડ્રાઈવરને ચાલુ  બસે ખેંચ આવતાં બસ એક હોટલમાં ઘુસી ગયાના સમાચાર વાંચ્યા. સીટી બસ અને બીઆરટીએસ બસો વારંવાર અકસ્માત કરે છે અને નિર્દોષ લોકોના જીવ લે છે. આ બસો છાશવારે રોજિંદા અકસ્માતો કેમ કરે છે? એનાં કારણો ઊંડા ઉતરી તપાસવાની જરૂર છે. શહેરની સીટી બસ સેવા અને બીઆરટીએસ બસો કોન્ટ્રાકટરના ધોરણે દોડાવાય છે અને એમાં કર્મચારીઓની ભરતી લાયકાતના બદલે લાગવગ ઓળખાણ અને ભલામણોના જોરે થાય છે. લગભગ મોટા ભાગના ડ્રાઈવરોનાં લાયસંસો અંતરિયાળ ગામડાંઓમાંથી રૂા. ખવડાવી મેળવાયા અને નોંધાયેલા હોય છે.

જે તે બસો દોડાવવા ડ્રાઈવરને 5 કે 10 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જરૂરી હોય છે છતાં 22-25 વર્ષના યુવાનોની ભરતી કરાય છે. ડ્રાઇવિંગ લાયસંસ 18 વર્ષની ઉંમરે મળ્યું હોય તોય નોકરી માટેની લાયકાત 28 ની ઉંમરે આવે. ઉપરાંત ડ્રાઈવરની ભરતી પહેલાં અને પછી એના સ્વાસ્થ્યની નિયમિત  તપાસ થવી જરૂરી  છે. જે વ્યકિતને ખેંચની બિમારી હોય એને આરટીઓ લાયસંસ આપતું જ નથી તો ઉપરોકત ડ્રાઈવરે લાઇસંસ મેળવ્યું કઇ રીતે? એની પોલીસ તપાસ જરૂરી બને છે. આ ઉપરાંત ડ્રાઈવરો નશો કરીને ગાડી હાંકતા હોવાની યે શકયતાઓ રહેલી છે. આ સિવાય પણ અકસ્માતો માટે ઘણાં કારણો હોઈ શકે છે. આવા અકસ્માતોની ઊંડી તપાસ જરૂરી લાગે છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top